You are here
Home > News > વિસનગરમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ વર્ષોથી બનાવાય છે

વિસનગરમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ વર્ષોથી બનાવાય છે

ધાર્મિક મહોત્સવ સાથે પર્યાવરણ જાળવવા લોકો ઉત્સુક બન્યા

વિસનગરમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ વર્ષોથી બનાવાય છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પી.ઓ.પી.ની મૂર્તિઓ પર્યાવરણ માટે નુકશાનકારક હોવાથી હવે ધાર્મિક ઉત્સવો અને મહોત્સવ સાથે પર્યાવરણની પણ જાળવણી થાય તે માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. વિસનગરમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ વર્ષોથી બનાવવામાં આવે છે. ત્યારે ગણેશચતુર્થી ઉજવતા મોટા શહેરમાં વસતા લોકો વિસનગર આવી ઈકોફ્રેન્ડલી મૂર્તિઓનુ એડવાન્સ બુકીંગ કરાવી રહ્યા છે.
દશામા અને ગણેશ ચતુર્થી જેવા વ્રતો તેમજ ઉત્સવોમાં ઉપયોગમાં લેવાતી પીઓપીની મૂર્તિઓ પધરાવ્યા બાદ પાણીમાં ઓગળતી નથી. નદી-તળાવોમાં પધરાવેલી મૂર્તિઓ રઝળતી હોવાથી તેમજ કૂતરા તથા પશુઓ આવી મૂર્તિઓને ખરાબ કરતા હોવાથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. વળી પીઓપીની મૂર્તિઓ તેમજ ઉપર લગાવેલા કેમિકલવાળા કલર જળસૃષ્ટી માટે પણ જોખમકારક હોય છે. પી.ઓ.પી.ની મૂર્તિથી ધાર્મિક લાગણી દુભાય નહી અને પર્યાવરણની પણ જાળવણી થાય તે માટે વિસનગરમાં સવાલા દરવાજા પ્રજાપતિવાસમાં રહેતા તેમજ હરદ્વારમાં અસ્થી વિસર્જન કરતી તથા વિનામૂલ્યે અંતિમ સંસ્કાર માટેની ખાંપણકીટ આપતી સંસ્થા માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટના ઉપપ્રમુુખ શીવરામભાઈ કરશનદાસ પ્રજાપતિ છેલ્લા ઘણા વર્ષોથી ઈકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવે છે. પર્યાવરણ જાળવણીના આ કાર્યને પ્રોત્સાહન આપવા વૃધ્ધને તેમના બે પુત્ર દિપકભાઈ પ્રજાપતિ, જીતુભાઈ પ્રજાપતિ અને પુત્રવધુઓ સહીતનો પરિવાર માટીની મૂર્તિઓ બનાવવાના કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માટીની મૂર્તિઓ બનાવવામાં મહેનત વધારે હોવાથી તેની કિંમત પણ પી.ઓ.પી.ની મૂર્તિઓ કરતા સામાન્ય વધારે હોય છે. તેમ છતાં લોકોમાં હવે જાગૃતિ આવતા ઈકોફ્રેન્ડલી મૂર્તિઓની માંગમાં વધારો થયો છે. દિપકભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, પહેલા દશામા અને ગણેશ ચતુર્થી વખતે માટીની આઠ થી દશ મૂર્તિઓ બનાવતા હતા. હવે ફક્ત ગણપતિ દાદાનીજ ૧૦૦ ઉપરાંત મૂર્તિઓ બનાવવામાં આવે છે. ચણતર માટેની ઈંટો જે માટીમાંથી બનાવાય છે તે ચીકણી – ગોરાળુ માટીમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે. મોટી મૂર્તિઓ તળાવ કે નદીમાં પધરાવવાથી ઓગળી જાય છે. જ્યારે નાની મૂર્તિઓનુ વિસર્જન લોકો ઘરમાંજ કરે છે. ટોકર કે ડોલમાં પાણી ભરી મૂર્તિ પધરાવતા એક-બે દિવસમાં સંપુર્ણ ઓગળી જાય છે. જે માટી કુંડામાં નાખી તેમાં તુલસીનો કે અન્ય નાનો છોડ વાવવામાં આવે છે.
માટીની મૂર્તિ બનાવનાર મૂર્તિકારના જણાવ્યા પ્રમાણે એડવાન્સ ઓર્ડરથીજ માટીની મૂર્તિઓ બનાવવામાં આવે છે. અમદાવાદ, હિંમતનગર, ઉંઝા, ખેરાલુ જેવા શહેર અને ગામડામાં ગણેશ મહોત્સવ ઉજવતા લોકો એડવાન્સમાં ઓર્ડર આપે છે

