You are here
Home > News > વિસનગરની સ્ટ્રીટ લાઈટો કોન્ટ્રાક્ટ રૂપે વેચી મારતા અંધારપટ

વિસનગરની સ્ટ્રીટ લાઈટો કોન્ટ્રાક્ટ રૂપે વેચી મારતા અંધારપટ

LED લાઈટના બહાને ફરતો ઠરાવ કરનાર સભ્યો કેમ ચુપ?

વિસનગરની સ્ટ્રીટ લાઈટો કોન્ટ્રાક્ટ રૂપે વેચી મારતા અંધારપટ

• તાત્કાલિક લાઈટો ચાલુ થાય તે
માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી
રહ્યા છે-લાઈટ ચેરમેન રાકેશભાઈ પટેલ
• કોન્ટ્રાક્ટરે મોટા જથ્થામાં એલ.ઈ.ડી.
લાઈટો આપવાનું જણાવ્યુ છે-ચીફ ઓફીસર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના ગઠબંધનના શાસનની શરૂઆતમાં સભ્યોએ ગમે તે લાલચમાં શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો કોન્ટ્રાક્ટ રૂપે વેચી મારતા અત્યારે શહેરની જનતાને પરેશાની ભોગવવા વારો આવ્યો છે. શહેરમાં અંધારપટ જેવો માહોલ છે. સ્ટ્રીટ લાઈટની કંમ્પલેનનો આંકડો ૬૦૦ પાર પહોચ્યો છે. સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સની જવાબદારી કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી માલ નહી આપતા અત્યારે પાલિકા સભ્યોનેજ સહન કરવાનો વારો આવ્યો છે. સભ્યો મતદારોને કહી શક્તા નથી કે અમે કરેલુ પાપ નડી રહ્યુ છે. ગઠબંધનમાં ભેગા હતા એ વખતે સર્વ સંમતીથી સહીઓ કરીને સ્ટ્રીટ લાઈટો સોંપી દીધી હતી. હવે જુથવાદના કારણે અલગ પડ્યા હોવાથી સભ્યો એજન્સી સામે અવાજ નહી ઉઠાવી શક્તા એજન્સીને ફાવતુ મળી ગયુ છે. વિસનગર પાલિકાનો અત્યારે એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં સ્ટ્રીટલાઈટની કમ્પલેન ન હોય. ક્યાંક એલ.ઈ.ડી.લાઈટ ઉડી ગઈ છે તો ક્યાંક કેબલ ફોલ્ટ થયો છે. ચોમાસાના કારણે સ્ટ્રીટ લાઈટની ફરિયાદો વધતા કમ્પલેઈન રજીસ્ટરનો આંકડો ૬૦૦ પાર પહોચ્યો છે. પાલિકામાં જે સભ્ય લાલ આંખ કરે તેમના વિસ્તારની ફરિયાદોનો ત્વરીત નિકાલ થાય છે. સ્ટ્રીટલાઈટ રીપેર કરવા આવતા અજાણ્યા કર્મચારીઓ જોઈને ઘણાનાં મનમાં થતુ હશે કે પાલિકાના કર્મચારીઓ કેમ દેખાતા નથી? ત્યારે શહેરના મોટાભાગના લોકો એ વાતથી અજાણ છેકે ગઠબંધનના સભ્યોની બહુમતીથી શહેરની તમામ સ્ટ્રીટલાઈટો એલ.ઈ.ડી. કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સાત વર્ષના આ કોન્ટ્રાક્ટમાં એજન્સીએ તમામ સ્ટ્રીટલાઈટ ઉપર એલ.ઈ.ડી.લાઈટ લગાવી તેની જાળવણી કરવાની જવાબદારી આપવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટરને હજુ બે વર્ષ થયા છે, પાંચ વર્ષ બાકી છે. ત્યારે કોન્ટ્રાક્ટ રૂપે સ્ટ્રીટલાઈટો વેચી મારતા લોકોની શું હાલત થશે. હવે આવતા અઠવાડીયાથી ભાદરવી પુનમના મેળા માટે અંબાજી જતા પદયાત્રીકોનો ઘસારો શરૂ થશે. ત્યારે હાઈવે ઉપર ઘણી સ્ટ્રીટલાઈટો બંધ છે. જાણવા મળ્યા પ્રમાણે સ્ટ્રીટલાઈટોની જવાબદારી લેનાર કોન્ટ્રાક્ટર એલ.ઈ.ડી.લાઈટો નહી આપતા રીપેરીંગ થતુ નથી. એલ.ઈ.ડી. લાઈટ નાખ્યા બાદ પાલિકાના ગઠબંધનના શાસનમાં રૂા.૧૫૦ લાઈટવેરો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે લાઈટવેરો લેવા છતાં લાઈટની સુવિધા આપવામાં આવતી નથી. અગાઉ જે સાદી લાઈટમાં સ્ટ્રીટલાઈટનું બીલ આવતુ હતું તેના કરતા એલ.ઈ.ડી. લાઈટનું જે બીલ ઓછુ આવે તેની બચતમાંથી એજન્સીને એલ.ઈ.ડી. લાઈટ નાખી તેનુ વળતર આપવાની ટેન્ડરમાં શરત હતી. ત્યારે પાલિકાએ બચત રકમમાંથી પણ કંઈ બચત આપ્યુ નથી અને રૂા.૧૫૦ લાઈટ વેરો શરૂ કર્યા તેની આવકમાંથી પણ એજન્સીને એલ.ઈ.ડી. લાઈટ પેટે વળતર નહી આપતા એજન્સીએ એલ.ઈ.ડી. સપ્લાય કરવાનુ બંધ કર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આમ શહેરમાં અત્યારે જે અંધારપટનું વાતાવરણ છે તેના માટે પાલિકા સભ્યો અને પાલિકા તંત્ર જવાબદાર છે. એકતો સર્વ સંમતીથી સ્ટ્રીટલાઈટ સોપવાનો એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો અને બીજી બાજુ વળતર પેટે એજન્સીને બે વર્ષ થવા છતાં વળતર નહી આપતા એજન્સીએ મેઈન્ટેનન્સ બંધ કરી દીધુ. આમ શહેરમાં અંધારપટ માટે દરેક રીતે પાલિકા સભ્યો અને તંત્ર જવાબદાર છે. આ બાબતે લાઈટ ચેરમેન રાકેશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં લાઈટની ૬૦૦ કમ્પલેન સાથેની જવાબદારી મળી છે. એમાં ચોમાસુ શરૂ થતા કમ્પલેન વધી છે. આ બાબતે ચીફ ઓફીસર સાથે મીટીંગ કરી છે. શહેરની તમામ કમ્પલેનનો ટુંક સમયમાં નિકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા છે. ચીફ ઓફીસર સંજયભાઈ પટેલે જણાવ્યુ હતું કે, જ્યાં વધારે જરૂરીયાત હોય ત્યાં પ્રથમ રીપેરીંગ કરવામાં આવશે. એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો છે. ૫૦ થી ૧૦૦ ના જથ્થામાં એલ.ઈ.ડી. આપવાનું જણાવ્યુ છે. સપ્લાય શરૂ થઈ ગયો છે. હવે ટુંકજ સમયમાં સ્ટ્રીટલાઈટની તમામ કમ્પલેનનો નિકાલ થઈ જશે.

Leave a Reply

Top