You are here
Home > Local News > સરકાર રોજગારીની તકો ભલે ન વધારે રોજગારી ટકાવવા પગલાં લે…

સરકાર રોજગારીની તકો ભલે ન વધારે રોજગારી ટકાવવા પગલાં લે…

સરકાર રોજગારીની તકો ભલે ન વધારે
રોજગારી ટકાવવા પગલાં લે…
દિવસે દિવસે દેશ ઉપર મંદીએ ભરડો લીધો છે. ૨૦૧૯ ની ચુંટણી પહેલાં મંદી તો હતી પણ લોકોને આશા હતી કે, નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર રોજગારી વધારવાનું વચન આપે છે. ભાજપ જે બોલે છે તે પાળે છે. જેથી લોકોએ ભાજપને ખોબે ખોબે મત આપ્યા. કે ભાજપ રોજગારીની તકો ત્યારે જ વધારી શકશે કે જ્યારે મંદી તેજીમાં પરિવર્તન પામશે. મતદારોની ધારણા અને આશાઓ ખોટી સાબિત થઈ છે. રોજગારીની તકો વધવાની વાત તો બાજુ ઉપર રહી મંદીને કારણે લોકોની રોજગારી જતી રહેવા લાગી છે. રોજગારી વગરના લોકો બેકારીને કારણે ભૂખે મરે તેવા સંજોગો ઊભા થયા છે. તેવા સમયે ભાજપ સરકારે દેશને મંદીમાંથી બહાર લાવવાનો પ્રયત્નો કરવા જોઈએ. રોજગારી વધારવાની વાત તો બાજુ ઉપર રહી રોજગારી ટકાવી રાખવાનો સમય આવી ગયો છે. રોજગારી ટકી રહે તે માટે ભાજપ સરકારે પગલાં લેવા જોઈએ. અર્થશાસ્ત્રીઓના મતે ભારતની નોટબંધીના કારણે દેશમાં મંદી વ્યાપી છે. મનમોહનસિંહે નોટબંધી વખતે અખબારી નિવેદન આપ્યું હતું કે, નોટબંધીની અસરો બે વર્ષ પછી દેખાશે જે અત્યારે દેખાઈ રહી છે. નાણાં મંત્રાલયના સલાહકાર અર્થશાસ્ત્રીઓના મતે હાલની મંદી વિશ્વવ્યાપી મંદીને આધારિત છે. કેન્દ્ર સરકારનું નાણાંખાતુ એ આ મંદીમાંથી કઈ રીતે બહાર નીકળવું, ટકી રહેવું તેના સૂચનો મંગાવ્યા છે. વિશ્વવ્યાપી મંદી હોય કે નોટબંધીની મંદી હોય ગમે તેવી મંદી હોય પણ સરકારે આ મંદી સામે પગલાં લેવા જોઈએ. સરકારને ય્જી્‌ તથા અન્ય વેરામાંથી કરોડોની આવક થઈ રહી છે. જે આવક વિકાસના કામો માટે વપરાઈ રહી છે. એકાદ બે વર્ષ રોડ રસ્તા નહિ બને તો લોકો મરી જવાના નથી પણ મંદીના કારણે બેકારીમાં લોકો ભૂખે મરી જવાના છે. પ્રવર્તમાન સંજોગોમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે મંદીની અસર દેખાઈ રહી છે. મારુતિ સુઝુકીએ ૩૦ હજાર કર્મચારીઓ છુટા કર્યા છે. પારલે કંપનીએ કર્મચારીઓ છુટા કર્યા. તેવી બીજી કંંપનીઓની પણ પરિસ્થિતિ આવી જ હશે તો સરકારે ઓટોમોબાઈલ તથા અન્ય ક્ષેત્રે પેકેજ આપી વાહનોની કિંમત ઘટે તેવું કરવું જોઈએ. વાહનો સસ્તા થશે તો વેચાણ વધશે. વેચાણ વધશે તો ઉત્પાદન વધારવું પડશે અને ઉત્પાદન વધશે તો રોજગારીની તકો વધશે. આ તરફ સરકારે વિચારવું જોઈએ. આવી રીતે હીરા ઉદ્યોગ ક્ષેત્રે પણ છે. પહેલાં હીરાના કારખાનામાં એક દિવસની રજા પળાતી હતી હવે બે દિવસની રજા રાખવાની શરૂઆત થઈ ગઈ છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે લાખો કારીગરો બેકારીનો સામનો કરી રહ્યા છે. હીરા ઉદ્યોગ ટકી રહે તે માટે સરકારે પગલાં લેવા જોઈએ. એશિયાના બે મોટા માર્કેટયાર્ડો ઉંઝા અને વિસનગરમાં અત્યારે કાગડા ઉડે છે. તે માટે સરકારે પગલાં લેવા જોઈએ. ગંજબજાર જેવી કાપડબજાર, વાસણબજારની પરિસ્થિતિ છે. કદી પણ મંદી નથી આવી તેવા કરીયાણા બજારમાં પણ મંદી જોવા મળી રહી છે. ગૌરીવ્રત પ્રસંગે કાયમ સૂકા મેવાની ઘરાકી રહેતી હતી તે પણ ઘરાકી ઓછી રહી છે. રીયલ એસ્ટેટમાં મંદી જોવાઈ રહી છે. જેને લઈને લાકડા બજાર, હાર્ડવેર બજારમાં મંદી દેખાઈ રહી છે. બાંધકામ ક્ષેત્રે સરકાર દ્વારા રેરા સહિતના કડક કાયદા લાગુ કરતાં બિલ્ડરો નવા સાહસ કરતાં ગભરાઈ રહ્યા છે. જેને લઈને મજૂરો બેકાર બન્યા છે. તમામ ક્ષેત્રે આવક ઘટી રહી હોય એટલે મોજશોખના પ્રસાધનોમાં મંદી તો આવે. હોટલ ઉદ્યોગ બેકારીમાં ફસાયો છે. સિનેમાગૃહોમાં પણ તમામ શો માં ગ્રાહકો મળતા નથી. લોકોની આમદની ઘટી છે. જેથી બહાર પ્રવાસો કરતા બંધ થયા છે. જેને લઈને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ મંદી ફરીવળી છે. મંદીને તેજીમાં કઈરીતે લઈ જવી તે તંત્રના હાથની વાત છે. તંત્ર તેના વધારી દેવાયેલા ટેક્સોમાં થોડી છુટછાટ આપે તો કદાચ મંદીની અસર ઓછી થઈ શકે છે. એક વાત ચોક્કસ છે કે રોજગારીની તકો ન વધારે પણ રોજગારી ટકાવી રાખવાની કાર્યવાહી તો કરવી જ પડશે. ચાણક્યના મતે પ્રજા સુખી હશે તોજ રાજા સુખેથી રાજ કરી શકે તે ચોક્કસ વાત છે.

Leave a Reply

Top