Select Page

ખાડે ગયેલ પાલિકા તંત્રમાં રોડ ઉપર ખાડા

ખાડે ગયેલ પાલિકા તંત્રમાં રોડ ઉપર ખાડા

લોકોને દેખાતા ખાડા પાલિકાના જવાબદારોને દેખાતા નથી

ખાડે ગયેલ પાલિકા તંત્રમાં રોડ ઉપર ખાડા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા તંત્રનો વહિવટ ખાડે જતા અત્યારે શહેરમાં અનેક ઠેકાણે રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. મુખ્ય રોડ ઉપરના ખાડા તાત્કાલીક પુરવામાં નહી આવતા વરસાદી પાણી ભરાતા અજાણ્યા વાહન ચાલકો પટકાવાના બનાવો બની રહ્યા છે.
ચોમાસામાં ખાડા પડે ત્યારે તેને તાત્કાલીક પુરવાની જવાબદારી સ્થાનિક પાલિકા તંત્રની છે. વિસનગરમાં ચોમાસાના કારણે અનેક જગ્યાએ રોડ ઉપર ખાડા પડ્યા છે. તાલુકા સેવાસદન તરફનો માર્ગ શહેરના મુખ્ય માર્ગો પૈકીનો એક છે. કાંસા ચાર રસ્તાથી વિસનગર તરફ અનેક વાહનચાલકોની અવરજવર છે. તાલુકા સેવા સદનમાં પણ વિવિધ કામે લોકો વાહનો લઈને આવનજાવન કરે છે. ત્યારે પાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે રોડ ઉપર પડેલા મોટા ખાડામાં લોકો પટકાઈ રહ્યા છે. પાલિકા તંત્રનો વહિવટ ખાડે ગયો ન હોય તો પાલિકા દ્વારા તાત્કાલીક ઈંટના રોડા અને માટીથી પુરાણ કરવામાં આવતુ હોય છે. પરંતુ વિસનગર પાલિકાનો વહિવટ ખાડે જતા આવા ખાડા પુરાય તેવી અપેક્ષા રાખવી ખોટી છે.
પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી ભાજપમાં જોડાયા બાદ વિવિધ કામગીરી અર્થે ધારાસભ્ય કાર્યાલયમાં દિવસ દરમ્યાન અનેક વખત અવરજવર થતી હશે. ત્યારે પ્રમુખને લોકોને પટકી રહેલા ખાડા પૂરવાનુ કેમ સુજતુ નથી, તે નવાઈની બાબત છે.
શહેરના વિવિધ રોડ ઉપરના ખાડા પડેલા જોઈ પાલિકા સભ્ય પરેશભાઈ પટેલે રોષ વ્યક્ત કર્યો છેકે, પાલિકાનો વહિવટ કરતી પ્રમુખ અને તેમની ટીમને મોટા ખાડા દેખાતા નથી તે નવાઈની બાબત છે. એકજ બોર્ડમાં એકના એક રોડ બબ્બે વખત બને છે. જે કોન્ટ્રાક્ટર રોડ બનાવે તેની જવાબદારી ફીક્સ થવી જોઈએ. રોડ બનાવ્યા બાદ ત્રણ ચાર વર્ષમાં રોડ તુટી જાય તો તેનુ મેઈન્ટેનન્સ કરવા ટેન્ડરની અમુક રકમ જમા રાખવા નિયમ બનાવવો જોઈએ. રોડ બનાવ્યા બાદ ત્રણ-ચાર વર્ષમાં રોડ તુટી જાય તેના માટે કોન્ટ્રાક્ટરની જવાબદારી ફીક્સ કરવા માટેની ટેન્ડરમાં શરત મુકવામાં આવશે તો કોન્ટ્રાક્ટરો આપોઆપ ટકાઉ અને મજબુત રોડ બનાવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us