You are here
Home > Local News > ૩૭૦ની કલમ હટાવવાના સમર્થનમાં સહી નહી કરી વિસનગર પાલિકા ૧૫ સભ્યોએ પ્રદેશ ભાજપના એજન્ડાને ઠુકરાવ્યો

૩૭૦ની કલમ હટાવવાના સમર્થનમાં સહી નહી કરી વિસનગર પાલિકા ૧૫ સભ્યોએ પ્રદેશ ભાજપના એજન્ડાને ઠુકરાવ્યો

૩૭૦ની કલમ હટાવવાના સમર્થનમાં સહી નહી કરી
વિસનગર પાલિકા ૧૫ સભ્યોએ પ્રદેશ ભાજપના એજન્ડાને ઠુકરાવ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના ભાજપમાં જોડાયેલા કેટલાક સભ્યોના મને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ કરતા રાગદ્વેષ વધારે મહત્વનો છે. પ્રદેશ ભાજપની સુચનાથી જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ તથા ૩૫-એ હટાવવા બદલ ભારત સરકારને અભિનંદન આપવા ઠરાવ કરવાનો હતો. ત્યારે વિસનગર પાલિકાના ધારાસભ્યના વિરોધી ૧૫ સભ્યોએ આ ફરતા ઠરાવમાં સહીઓ કરવાનું ટાળી પ્રદેશ ભાજપના એજન્ડાને ઠુકરાવ્યો છે. જ્યારે દેશ હિતનો આ નિર્ણય હોવાથી કોંગ્રેસના૮ સભ્યો અને ભાજપના ૧૩ સભ્યોની સહી સાથે કુલ ૨૧ સભ્યોની બહુમતીથી ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. જે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં મોકલી આપવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
કેન્દ્રની ભાજપ સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવાના રાષ્ટ્રહિતના નિર્ણયને આવકારવા અને ભારત સરકારને અભિનંદન આપવા માટે એક સર્વાનુમત્તે ઠરાવ કરી મોકલી આપવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સુચન કરાયુ હતું. પરંતુ પ્રદેશ ભાજપને ખબર નથીકે વિસનગરમાં ભલે ભાજપની બહુમતી હોય પરંતુ સભ્યોમા રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રપ્રેમ નહી પરંતુ અહીયા ફક્ત રાગદ્વેષ ચાલે છે. નવાઈની બાબત છે કે પાલિકા ભાજપના ૨૮ સભ્યોની બહુમતી હોવા છતા કોંગ્રેસના ૮ સભ્યોના ટેકાથી ૨૧ સભ્યોની બહુમતીથી આ ઠરાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ જણાવ્યુ હતું કે આ ભાજપનો એજન્ડા હતો એટલા માટે નહી પરંતુ રાષ્ટ્રહિતનો નિર્ણય હતો અને તેને બીરદાવવાનો ઠરાવ હતો એટલા માટે સહીઓ કરી છે. અમે પક્ષાપક્ષીથી પર રહી દેશની એકતા, અખંડીતતા અને સમરસતાના નિર્ણયને બીરદાવવા સહીઓ કરી છે. કોઈનો એકધારો વિરોધ કરીએ ત્યારે મત મારી જાય છે. ધારાસભ્યનો વિરોધ કરતા સભ્ય સાથે આવો ઘાટ ઘડાયો છે. પ્રદેશ ભાજપમાંથી આ ઠરાવ કરવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને સુચન કરાયુ હતુ. ધારાસભ્યની સુચનાથી પાલિકા પ્રમુખ દ્વારા ફરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય તરફેના ૧૩ અને કોંગ્રેસના ૮ સભ્યોએ સહી કરતા ૨૧ ની બહુમતીથી ઠરાવ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે ફરતા ઠરાવમાં ધારાસભ્ય વિરોધી જુથના ચાર સભ્યોએ પણ સહીઓ કરી હતી. ત્યારે ક્યાંથી સુચના આવી છે તે જોયા જાણ્યા વગર આતો ધારાસભ્યની સુચનાથી ફરતો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં સહીઓ થાય નહી તેવુ જણાવતા ચાર સભ્યોએ પોતે કરેલી સહીઓ ચેકી નાખી હતી. અને બીજા સભ્યોને સહીઓ નહી કરવા તાત્કાલીક ફોન કરવામાં આવ્યા હતા.
