You are here
Home > News > રોટરી રાઉન્ડ ટાઉનના નવરાત્રી મહોત્સવને મંદીનુ ગ્રહણ

રોટરી રાઉન્ડ ટાઉનના નવરાત્રી મહોત્સવને મંદીનુ ગ્રહણ

સ્પોન્સરો અને દાતાઓએ ફંડ માટે અનિચ્છા દર્શાવતા

રોટરી રાઉન્ડ ટાઉનના નવરાત્રી મહોત્સવને મંદીનુ ગ્રહણ

ધારાસભ્ય કાર્યાલયમાં યોજાયેલી સ્પેશ્યલ મીટીંગમાં પણ આયોજકોએ કાર્યક્રમ કરવાની અનિચ્છા દર્શાવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મોટા પાર્ટી પ્લોટમાં થ્રી વે અને ફોર વે ના મોટા અવાજ વચ્ચે રાસગરબા રમવા ટેવાયેલા ખેલૈયાઓને આ જાણીને દુઃખ થશે કે મંદીની ભયંકર અસરના કારણે રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા આ વર્ષે નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. ગરબા મહોત્સવ ચાલુ રહે તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મીટીંગ કરી હતી. પરંતુ વધતા ખર્ચની સામે સ્પોન્સરર અને દાતાઓ તૈયાર નહી હોવાથી આયોજકોએ રોટરી નવરાત્રી મહોત્સવ માટે અનિચ્છા દર્શાવી હતી.
ગરીબ, મજુરીયાત અને જરૂરીયાતમંદ વર્ગના પરિવારના ઉચ્ચ ટકાવારી લાવનાર વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસ પૈસાના કારણે અટકે નહી, આવા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વ્યાજ વગરની લોન મળી રહે તે માટે શૈક્ષણિક ફંડ એકઠુ કરવાના હેતુથી રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન આયોજીત રોટરી નવરાત્રી મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવતુ હતુ. રોટરી રાઉન્ડ ટાઉન દ્વારા આયોજીત આ નવરાત્રી મહોત્સવમાં બે ધ્યેય પ્રાપ્ત થતા હતા. પાર્ટી પ્લોટના મોટા ગ્રાઉન્ડમાં હેવી સાઉન્ડ વચ્ચે રમવા ટેવાયેલા રાસ ગરબાના ખેલૈયાઓને ઘર આંગણેજ થનગનાટ માટેનો લાભ મળતો હતો. મોટા શહેરોના આવા પાર્ટીપ્લોટમાં તો બેન દિકરીઓની પણ ચીંતા રહેતી હોય છે. જ્યારે રોટરી પરિવારના સભ્યોની સતત દેખરેખથી અત્યાર સુધી છેડતીનો તો શુ પરંતુ મશ્કરીનો પણ બનાવ બન્યો હોવાનુ જાણવા મળ્યુ નથી. ખેલૈયાઓને રાસ ગરબા માટે સ્થળ મળી રહેતુ હતુ. જ્યારે શહેરના દાતાઓના સહયોગના કારણે જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ફંડ પણ એકઠુ થતુ હતુ. રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના સભ્યોની મહેનતાના કારણે એકઠુ થયેલ ફંડમાં અત્યારે ઘણા વિદ્યાર્થીઓ વગર વ્યાજની લોન મેળવી અભ્યાસ કરી રહ્યા છે.
ગરીબ, મજુરીયાત અને જરૂરીયાતમંદ વર્ગના વિદ્યાર્થીઓ માટેના રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના આ શૈક્ષણિક યજ્ઞને આ વર્ષે મંદીનુ ગ્રહણ લાગ્યુ છે. વિશાળ ગ્રાઉન્ડ, મોટુ સ્ટેજ, સાઉન્ડ, જાણીતુ ઓરકેસ્ટ્રા, લાઈટીંગ વિગેરે પાછળ રૂા.૧૫ થી ૧૭ લાખનો ખર્ચ છે. ત્યારે મંદીના કારણે ખર્ચ જેટલાજ સ્પોન્સરર મળવા અશક્ય બન્યા હોવાનુ જાણવા મળ્યુ છે. મંદીના કારણે દાતાઓ અને સ્પોન્સરરો તૈયાર નહી થતા આ વર્ષ પૂરતો નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાનો સંસ્થા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સાંસ્કૃતિક નગરીના લોકોને મનોરંજન મળી રહે તેમજ દાતાઓની નગરીમાં શૈક્ષણિક દાન એકઠુ થાય તેવો આ કાર્યક્રમ બંધ ન થાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ધારાસભ્ય કાર્યાલયમાં રોટરી ક્લબ અ ોફ વિસનગર રાઉન્ડ ટાઉનના હોદ્દેદારો સાથે મીટીંગ યોજી હતી. જેમાં ધારાસભ્યએ ચાર દિવસના રોટરી નવરાત્રી મહોત્સવને પ્રોત્સાહન આપવા રૂા.૩ થી ૪ લાખ ફાળો આપવા અને ફાળો એકઠો કરી આપવાની પણ તૈયારી દર્શાવી હતી. પરંતુ મોટા ખર્ચ પ્રમાણે અન્ય બીજા સ્પોન્સરર મળી રહે તેમ ન હોઈ નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Top