You are here
Home > Local News > સામાન્ય વરસાદમાં પુદગામ ગણેશપુરા રેલ્વે સ્ટેશનમાં થયેલ હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી વડાપ્રધાનના વતનની રેલ્વે લાઈનમાં ભ્રષ્ટાચાર કરતા ખચકાતા નથી

સામાન્ય વરસાદમાં પુદગામ ગણેશપુરા રેલ્વે સ્ટેશનમાં થયેલ હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી વડાપ્રધાનના વતનની રેલ્વે લાઈનમાં ભ્રષ્ટાચાર કરતા ખચકાતા નથી

સામાન્ય વરસાદમાં પુદગામ ગણેશપુરા રેલ્વે સ્ટેશનમાં થયેલ હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી
વડાપ્રધાનના વતનની રેલ્વે લાઈનમાં ભ્રષ્ટાચાર કરતા ખચકાતા નથી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોંગ્રેસના શાસનમાં કેન્દ્રમાંથી જ્યારે એક રૂપિયો નીકળતો હતો ત્યારે લોકો સુધી દશ પૈસા પહોચતા હતા. તેવુજ અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતનમાં ચાલી રહેલી રેલ્વેની કામગીરીમાં જોવા મળી રહ્યુ છે. મહેસાણા તારંગા અંબાજી રેલ્વે લાઈન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ સ્વપ્ન છે. ત્યારે તેમના વતનમાં થઈ રહેલ રેલ્વેની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર કે રેલ્વેના અધિકારીઓ ખચકાતા નથી. હમણાં ત્રણ માસ પહેલાજ પુદગામ ગણેશપુરા રેલ્વે સ્ટેશન બનાવવામાં આવ્યુ હતું. ત્યારે સામાન્ય વરસાદમાંજ આખુ રેલ્વે સ્ટેશન બેસી ગયુ છે. તિરાડો પડી ગઈ છે. કોન્ટ્રાક્ટર દ્વારા એવો તો કેવી કામગીરી કરવામાં આવી હતી કે, વરસાદી પાણી ઉતર્યુ અને રેલ્વે સ્ટેશન ભયજનક પરિસ્થિતિમાં મુકાયુ.
કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુધ્ધમાં ભાષણો કરી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા. જેમણે દેશમાંથી ભ્રષ્ટાચાર નેસ્તનાબુદ કરવાની હાંકલ કરી છે. ભ્રષ્ટાચાર કરી મોટી મિલ્કતો ખરીદનાર આઈ.એ.એસ., આઈ.પી.એસ. અધિકારીઓ સામે તપાસ શરૂ કરી છે. તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનમાં ચાલતી રેલ્વે લાઈનની કામગીરીમાં રેલ્વેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ગેરરીતી તથા ભ્રષ્ટાચાર કરતા ખચકાતા નથી. જે બતાવે છે કે, વડાપ્રધાનની ભ્રષ્ટાચાર વિરુધ્ધની કાર્યવાહીનો અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને કોઈ ખોફ નથી. મહેસાણા તારંગા રેલ્વે લાઈન એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. તારંગાથી યાત્રાધામ અંબાજી સુધીની રેલ્વે લાઈન એ વડાપ્રધાનનો એક સંકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ જગત જનની માઁ અંબાના ઉપાસક છે. જેથી તેઓ અંબાજી સુધી રેલ્વે લાઈન શરૂ થાય તે માટે પુરા પ્રયત્નોમાં છે. વડાપ્રધાનના માદરે વતનમાં રેલ્વે લાઈનનુ કામ ટકાઉ, મજબુત, ગેરરીતી રહીત ઉત્તમ નમુનારૂપ હોવુ જોઈએ. ત્યારે દેશને ભ્રષ્ટાચારી નિતિથી ઉધઈની જેમ કોરી ખાનારા લોકો વડાપ્રધાનના સ્વપ્ન સમાન માદરે વતનની રેલ્વે લાઈનમાં પણ હલકી ગુણવત્તાનું કામ કરતા ખચકાતા નથી તે પુદગામ ગણેશપુરા રેલ્વે સ્ટેશનની હાલત ઉપરથી કહી શકાય.
મહેસાણા તારંગા રેલ્વે લાઈનમાં મહેસાણાથી વડનગર સુધીનુ કામ પૂર્ણ થઈ ગયુ છે. આઠ કોચની રેલ્વેનો ટ્રાયલ પણ લેવાઈ ગયો છે. વડાપ્રધાન ટુંક સમયમાંં મહેસાણાથી વડનગર સુધીની રેલ્વે લાઈનનુ ઉદ્‌ઘાટન કરે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે પુદગામ ગણેશપુરા રેલ્વે સ્ટેશન સામાન્ય વરસાદમાં ધોવાતા રેલ્વે લાઈનના ઉદ્‌ઘાટનમાં મોટો અવરોધ ઉભો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. પુદગામ ગણેશપુરા રેલ્વે સ્ટેશન લગભગ રૂા.૩૦ લાખના ખર્ચે હમણાં ત્રણ માસ અગાઉજ બનાવવામાં આવ્યુ હતું. લોકસભાની ચુંટણી પહેલા વડાપ્રધાન આ રેલ્વે લાઈનનુ ઉદ્‌ઘાટન કરવાના હોવાની શક્યતાથી પુદગામ ગણેશપુરા રેલ્વે સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે પંદર દિવસ અગાઉ આવેલા સામાન્ય વરસાદમાં રેલ્વે પ્લેટફોર્મના તળીયામાં પાણી ઉતરતા આખુ પ્લેટફોર્મ બેસી ગયુ છે. પ્લેટફોર્મ ઉપર તીરાડો પડી ગઈ છે. રેલ્વે અધિકારીઓની મીઠી નજર તળે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનુ કામ કરવામાં આવતા આખુ રેલ્વે સ્ટેશન ભયજનક પરિસ્થિતિમાં મુકાયુ છે. વડાપ્રધાનના વતનની રેલ્વે લાઈનમાં આવી હલકી ગુણવત્તાની કામગીરી થઈ છે તે ખરેખર તપાસનો વિષય છે. જાણવા મળ્યા પ્રમાણે આ રેલ્વે લાઈનના રેલ્વે સ્ટેશનોનો કોન્ટ્રાક્ટ વિસનગરનીજ એક સંસ્થાને મળ્યો છે. જેે સંસ્થા દ્વારા રેલ્વે લાઈનનું કામ કરવામાં આવ્યુ છે.

Leave a Reply

Top