 


 

પર્યાવરણ જાળવણીને સાચા અર્થમાં સાર્થક કરી

ગણપતિદાદાની માટીની મૂર્તિઓ બનાવી વિનામૂલ્યે આપી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર રામનગર સોસાયટીના યુવકે ગણપતિ દાદાની માટીની મૂર્તિ બનાવી સોસાયટીમાં વિનામૂલ્યે આપી પર્યાવરણ જાળવણીનો અને જાગૃતિનો અનોખો સંદેશો આપ્યો છે.
પીઓપીની મૂર્તિઓ પર્યાવરણ માટે નુકશાનકારક છે. આવી મૂર્તિઓ પાણીમાં પધરાવ્યા બાદ ઓગળતી નહી હોવાથી તેનું અપમાન થાય છે. પવિત્રતા જળવાતી નથી. આવા કારણોને લઈ હવે લોકોમાં ખરેખર ધાર્મિક મહોત્સવમાં પર્યાવરણ જાળવણી કરવાની જાગૃતિ ફેલાઈ રહી છે. વિસનગરમાં કમાણા રોડ ઉપર આવેલ રામનગર સોસાયટીમાં રહેતા પ્રફુલ્લ વાડીલાલ સથવારાને કુદરતે મૂર્તિ બનાવવાની અનોખી કલા આપી છે. જેનો આ યુવાન સાચા અર્ચમાં સમાજ સેવામાં ઉપયોગ કરી રહ્યો છે. આ યુવાન માટીમાંથી આકર્ષક મૂર્તિ બનાવવાની આવડત ધરાવે છે. જેણે ગણેશ ચતુર્થી નિમિત્તે છ થી સાત ગણપતિ દાદાની માટીની મૂર્તિઓ બનાવી છે. આ યુવાન ભગવાને આપેલી કલાને વ્યવસાયીક નહી બનાવતા તેનો લોક સેવામાં તથા કુદરતની જાળવણીમાં ઉપયોગ કરી રહ્યો છે. માટીની મૂર્તિઓ બનાવી સોસાયટીમાં જે લોકો ઘરે ગણેશ મહોત્સવ ઉજવતા હોય તેમને વિનામૂલ્યે મૂર્તિઓ આપી છે. રામનગર સોસાયટીના યુવકો દ્વારા પણ ગણેશ મહોત્સવ થાય છે ત્યારે સોસાયટી માટે પણ માટીની મૂર્તિ બનાવી મહોત્સવ માટે અર્પણ કરી છે.

 


 

પર્યવરણ જાગૃતિનો અનોખો સંદેશ ફેલાવવા

ભાઈ-બહેન ગણપતિ દાદાની માટીની મૂર્તિ બનાવી ઘરમાં મહોત્સવ ઉજવશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગણેશ ચતુર્થીએ શરૂ થતા ગણેશ મહોત્સવમા મોટા ભાગના લોકો પીઓપીની ગણપતિ દાદાની મૂર્તિ લાવી ઘરે પધરાવે છે. તેની પુજા કરે છે. અને ત્યારબાદ વિસર્જન કરે છે. ત્યારે પીઓપીની મૂર્તિઓ પર્યાવરણ તથા જળચર પ્રાણીઓ માટે નુકશાનકારક છે. વિસનગરમાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા યશ પ્રહેલાદભાઈ પ્રજાપતિ તથા રિધ્ધિ પ્રહેલાદભાઈ પ્રજાપતિ બન્ને ભાઈ બહેને પોતાના હસ્તે માટીમાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવી ઘરે ગણેશ મહોત્સવ ઉજવશે. આ બન્ને ભાઈ-બહેને માટીની મૂર્તિ બનાવી મહોત્સવ ઉજવી ધાર્મિકતાની સાથે પર્યાવરણ જાગૃતિનો પણ અનોખો સંદેશો આપ્યો છે.

Leave a Reply

Top