You are here
Home > Local News > મહેસાણા અર્બનની ચુંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલના કરોડોના ખર્ચનું રહસ્ય શું?

મહેસાણા અર્બનની ચુંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલના કરોડોના ખર્ચનું રહસ્ય શું?

મહેસાણા અર્બનની ચુંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલના કરોડોના ખર્ચનું રહસ્ય શું?
મહેસાણા જીલ્લાની મોટામાં મોટી ગુજરાત રાજ્યમાં કાલુપુર કો.ઓ.બેન્ક પછી બીજા નંબરે આવતી જેનો નવ હજાર કરોડનો વહીવટ છે, સીત્તેર હજાર સભાસદો છે જેના શેર હોલ્ડરો રાજ્યના સોળ લોકસભા મત વિસ્તારમાં મુંબઈથી માંડી ભૂજ સુધી પથરાયેલા છે તેવી મહેસાણા અર્બન કો.ઓ.બેન્કમાં લાંબા સમય પછી બેન્ક ડીરેક્ટરોની વહીવટી બોડીની ચુંટણી ગઈકાલ તા.૮-૯-૧૯ ના રોજ યોજાઈ હતી. વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલના નેજા નીચે નવી બોટલમાં જૂના દારૂની જેમ એના એજ મહેસાણા જીલ્લાના પટેલ સમાજના અગ્રણીઓ મેદાને છે. બેન્કની વહીવટી બોડીનું ડીરેક્ટર પદ એટલે બેન્કના શેરહોલ્ડરો અને ડીપોઝીટરોની સેવા બીજા અર્થમાં કહીએ તો વેઠ. બેન્ક ડિરેક્ટરો બેન્કના પૈસાને અડી શકે નહિ. નિયમાનુસાર તેનો ઉપયોગ પણ કરી શકે નહિ ફક્ત પૈસાનો ઉપભોગ કરી શકે. પણ ચુંટણી લડતા મોટા માથાના ડીરેક્ટરો પૈસા પાત્ર છે. જેથી તેમને બી.પી., ડાયાબીટીસ અને કોલેસ્ટર રોગ મહદ્‌અંશે હશે. જેથી બેન્કના નાણાંનો ઉપભોગ મીટીંગમાં કાજુદ્રાક્ષ અને કાજુકતરી ખાવામાં વાપરી શકવાના નથી. બેન્કનાં નાણામાંથી આ દિગ્ગજો ફક્ત એક ચાનો જ ઉપયોગ કરી શકશે. તેમના લેટરપેડ અને કાર્ડમાં ડીરેક્ટર પદ છપાવી શકશે. કદાચ વર્ષે બે વર્ષે બીજી સહકારી બેન્કોની જેમ ડીરેક્ટરો બેન્કના ખર્ચે પ્રવાસ કરે જોકે મહેસાણા અર્બન બેન્કના ડીરેક્ટરો બેન્કના ખર્ચે કોઈ મોટો પ્રવાસ કર્યો હોય તેની જાણકારી નથી. બેન્ક ડીરેક્ટર બન્યા પછી કોઈપણ જાતનો અંગત લાભ ન હોવા છતાં આ મહાનુભાવો ચુંટણી જીતવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કેમ કરી રહ્યા છે તે વાત બેન્ક શેર હોલ્ડરોને અને ડીપોઝીટરોને સમજાતી નથી. જે કર્મથી કોઈ ફાયદો નથી તે કર્મ માટે કરોડોનો ખર્ચ કેમ? બેન્ક ડીરેક્ટરો બનવા માટે કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે તે બેન્કના શેર હોલ્ડરોને તો કશુ મળવાનું નથી પણ ડીપોઝીટરોને