You are here
Home > Local News > મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંક વિસનગર શાખામાં નાણાકીય ગેરરીતીનો પર્દાફાશ મૃતકના વારસદારના ખાતામાંથી બેંક કર્મચારીઓ પૈસા ઉપાડી લીધા

મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંક વિસનગર શાખામાં નાણાકીય ગેરરીતીનો પર્દાફાશ મૃતકના વારસદારના ખાતામાંથી બેંક કર્મચારીઓ પૈસા ઉપાડી લીધા

મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંક વિસનગર શાખામાં નાણાકીય ગેરરીતીનો પર્દાફાશ
મૃતકના વારસદારના ખાતામાંથી બેંક કર્મચારીઓ પૈસા ઉપાડી લીધા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના પુદગામ ગામમાં આવેલ પુદગામ દુધ ઉત્પાદક સહકારી મંડળીના એક પશુપાલકનું બે વર્ષ અગાઉ મૃત્યુ થતા વિમા કંપનીએ તેમના વીમાની રકમ રૂા.૩પ,૦૦૦ વિસનગર પટેલવાડી સામે આવેલ મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકમાં મૃતકના પત્નિના ખાતામાં જમા કરી હતી. મૃતકના ખાતેદાર પત્નિ અભણ હોવાથી બેંકના કર્મચારીએ વીમાની રકમમાંથી કુલ રૂા. ર૭,પ૦૦ બે તબક્કામા તેમની જાણ બહાર ઉપાડી ગેરરીતી કરતા આ મુદ્દે સમગ્ર તાલુકામાં ભારે ચકચાર જાગી છે. ત્યારે રિઝર્વ બેન્કના ઉચ્ચ અધિકારીઓ આ બેંકના નાણાકીય વ્યવહારની ઉંડાણપુર્વક તપાસ કરે તો બીજી નાણાંકીય ગેરરીતી બહાર આવવાની શક્યતા છે.
વિસનગર તાલુકાના પુદગામ ગામના લક્ષ્મણભાઈ મગનભાઈ સેનમા ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં સભાસદ હતા. દુધ મંડળીમાં સભાસદ પાસેથી પ્રિમિયમની રકમ લઈ વિમો લેવામા આવતો હતો. પશુપાલક લક્ષ્મણભાઈ મગનભાઈ સેનમાનું તા.૭-૧ર-ર૦૧૬ના રોજ મૃત્યુ થતા દુધ મંડળીના મંત્રી હસમુખભાઈ ઠાકરે મૃતકના પત્નિ જડીબેન સેનમા પાસે મૃતક લક્ષ્મણભાઈ તથા તેમના આધારકાર્ડની ઝેરોક્ષ મંગાવી વીમો મંજુર કરવા વહીવટી પ્રક્રિયા કરી હતી. મૃતકના પત્નિએ ઘી મહેસાણા ડીસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેન્ક લી. વિસનગર શાખામાં પોતાનું ખાતુ ખોલાવ્યુ હતુ. જડીબેન અભણ હોઈ બેંક ખાતમાં સહીની જગ્યાએ અંગુઠો કરતા હતા. તા.૧પ-પ-ર૦૧૭ના રોજ વીમા કંપનીએ વીમાની રકમ રૂા.૩પ,૦૦૦ મૃતકના વારસદાર તરીકે જડીબેન સેનમાના ડીસ્ટ્રીક્ટ બેંકના ખાતામાં જમા કરી હતી. પરંતુ આ બાબતની જડીબેનના પરિવારજનોને કોઈ ખબર નહતી. જડીબેનના દિકરા નિતિનભાઈ અને જડીબેન વિમાની રકમ જમા થવા બાબતે અવાર નવાર દુધ મંડળીના મંત્રી હસમુખભાઈ ઠાકરને પુછપરછ કરતા હતા ત્યારે તેઓ પોતાને કંઈ ખબર નહી હોવાનું જણાવતા હતા.આમ વિમાની રકમ મેળવવા માટે જડીબેનનો પરિવાર છેલ્લા બે વર્ષથી દોડધામ કરતો હતો. પણ દુધ મંડળીના કોઈ હોદ્દેદાર તેમની મદદ કરતા નહતા. આ દરમિયાન તા.