જે ફરતો ઠરાવ કરવામાં આવ્યો તેની વિગત
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા કલમ-૩૭૦ તથા ૩૫-એ જમ્મુ કાશ્મીરમાં નાબુદ કરવાનો નિર્ણય સીમાચિહ્‌ન અને મક્કમતાનો પરિચય આપતો “એક રાષ્ટ્ર, એક બંધારણ”ને નૈતિક પીઠબળ પુરૂ પાડતો આઝાદી પછીનો આ ઐતિહાસીક નિર્ણય છે. દેશની ૧૩૦ કરોડ જનતાના મન હૃદયમાં પડેલી ઈચ્છા અને સંકલ્પ પુર્ણ થયો છે. ૩૭૦ની કલમ દુર થતાં કાશ્મીરની તમામ પ્રકારની વિષમતા, વિસંવાદીતાની હાર થઈ છે. અને દેશની એક્તા અખંડીતતા અને સમરસત્તાની જીત થઈ છે. કાશ્મીર અને દેશની એક્તા માટે બલિદાન આપનારા અનેક શહિદવીરોનું આ સન્માન છે. વિસ્થાપીત કાશ્મીરી પંડિતોની બે દાયકાઓની પીડા અને સંઘર્ષ સામે એક સહાનુભુતી અને હકારાત્મક દિશા દર્શક પગલુ છે. કાશ્મીરના મુદ્દે ભારતના એકીકરણનું અધુરૂ રહેલુ રાષ્ટ્ર પુરુષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને કાશ્મીર માટે બલીદાન આપનાર શ્રી ડા.શ્યામાપ્રસાદ મુખર્જીનુ સ્વપ્ન સાકાર થયુ છે. હવે કાશ્મીર મુદ્દે ખરા અર્થમાં દેશમાં “એક નિશાન, એક વિધાન, અને એક પ્રધાન” પ્રસ્થાપિત થયા છે.
૩૭૦ અસ્થાઈ કલમને હટાવીને ભારતના બંધારણને કાશ્મીરમાં સ્થાઈ બનાવવું એ દેશની જનતાની લાગણીનુ પ્રતિબિંબ છે. દરેક રાજકીય પાર્ટી માટે દેશહીત સર્વોપરી હોય છે. તેને પક્ષાપક્ષીથી દુર રહીને દેશહીતના નિર્ણયને આવકારવો અને બિરદાવવો એ દરેક રાજકીય પાર્ટીની ફરજ છે. તેથી અમે વિસનગર નગર પાલિકાના સભ્યશ્રીઓ આ ફરતા ઠરાવ દ્વારા દેશની એક્તા અને અખંડીતતા માટે આ નિર્ણયને આવકારીએ છીએ અને કેન્દ્ર સરકારને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.
ધારાસભ્યની સુચનાથી ફરતો ઠરાવ કરાયો છે તેવી વિરોધની દ્રષ્ટીથી જોયા કરતા ફક્ત ફરતા ઠરાવના શબ્દો પણ વાંચ્યા હોત તો આ સભ્યોને સાચી સમજ થઈ હોત. નોંધપાત્ર બાબત છેકે, કલમ ૩૭૦ અને ૩૫ એ હટાવવાના નિર્ણયને વિશ્વના દેશોએ આવકાર્યો છે. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીના કેટલાક નેતાઓએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યુ છે. દેશ વિદેશ અને રાષ્ટ્રીય ગતિવિધિની સુજબુજ ન હોય તો ફક્ત વિસનગર પાલિકાના કોંગ્રેસના ૮ સભ્યોએ કેમ સહી કરી તેવો વિચાર કર્યો હોત તો પણ ઠરાવમાં સહી નહી કરનારને સાચી સમજ પડી હોત. ફરતો ઠરાવ કરવાની સુચના પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવી હતી. ત્યારે ધારાસભ્યના વિરોધમાં પ્રદેશ ભાજપના એજન્ડાને સહીઓ નહી કરી ઠુકરાવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

Leave a Reply

Top