You are here
Home > Prachar News > તંત્રી સ્થાનેથી…સ્ટેચ્યુ ઓફ યુનીટી વિશ્વના ૧૦૦ પ્રવાસનો પૈકી એક

તંત્રી સ્થાનેથી…સ્ટેચ્યુ ઓફ યુનીટી વિશ્વના ૧૦૦ પ્રવાસનો પૈકી એક

તંત્રી સ્થાનેથી…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીનું પરિણામ

સ્ટેચ્યુ ઓફ યુનીટી વિશ્વના ૧૦૦ પ્રવાસનો પૈકી એક

               દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી અને વર્ષો પહેલાનુ અને આગળનું જોવાની શક્તિથી તે દુરંદેશી કાર્યો કરી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી દેશના પહેલા ગૃહપ્રધાન લોખંડી પુરુષની વિશ્વની સૌથી ઊંચી પંચધાતુની પ્રતિમા બનાવવા માટે જ્યારે તેમણે ખેડૂતો પાસેથી ખેતીના નકામા ઓજારો ઉઘરાવવાની શરૂઆત કરી ત્યારે વિરોધ પક્ષે સ્ટેચ્યુ ઓફ યુનીટી એક ભાજપનો પ્રચાર કરવાનો સ્ટંટ લાગતો હતો. ફક્ત અને ફક્ત નરેન્દ્રભાઈ મોદી એવી વ્યક્તિ હતી કે જેમને સ્ટેચ્યુ ઓફ યુનીટી દ્વારા ગુજરાતનો વિકાસ દેખાતો હતો. અમિતાભ બચ્ચન પાસે ટીવીમાં “કુછ દિન તો ગુજારો ગુજરાત મે” આ જાહેરાત ગુજરાતના પ્રવાસન વ્યવસાયને વધારવા માટે ચાલુ કરી હતી. ટીવીમાં આ જાહેરાત જોઈ વિરોધ પક્ષો હસતા હતા કે ગુજરાતમાં એવું શું છેકે પરદેશીઓ ગુજરાતમાં આવે? નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સ્ટેચ્યુ ઓફ યુનીટી ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું હતું તે ફળીભૂત થયું છે. વિશ્વના પ્રથમ કક્ષાના ઈંગ્લીશ ટાઈમ મેગેઝીને તેનો વિશ્વના સો પર્યટક સ્થળોનું લીસ્ટ જાહેર કર્યુ છે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીને સ્થાન આપ્યું છે. સમગ્ર વિશ્વમાંથી ભારત આવતા પરદેશી પ્રવાસીઓ વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા આવવાના જ છે. જેને લઈને ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ, વાહન વ્યવહાર ઉદ્યોગ, હોટલ ઉદ્યોગ ઝડપથી આગળ વધવાનો છે. હોટલ ઉદ્યોગ વધે એટલે જમીનની જરૂરીયાત ઊભી થાય જેથી કેવડીયા કોલોનીમાં જમીનોના ભાવ ઊંચા જવાના છે. ખેડૂતોને પણ લાભ થશે. અમેરીકામાં જનાર દરેક વ્યક્તિની એક ઈચ્છા હોય છે કે અમેરીકામાં ગમે તે સ્ટેટમાં જાય પણ ન્યુયોર્કમાં આવેલ સ્ટેચ્યુ ઓફ લીબર્ટી અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર જોવા જવું જ પડે. તેવી રીતે વિદેશથી ભારતમાં આવનાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનીટી જોવાનો આગ્રહ ટાઈમના અહેવાલને લઈ રાખશેજ. જેથી અમદાવાદ, વડોદરા અને સુરતના એરપોર્ટનો વિકાસ થશે. કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનીટી પાસે સ્ટેચ્યુ સિવાય ફ્લાવર વેલી, વૉટર રાફટીંગ, હેલી કોપ્ટર રાઈડ વગેરે સુંદર પ્રવાસન સાધનો વસાવાઈ રહ્યા છે. જેને લઈને આવનાર પ્રવાસીઓને બે-ત્રણ દિવસ કેવડીયા કોલોનીમાં રોકાવુ પડશે. કેવડીયા કોલોનીમાં બનાવાયેલા ટેન્ટ હાઉસમાં રહેવાનો અવસર અદ્વિતીય હશે. પરદેશી પ્રવાસીઓ આવશે અને ગુજરાતના થેપલાં, ખમણ, ઢોકળાંનો સ્વાદ ચાખશે તે ચોક્કસ વાત છે. નરેન્દ્રભાઈ મોદીને આ પરિસ્થિતિ સર્જાશે તેની પહેલેથીજ ખબર હતી કે જે કરવા તે જઈ રહ્યા છે તે સ્ટેચ્યુ ઓફ યુનીટી એક દિવસ વિશ્વનું અગ્રીમ પ્રવાસન સ્થળ બનશે. અને તે આ પ્રવાસી સ્થળને લઈ ગુજરાતનો વિકાસ થશે. આ વાત જો પ્રતિમાના પ્રથમ તબક્કામાં નરેન્દ્રભાઈએ ખેતીના સાધનો ઉઘરાવતા હતા ત્યારે કહી હોત તો રાહુલબાબા અને સોનીયાજી ટ્‌વીટ કરીને મશ્કરી કરત કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની કેવડીયા કોલોનીને ન્યુયોર્ક બનાવવા જઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીને એક દિવસ આવી પરિસ્થિતિ સર્જાશે તે વાત તે જાણતા હતા તે ચોક્કસ વાત છે. કે સ્ટેચ્યુ ઓફ યુનીટીને લઈ ગુજરાત પ્રવાસન સ્થળ બનશે. નરેન્દ્રભાઈ મોદી અત્યારે સમગ્ર ભારતના છે. સમગ્ર ભારત તેમનું વતન છે. પણ વતન એ વતન જન્મ સ્થળ એ જન્મ સ્થળ. રેસીડેન્સ બીજુ બનાવી શકાય છે પણ વતન અને જન્મસ્થળ બીજુ બનાવી શકાતુ નથી. નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ભારતના બન્યા એટલે તેમની નજર ઉત્તર ગુજરાત તરફ ઓછી થઈ છે. પણ કેવડીયા કોલોની જેવું જ સ્થળ તેમની માતૃભૂમિ જોડે ધરોઈ ડેમ છે. આ ડેમ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનીટી જેવું કંઈક ઊભુ કરાય અથવા લોકો આકર્ષાય તેવું કંઈક બનાવાય તો મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ, તારંગા, સતલાસણા, અંબાજી, વિજાપુર, ખેડબ્રહ્મા, ઈડર જેવા સ્થળોનો વિકાસ થઈ શકે છે. ધરોઈ ડેમથી નજીક ઈડર પાસે પોળોના પૌરાણિક જંગલો આવેલા છે. ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરાય તો આપોઆપ ઉત્તર ગુજરાત વિકાસ પામે અને નરેન્દ્રભાઈ મોદીના માથેથી વતનનું ઋણ ઉતરે. આમ તો નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણા, અંબાજી, આબુ રોડ રેલ્વે આપી વતનનો ઋણ અદા કરવાનો પ્રયત્ન કર્યો જ છે પણ વતનનું ઋણ જેવું અદા થાય તેટલું ઓછું છે. નરેન્દ્રભાઈ જો ઉત્તર ગુજરાતના વિકાસ માટે વિચારશે તો ભવિષ્યની પેઢી નરેન્દ્રભાઈ મોદીના ફોટા ઘેરઘેર ચોટાડશે.

Leave a Reply

Top