You are here
Home > Local News > ડેમ ઓવરફ્લો થવામાં ૧૨ ફૂટ બાકી ધરોઈમાં બે પાણ થાય તેટલી આવક-ખેડૂતોમાં આનંદ

ડેમ ઓવરફ્લો થવામાં ૧૨ ફૂટ બાકી ધરોઈમાં બે પાણ થાય તેટલી આવક-ખેડૂતોમાં આનંદ

ડેમ ઓવરફ્લો થવામાં ૧૨ ફૂટ બાકી

ધરોઈમાં બે પાણ થાય તેટલી આવક-ખેડૂતોમાં આનંદ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધરોઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ ભરાઈ રહ્યો છે. છેલ્લા ૧૨ દિવસમાં ડેમની સપાટીમાં ૮ ફૂટનો વધારો થયો છે. ધરોઈની સપાટી બે પાણ આપી શકાય તેટલી થતા ખેડૂતોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ખેતી તો સારી રહી છે. ત્યારે સીંચાઈની વ્યવસ્થા મળતા રવિપાક પણ લઈ શકાશે તે જોઈ ખેડૂતોમાં અનેરો ઉન્માદ જોવા મળી રહ્યો છે.
ગત વર્ષે દુષ્કાળની પરિસ્થિતિના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક નહીવત હતી. એમાંય આ વર્ષે ઉનાળામાં ધોમધખતો તાપ પડતા પાણીની તંગી સર્જાતા લોકો પીવાના પાણી માટે ચીંતીત હતા. આ વર્ષનુ ચોમાસુ સારૂ રહેતા ધરોઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતા પીવાના પાણીનું તો સંકટ ટળ્યુ છે. સાથે સાથે રવિપાકમાં સીંચાઈની પણ વ્યવસ્થા થાય તેટલો પાણીનો જથ્થો ધરોઈ ડેમમાં થઈ ગયો છે.
તા.૩૧-૭-૧૯ ની પરિસ્થિતિએ જોઈએ તો, ધરોઈ ડેમની સપાટી ૫૮૩.૯૩ એટલે કે ૫૮૪ ફૂટ હતી. ડેમમાં કુલ જથ્થો ૩૭૬૫ MCFT હતો. ત્યારે ઓગષ્ટના પ્રથમ અને બીજા અઠવાડીયામાં ઉપરવાસમાં વરસાદ થતાં પાણીની આવક થતાં ડેમની સપાટી ૬૦૨ ફૂટે પહોચી હતી. ડેમમાં ૧૯ ફૂટ જેટલી આવક વધતાની સાથેજ આવતા વર્ષ સુધી પીવાના પાણીનું સંકટ દૂર થતા ધરોઈ પાણી પુરવઠા આધારીત વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
૧૨ દિવસમાં ૮ ફૂટની સપાટી વધી ૫૮.૬૧ % પાણીનો કુલ ઉપલબ્ધ જથ્થો
ધરોઈ ડેમના ઉપરવાસના વિસ્તારમાં છુટા છવાયા ધીમી ધારના વરસાદના કારણે તેમજ નર્મદા પાઈપ લાઈનમાંથી પાણીની આવક થતા રોજીંદા ચાર થી પાંચ સેન્ટી મીટરનો સપાટીમાં વધારો થતો હતો. નર્મદાની પાઈપલાઈન ૬૦૭ ફૂટની સપાટીએ હોઈ તા.૨-૯-૧૯ ના રોજ પાણીની આવકથી ડેમની સપાટી ૬૦૭ ફૂટે પહોચતા નર્મદાની પાઈપલાઈન બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ ગત અઠવાડીયે થયેલા વરસાદના કારણે પાણીની આવક થતા હાલમાં ડેમની સપાટી ૬૧૦ ફૂટે પહોચી છે. ધરોઈ ડેમમાં અત્યારે પાણીનો કુલ જથ્થો ૧૬૭૫૧ MCFT છે. (એક MCFT એટલે ૨ કરોડ ૮૦ લાખ લીટર). ઉપલબ્ધ જથ્થો ૫૮.૬૧ ટકા છે. ૯૦ ટકા પાણી ભરાય ત્યારે ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવશે. હજુ વરસાદની આગાહી છે ત્યારે ડેમ ઓવરફ્લો થાય તેવી આશા રાખી શકાય.
ધરોઈ ડેમ ૬૧૦ ફૂટની સપાટીએ પહોચે ત્યારે ખેડૂતોને સીંચાઈ માટે પાણી આપી શકાય. ખેડૂતો સીંચાઈ માટે હક્કદાર બને છે. ડેમની સપાટી ૬૧૦ ફૂટે પહોચતા અત્યારે વધારેમાં વધારે આનંદ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. ચોમાસુ ખેતી સારી થવાની છે. ત્યારે શિયાળુ ખેતી માટેની સીંચાઈની વ્યવસ્થાની આશાએ ખેડૂતો ઘેલમાં આવી ગયા છે.

Leave a Reply

Top