શંકા ઊભી થઈ રહી છે. બેન્ક વહીવટમાં એવું શું છેકે જેને લઈને આ માંધાતાઓ કરોડોનો ખર્ચ ચુંટણી પાછળ કરી રહ્યા છે? સામાન્ય રીતે કોઈપણ ધંધા પાછળનું રોકાણ ધંધામાંથી વળતર મેળવવા માટે કરાય છે. જ્યારે આતો મફત સેવા(વેઠ) કરવા માટે કરોડોનો ખર્ચ કરાઈ રહ્યા છે કે જે ખર્ચનું કોઈ વળતર નથી. ચુંટણી લડી રહેલા ઉમેદવાર પાંચમાં પૂછાતા પ્રતિષ્ઠીત વ્યક્તિઓ છે. એટલે બેન્ક ડીરેક્ટર બનવાથી તેમને પ્રતિષ્ઠા મળવાની છે તેવું નથી. છતાં બેન્કની ચુંટણી લડી રહેલા ડીરેક્ટરો ધારાસભાની ચુંટણી કરતાં વધારે કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે દાળમાં કંઈક કાળુ છે. મહેસાણા અર્બનના જૂના અને નવા ચુંટાનાર સભ્યો તો સારાજ માણસ છે. તેમનામાં કઈ કહેવાપણું નથી. પણ બીજી કેટલીક કો.ઓ.બેન્કના ડીરેક્ટરો ફાયનાન્સરો છે. ધીરેલા નાણાંનુ પાર્ટી પાસેથી તગડુ વ્યાજ આવે ત્યાં સુધી ડીરેક્ટરશ્રીઓ વ્યાજ ખાય અને જ્યારે પાર્ટી નબળી પડે વ્યાજ અને મૂડી ન ભરી શકે તેવા સંજોગો ઊભા થાય ત્યારે પાર્ટીને પોતાના ડીરેક્ટર પદોની વગનો ઉપયોગ કરી બેન્કમાંથી લોન અપાવી પોતાના પૈસા વસુલ કરાય. કેટલીક કો.ઓ.બેન્કોના ડીરેક્ટરો પોતાના સગાના નામે કરોડોની લોન લે અને એ લોનની વાત જાહેર ન થાય તે માટે વારંવાર બેન્કમાં ચુંટણી લડે ડીરેક્ટરની પોલ ખોલવા માટે જાણ ભેદુઓ ચુંટણીઓ લડે કેટલીક કો.ઓ.બેન્કના ડીરેક્ટરો પોતાનાજ મળતીયાને લોન અપાવે પાર્ટી ઊડી જાય પૈસા એન.પી.એ. થઈ માંડવાળ થઈ જાય. અને પૈસા ડીરેક્ટરના ઘર ભેગા થઈ જાય. બીજી કો.ઓ.બેન્કોના ડીરેક્ટરશ્રીઓને તેમની કંપનીમાં નાણાંની અછત ઊભી થાય એટલે નવી કંપની બને જેમાં ડીરેક્ટરશ્રી હોદ્દેદાર ન હોય અને આવી કંપનીને કરોડોની લોનો અપાય. વિસનગર નાગરીક બેન્કમાં આવા બનાવો બન્યા ત્યારે તો વિસનગર નાગરીક બેન્કને બંધ થવું પડ્યું. વિસનગર નાગરીક બેંકની ચુંટણીમાં ગોટાળા ઢાંકવા અને ગોટાળા ખોલવા માટે ભારે રસાકસી રહેતી હતી. આવુંજ મહેસાણા અર્બન કો.ઓ.બેન્કમાં હોવાની શંકા છે. જોકે બેન્કના વહીવટ કર્તા ડીરેક્ટરો એકદમ સારા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા છે. એટલે ઉપર લખેલી વાતો તેમને લાગુ ન પડતી. છતાં બેન્કની ચુંટણી ધારાસભાની જેમ લડાઈ રહી છે. આવી રસાકસીને લઈ બેન્કના ડીપોઝીટરો શંકાશીલ બન્યા છે કે અમારા નાણાં સલામત તો છેને?

Leave a Reply

Top