You are here
Home > News > બાયપાસ હાઈવે ઉપરની ફાઈલ ઉપરથી ૧૨ વર્ષે ધૂળ ખંખેરાઈ

બાયપાસ હાઈવે ઉપરની ફાઈલ ઉપરથી ૧૨ વર્ષે ધૂળ ખંખેરાઈ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કાર્યપાલક ઈજનેરને પત્ર લખ્યો

બાયપાસ હાઈવે ઉપરની ફાઈલ ઉપરથી ૧૨ વર્ષે ધૂળ ખંખેરાઈ

વિસનગર ભાજપનો ગઢ ગણાય છે ત્યારે શહેરને મોટી યોજનામાંથી બાકાત રાખી સરકારે કાયમી અણગમો રાખ્યો તેની પાછળ રહસ્ય શું?
વિસનગરના વિકાસ માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને એસ.કે.ચેરમેન પ્રકાશભાઈ પટેલે એક થવુ જોઈએ-ફુલચંદભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના બાયપાસ હાઈવે ઉપરની યોજના જાહેર થયા બાદ છેલ્લા ૧૨ વર્ષથી ધુળ ખાતી હતી. ત્યારે પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલની રજુઆતથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બાયપાસ અંગે જરૂરી કાર્યવાહી કરવા કાર્યપાલક ઈજનેરને સુચના આપતા બાયપાસ હાઈવે ઉપરની ફાઈલ ઉપરથી વર્ષોની ચડેલી ધૂળ ખંખેરાઈ છે. મોટી યોજનામાંથી બાકાત રાખી સરકારે વિસનગર પ્રત્યે હંમેશા અણગમો રાખ્યો છે. ત્યારે આ યોજના આગળ વધે છેકે પછી આશ્વાસન પુરતી કાર્યવાહી કરવામાં આવી છે તે સમય બતાવશે.
વિસનગરમાંથી કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી એકજ સ્ટેટ હાઈવે પસાર થાય છે. એકમાત્ર આ સ્ટેટ હાઈવે હોવાથી ટ્રાફીકનુ ભારણ વધતા વારંવાર અકસ્માતના બનાવો બને છે. વળી વિસનગર, વડનગર, ખેરાલુ, વાવ, ધરોઈથી વડાલી તરફનો જે નેશનલ હાઈવે પડવાનો છે તેમાં વિસનગરના કયા રોડ ઉપરથી નેશનલ હાઈવે પસાર કરવો તેનો પણ સર્વે ચાલી રહ્યો છે. કડાથી પાલડી ત્રણ રસ્તા સુધીનો રોડ નેશનલ હાઈવેમાં લેવાશે તો ટ્રાફીકનું અત્યાર કરતા પણ વધારે ભારણ વધશે. આવા સંજોગોમાં શહેરને બાયપાસ યોજનાનો લાભ મળે તે શહેરના હિત માટે જરૂરી છે. આનંદીબેન પટેલ જ્યારે માર્ગ અને મકાન વિભાગના મંત્રી હતા તે વખતે વર્ષ ૨૦૦૭ માં મહેસાણા રોડથી કડા રોડને જોડતો અને કડા રોડથી પીંડારીયા તળાવ પાસેના ખેતરોમાં થઈ વડનગર રોડને જોડતા બાયપાસ રોડની જાહેરાત કરી હતી. જેના સર્વે માટે રૂા.૭ કરોડની ગ્રાન્ટ પણ મંજુર કરવામાં આવી હતી. બાયપાસની જાહેરાત બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા સર્વે કરી જમીન સંપાદન માટે બાઉન્ડ્રી સ્ટોન પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ ગમે તે કારણોસર ત્યારબાદ આ યોજના અટકીને ઉભી છે.
છેલ્લા ૧૨ વર્ષથી આ યોજના આગળ વધતી નથી. ત્યારે પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે, બાયપાસની યોજનાની જાહેરાત બાદ જમીન સંપાદન માટે લાઈન સ્ટોન લગાવ્યા બાદ કોઈ કાર્યવાહી નહી થતાં ખેડૂત ખાતેદારો મુંજવણ અનુભવી રહ્યા છે. પશુપાલન માટે બાંધકામ કરી શકતા નથી. સીંચાઈ માટેની સગવડ કરી શકતા નથી. શહેરમાંથી પસાર થતો એકજ હાઈવે હોવાથી ટ્રાફીક વધી ગયો છે. વારંવાર અકસ્માતના બનાવો બને છે. બાયપાસ રોડને સત્વરે મંજુરી આપી કાર્યવાહી આગળ ધપાવવા વિનંતી. ફુલચંદભાઈ પટેલની આ રજુઆત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તંત્રીક અભિપ્રાય સહ અહેવાલ રજુ કરવાનો શેરો મારી મહેસાણા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને જરૂરી કાર્યવાહી કરવા પત્ર લખવામાં આવ્યો છે. ફુલચંદભાઈ પટેલની મહેનતથી બાયપાસ રોડની યોજના ઉપરની ફાઈલ ઉપરથી ૧૨ વર્ષે ધૂળ ખંખેરાઈ છે.
ફુલચંદભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી છેકે, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ જો એક થઈ બાયપાસ યોજના માટે સરકારમાં અસરકારક રજુઆત કરે તો બાયપાસ યોજના મંજુર થાય તેમ છે. ફુલચંદભાઈ પટેલે વધુમાં જણાવ્યુ છેકે, અત્યારે વિસનગરની આર્થિક સ્થિતિ ખરાબ છે. બાયપાસ માટે જમીન સંપાદન થાય તો તેનો ખેડૂતોને ફાયદો થવાનો છે. જમીનોની કિંમત વધશે તેનો ફાયદો વિસનગરનેજ થવાનો છે. કડા થી પાલડી ત્રણ રસ્તા ઉપર નેશનલ હાઈવે પડશે તો મોટા પ્રમાણમાં દબાણો તુટશે. જેનાથી વેપારીઓને નુકશાન થશે. એનાં કરતાં નવો બાયપાસ પડે અને તેમાંથી નેશનલ હાઈવે પસાર થાય તો કોઈને નુકશાન થશે નહી અને ખેડૂતોને ફાયદો થશે.
નોંધપાત્ર બાબત છેકે વિસનગર ભાજપનો ગઢ છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી શહેરને કોઈ મોટી યોજનાનો લાભ મળ્યો નથી. જ્યાં મત મળતા નથી ત્યાં મતદારોને આકર્ષદવા કરોડોનુ બજેટ ફળવાય છે અને જ્યાં મતદારો ભાજપના છે તે વિસનગરને કોઈ મોટી યોજનાનો લાભ આપવામાં આવતો નથી. ધરોઈ પ્લાન્ટથી વિસનગર સુધીની પીવાના પાણીની લાઈન જર્જરીત થતાં એક્સપ્રેસ લાઈનની યોજના માટે પણ ગ્રાન્ટ ફળવાતી નથી. વિસનગરને બાયપાસનો લાભ મળે છેકે નહી? કે પછી ૨૦૦૭ માંં જે કાર્યવાહી થઈ હતી તેવી ફક્ત દેખાવની કાર્યવાહી થઈ છે તેવુ તો નથી ને?

Leave a Reply

Top