You are here
Home > Editor Pick's > તંત્રી સ્થાનેથી…ગેસ્ટહાઉસ ઉદ્યોગમાં ફક્ત ભારે તેજી

તંત્રી સ્થાનેથી…ગેસ્ટહાઉસ ઉદ્યોગમાં ફક્ત ભારે તેજી

તંત્રી સ્થાનેથી…

તમામ ધંધા રોજગાર વિશ્વવ્યાપી મંદીની અસરમાં

ગેસ્ટહાઉસ ઉદ્યોગમાં ફક્ત ભારે તેજી

પ્રવર્તમાન સમય વિશ્વવ્યાપી મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. નોટબંધી પછી કામધંધા ઘટી ગયા છે. હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો છે. ઈન્ડસ્ટ્રીઝોએ ઉત્પાદન ઘટાડી દીધું છે. આવી મંદીના સમયમાં ફક્ત ગેસ્ટહાઉસ ઉદ્યોગ કુદકે ને ભુસકે વધી રહ્યો છે. તાલુકા પ્લેસ હોય કે જીલ્લા પ્લેસ હોય જેવડુ ગામ તેટલી વસ્તીના પ્રમાણે ૧૦૦૦ માણસે એક ગેસ્ટહાઉસ ખુલી ગયા છે. અને બધા ગેસ્ટહાઉસો કમાય છે. નવું ગેસ્ટ હાઉસ કરનાર વ્યક્તિ થોડા જ સમયમાં બીજુ અદ્યતન ચોર રસ્તા વાળુ ગેસ્ટહાઉસ બનાવી દે છે. જેટલા ગેસ્ટહાઉસો વધારે તેટલું ગામમાં અનિતી અને ગોરખધંધાનું પ્રમાણ વધારે. ગેસ્ટહાઉસ બનાવવા માટે સરકાર મંજુરી આપે છે એટલે કાયદાકીય રીતે પોલીસ તંત્રની મીઠી નજર નીચે ગેસ્ટહાઉસો ધમધમે છે. તંત્રએ ગેસ્ટહાઉસ માટે રજીસ્ટર રાખવા ફોટો આઈ.ડી. લેવો, આવનાર ગ્રાહકનો ફોટો પડે તેવો સીસીટીવી કેમેરા રાખવો આ બધા કાયદા છે પણ પોલીસખાતાની મહેરબાનીથી તેનો અમલ થતો નથી. ગેસ્ટહાઉસમાં રોકાનાર વ્યક્તિને ફોટા, આઈ.ડી.વાળા પુરાવા આપવા પડે છે. પણ ગેસ્ટહાઉસ સંચાલકો ગેસ્ટહાઉસમાં આવનાર ગ્રાહકોના નામની નોંધ જ કરતા નથી. પાવતી આપ્યા વિના રોકડા પૈસા લઈ લે છે. મોટાભાગના ગેસ્ટહાઉસો દિવસ દરમ્યાન ચાલતા હોવાથી પોલીસ રાત્રે જ ચેકીંગમાં જાય છે. શહેરોના કેટલાક એવા ગેસ્ટહાઉસો છે કે જે રાત્રે બંધ પણ હોય છે. પોલીસ તંત્ર રાત્રે જ ચેકીંગમાં આવતુ હોવાથી આવા સંચાલકોને કોઈ ચિંતા રહેતી નથી. ગેસ્ટહાઉસ એટલે બીજા અર્થમાં અતિથિગૃહ બહારગામથી આવતા અતિથિઓને રહેવા માટેની સગવડ આપતું સ્થળ છે. પણ સરકારની મંજુરી લઈ દિવસે દિવસે ગેસ્ટહાઉસોની સંખ્યા વધી રહી છે. નવી બનતી હોટલોમાં બેન્કવેટ હૉલ અને ગેસ્ટહાઉસ ફરજીયાત હોય છે. હોટલ ચાલે કે ન ચાલે ગેસ્ટહાઉસો ચાલે છે. શહેરમાં વધતા જતાં ગેસ્ટહાઉસો શહેરના નૈતિક