You are here
Home > Local News > જૂનામાં જૂનુ, વિશ્વાસપાત્ર તેમજ પાર્કિંગની સુવિધા સાથેનું મેઈનબજારમાં ગ્રાહક આકર્ષાય તેવો ઈનામી ડ્રો

જૂનામાં જૂનુ, વિશ્વાસપાત્ર તેમજ પાર્કિંગની સુવિધા સાથેનું મેઈનબજારમાં ગ્રાહક આકર્ષાય તેવો ઈનામી ડ્રો

જૂનામાં જૂનુ, વિશ્વાસપાત્ર તેમજ પાર્કિંગની સુવિધા સાથેનું
મેઈનબજારમાં ગ્રાહક આકર્ષાય તેવો ઈનામી ડ્રો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરનું મેઈન બજાર ફરીથી ધમધમતુ થાય તે માટે આ બજારના વેપારીઓએ કમર કસી છે. મેઈન બજાર વિકાસ મંડળના વેપારીઓ દ્વારા આકર્ષક ઈનામી ડ્રોનુ આયોજન કરવામાં આવ્યુ છે. મેઈન બજારના વેપારીની દુકાનમાં ખરીદી કરનાર ગ્રાહકને ઈનામી કુપન મળશે અને ડ્રોનો લાભ મળશે.
વિસનગરના મેઈન બજારનો એક સમયે જમાનો હતો. એક ટાવરથી લાલ દરવાજા અને મંડી બજારમાં પહેલા ખરીદી કરવા ગ્રાહકોની એવી ભીડ જામતી હતી કે ચાલવાની પણ જગ્યા મળતી નહોતી. શહેરના વિકાસ સાથે ધીમે ધીમે વેપારીઓ બહારના માર્કેટમાં અને બજારોમાં ખસતા મેઈન બજારમાં ઘરાકી ઓછી થઈ રહી છે. જોકે મેઈન બજારમાં કેટલાક શો-રૂમ એવા છેકે જેના કારણે ગ્રાહકોની અવરજવર જળવાઈ રહી છે.
મેઈન બજારને ફરીથી ધમધમતુ કરવા મેઈન બજાર વિકાસ મંડળની રચના કરવામાં આવેલી છે. આ મંડળમાં એક ટાવરથી લાલ દરવાજા અને મંડીબજાર કુવા સુધીના લગભગ ૧૪૦ થી ૧૪૫ જેટલા વેપારીઓ જોડાયા છે. પ્રસંગથી માંડીને જીવન જરૂરીયાતની તમામ પ્રકારની વસ્તુઓ વેચતા વેપારીઓ આ મંડળમાં સામેલ છે. મેઈન બજાર વિકાસ મંડળ દ્વારા ગ્રાહકોના હિતમાં એક બમ્પર ઈનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પહેલુ ઈનામ બાઈક, બીજુ ઈનામ એલ.ઈ.ડી. ટીવી નંગ-૨, ત્રીજુ ઈનામ ફ્રીજ બે નંગ, ચોથુ ઈનામ ઘરઘંટી બે નંગ તથા ૪૦૦ અન્ય ઈનામો આ સ્કીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મેઈન બજાર વિકાસ મંડળમાં સંકળાયેલા કોઈપણ વેપારીના ત્યાંથી ખરીદી કરનાર ગ્રાહક ઈનામી કુપન મેળવી શકશે. જોકે કેટલી રકમની ખરીદી ઉપર ઈનામી કુપન આપવી તે દરેક વેપારીએ નક્કી કરેલા નિયમ મુજબ રહેશે. મેઈન બજારમાં તમામ ચીજ વસ્તુઓ મળતી હોવાથી આ ઈનામી સ્કીમના કારણે ગ્રાહકો પણ હવે મેઈન બજારમાંથી ખરીદી કરવા આકર્ષાઈ રહ્યા છે. નોંધપાત્ર બાબત છેકે મેઈન બજારમાં પાર્કિંગની પણ પૂરતી સુવિધા છે. ફોર વ્હીલ લઈ ખરીદી કરવા આવનાર ગ્રાહક દરબાર જુની મામલતદાર ઓફીસ કમ્પાઉન્ડ તેમજ લાલ દરવાજા જૂનુ શાક માર્કેટની જગ્યામાં પોતાનુ વાહન પાર્ક કરી શકે છે. ગ્રાહકોના હિતમાં ઈનામી ડ્રો યોજના મુકવામાં આવી છે. ત્યારે કોઈપણ વસ્તુની ખરીદી કરતા પહેલા એક વખત મેઈન બજારની અવશ્ય મુલાકાત લેવા મેઈન બજાર વિકાસ મંડળ દ્વારા જણાવ્યુ છે.

Leave a Reply

Top