ર૦-૬-ર૦૧૯ના રોજ મંડળીના ઉપપ્રમુખ પદે ડાહ્યાજી સોવનજી ઠાકોરની વરણી થતા તેમને આ ગરીબ પરીવારનો વીમો મંજુર થયો છે કે નહી તેની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ડાહ્યાજી ઠાકોરને વીમાની રકમ મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકમા જમા થઈ હોવાની શંકા જતા તેઓ જડીબેનના પરિવારને સાથે રાખીને ડીસ્ટ્રીક્ટ બેંકના મેનેજર ચંદ્રપ્રકાશ જી.પટેલ પાસે જઈ વીમાની રકમ જમા થવા બાબતે પુછપરછ કરી હતી. જયાં બેંકમા તપાસ કરતા બેંકના એક હંગામી કર્મચારીએ ખાતેદાર જડીબેનની જાણ બહાર તેમના ખાતામાંથી તા.ર૮-૮-ર૦૧૮ના રોજ રૂા.ર૦,૦૦૦ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું અને તા.પ-૯-ર૦૧૮ નારોજ બીજા ૭,પ૦૦ વાઉચરથી રોકડા ઉપાડી ગેરરીતી કરી હોવાનું આવ્યુ હતુ ત્યારે ડાહ્યાજી ઠાકોરે આવા બીજા ગરીબ અને અભણ ખાતેદારના ખાતામાંથી બેંકના કર્મચારી દ્વારા ખોટા નાણાંકીય વ્યવહારો થયા હોવાની શંકા વ્યક્ત કરી આ મામલે બેંકના જવાબદારો વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું વિચાર્યુ હતુ. ત્યારે બેંક મેનેજરે બેંકમાં નાણાકીય ગેરરીતી કરનાર કર્મચારી સામે કડક પગલા લેવાનું જણાવી મામલો થાળે પાડયો હતો. અને ખાતેદારના બેંક મેનેજરે ખાતામાંથી બારોબાર ઉપડી ગયેલા રૂા. ર૭,પ૦૦ તથા રૂા. ૧૦૭૩ વ્યાજ સાથે ખાતેદારના ખાતામાં જમા કરાવ્યા હતા. બેંકની ગેરરીતી મામલે પ્રચારને જાણ થતા પત્રકારે ડેરીના ઉપપ્રમુખ ડાહ્યાજી ઠાકોર અને ખાતેદારના પુત્રનો સંપર્ક કરી વાતચીત કરતા તેમની વીમાની રકમની ગેરરીતીની બેંકના જવાબદાર કર્મચારી સાથે દુધ મંડળીના મંત્રીને પણ જાણ હોવાની શંકા વ્યક્ત કરી હતી. મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકમા ચાલતા ખાતાઓમાં ગરીબ અને અભણ ખાતેદારના ખાતાઓમા ખોટા નાણાકીય વ્યવહારો થયા હોવાનું લોકોમાં ચર્ચાય છે. આ અંગે પ્રચારે ડીસ્ટ્રીક્ટ બેંકના મેનેજરનો સંપર્ક કરતા તેમને કહ્યુ હતુ કે અમારી બેન્કના એક હંગામી કર્મચારીએ પુદગામના ખાતેદાર જડીબેનના ખાતામાંથી રૂા. ર૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા અને રૂા. ૭,પ૦૦ રોકડા ઉપાડી ગેરરીતી કરી હોવાનું મારા ધ્યાને આવતા અમે તે કર્મચારીને તાત્કાલિક છુટો કર્યો છે અને ખાતેદારના ખાતામાંથી ઉપડી ગયેલા રૂા.ર૭,પ૦૦ અને રૂા.૧૦૭૩ વ્યાજ સાથે જમા કરાવ્યા છે. આ ગેરરીતીમાં બેંકના બીજા કોઈ કર્મચારીની સંડોવણી નથી. હાલમાં અમે બીજા કોઈ ખાતાઓમાં ખોટા નાણાકીય વ્યવહાર થયા છે કે નહી તે જાણવા તપાસ કરી રહ્યા છીએ.

Leave a Reply

Top