અધઃપતનની નિશાની છે. સમાજનું અધઃપતન કાયદાથી અટકાવી શકાવાનું નથી. તે લોક જાગૃતિથી જ અટકશે. વિસનગર શહેરનો દાખલો લઈએ તો ત્રણ દરવાજા ટાવર વિસ્તારમાં બે-ત્રણ ગેસ્ટહાઉસો હતા. જ્યારે વિસ્તારના રહીશોને ગેસ્ટહાઉસની સાચી કાર્ય પધ્ધતિની ખબર પડી ત્યારે તંત્રએ નહિ પણ વિસ્તારના રહીશોએ જ ગેસ્ટહાઉસો બંધ કરાવી દીધા હતા. વધતી જતી ગેસ્ટહાઉસની બદીને અટકાવવા માટે ગેસ્ટહાઉસની સામેની દુકાનનો માલિક ગેસ્ટહાઉસના દરવાજા સામે સીસીટીવી કેમેરા મુકે તો ઓટોમેટીક ગેસ્ટહાઉસની ઘરાકી બંધ થઈ જાય અને વિસ્તારની બદી નીકળી જાય. ગેસ્ટહાઉસ સામે સીસીટીવી કેમેરા મુકવામાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ બનતી નથી પણ કેટલાક ગેસ્ટહાઉસો એવા છેકે જેના બે થી ત્રણ રસ્તા હોય છે. તેને સીસીટીવી કેમેરાની અસર થતી નથી પણ પાર્કીંગની ગાડીઓનો વીડીઓ ઉતારવામાં આવે તો પણ વિસ્તારની બદી બંધ થઈ શકે છે. સગીર ઉંમરની છોકરીની શારીરિક છેડછાડ માટેનો પોસ્કોનો કાયદો બનાવવામાં આવ્યો છે. ગેસ્ટહાઉસોમાં મોટાભાગે સગીરાઓજ જાય છે. આવી સગીરાઓ પકડાય અને પોસ્કોનો ગુનો ગેસ્ટહાઉસ માલિક ઉપર લગાવાય તો કદાચ થોડા ઘણા અંશે ગેસ્ટહાઉસની બદી ઓછી થાય અને સમાજનું નૈતિક અધઃપતન થતું અટકી શકે છે. આ સંદર્ભે દરેકે દરેક નાગરીકે વિચારવું જોઈએ કે ગેસ્ટહાઉસમાં તમારી બહેન દીકરી તો ભોગ બનતી નથી ને? ગેસ્ટહાઉસની બદી ફક્ત ને ફક્ત સમાજ જ અટકાવી શકવાનો છે. ગેસ્ટહાઉસોની બદી જે શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ વધારે ત્યાં ગેસ્ટહાઉસો પણ વધારે ખુલે છે. પાનમસાલાના ગલ્લાની જેમ શૈક્ષણિક સંસ્થાથી ચોક્કસ અંતરે દૂર રાખવાના હોય છે. તેવી રીતે શૈક્ષણિક સંસ્થાઓના અડધો કિલોમીટરના અંતરમાં ગેસ્ટહાઉસોને મંજુરી મળવી ન જોઈએ. વધી રહેલી અસહ્ય ગરમીમાં મોં ઉપર દુપટ્ટા બાંધવાનો જે ક્રેઝ વધ્યો છે, આજ ક્રેઝે ગેસ્ટહાઉસોનો ધંધો વધાર્યો છે. મોં ઉપર દુપટ્ટા બાંધેલી છોકરીઓને ગેસ્ટહાઉસમાં ચડતી તેમના પિતા જોઈ જાય તો પણ ઓળખી ન શકે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. મોં બાંધી છોકરીઓ બીજા બધા બંધન તોડી નાખે છે. જે સમાજની કમનસીબી છે.

Leave a Reply

Top