Select Page

દહેજ માંગવાના ગુનામાં પતિને બે વર્ષની સજા

દહેજ માંગવાના ગુનામાં પતિને બે વર્ષની સજા

વિસનગરમાં મેજી.શ્રી એમ.એમ.શુકલનો સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો

દહેજ માંગવાના ગુનામાં પતિને બે વર્ષની સજા

આ કેસમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓનું મૃત્યુ થયુ હતુ જયારે એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ભાન્ડુ અમરપુરા ગામની દિકરીને તેના સાસરીયા પક્ષના લોકોએ શારીરીક અને માનસિક ત્રાસ આપી રૂા.ર લાખની દહેજની માંગણી કરી હોવાની પાંચ વર્ષ અગાઉ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ હતી. જે કેસ વિસનગર ચીફ જ્યુ કોર્ટમાં ચાલી જતા તત્કાલિન સરકારી વકીલ આર.આર.ઝલકેની આધાર પુરાવા અને હાઈકોર્ટના ચુકાદા સાથેની દલીલો આધારે કોર્ટના જજશ્રી.એમ.એમ.શુકલે આરોપી પતિને કસુરવાર ઠરાવી બે વર્ષની સજા ફરમાવી છે જયારે અન્ય બે આરોપીઓનું કોર્ટ કાર્યવાહી દરમિયાન મૃત્યુ થતા કોર્ટે તેમને અબેટ કર્યા હતા. જયારે એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે વિસનગર તાલુકાના ભાન્ડુ અમરાપુરા ગામના ફરીયાદી ભગવતીબેન ભરતસિંહ રાજપુતના લગ્ન પંદર વર્ષ પહેલા સિધ્ધપુર તાલુકાના વરસીલા ગામના ભરતસિંહ મફાજી રાજપુત સાથે થયા હતા. શરૂઆતમાં બન્નેનું લગ્નજીવન સારી રીતે ચાલતુ હતુ. ત્યારબાદ પતિ ભરતસિંહ અને સાસુ લીલાબેન ફરીયાદી ભગવતીબેનને તેમની ઉંચાઈ બાબતે મેણા ટોણા મારતા હતા અને શારીરીક અને માનસિક ત્રાસ આપતા હતા.તેમજ પતિ ભરતસિંહ તેમને ગમાડતા નહતા એક દિવસ ભગવતીબેનના પતિ ભરતસિંહ અને સાસુ લીલાબેનએ સિધ્ધપુરમાં દુકાન લેવા માટે ભગવતીબેનના પિતા પાસે દહેજ પેટે રૂા. બે લાખની માંગણી કરી હતી ત્યારે ભગવતીબેનના પિતાએ દિકરીનો ઘર સંસાર ન બગડે તે માટે તેમને બે લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ સાસરીયાઓની લાલચ વધતા તેઓ ભગવતીબેન પાસે અવાર-નવાર દહેજની માંગણી કરતા ત્યારે ભગવતીબેન તેમના પિતા પાસે પૈસા નહી હોવાનું કહેતા હતા. જેમા એક દિવસ પતિ અને સાસુએ તેમને ઘરની બહાર કાઢી મુકતા ભગવતીબેનના પિતા અને કાકા તેમને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ ભગવતીબેનના પતિ ભરતસિંહ, સાસુ લીલાબેન, તથા મામાજી સવાજી રામાજી રાજપુત અને ચમનજી સોમાજી રાજપુત ભેગા મળી ભગવતીબેનના પિયરમાં ગયા હતા. જયાં તેમને ભગવતીબેનના પિતાને ગાળો બોલી ભગવતીબેનને સાસરે મોકલશે તો જીવતી સળગાવી દઈશું તેવી ધમકી આપી છુટાછેડા આપી દેવાની વાત કરી હતી. આ અંગે ભગવતીબેન રાજપુતે તેમના પતિ ભરતસિંહ મફાજી રાજપુત, સાસુ લીલાબેન મફાજી રાજપુત, મામાજી સવાજી રામાજી રાજપુત, તથા ચમનજી સોમાજી રાજપુત વિરૂધ્ધ તા.ર૩-૬-ર૦૧૪ નારોજ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. જે કેસ વિસનગર એડી.ચિફ.જ્યુડીશીયલ મેજી.શ્રીની કોર્ટમાં ચાલી જતા વિસનગર કોર્ટના તત્કાલિન અને હાલમાં ખેરાલુ કોર્ટમાં ફરજ બજાવતા સરકારી વકીલશ્રી આર.આર.ઝલકે આરોપી પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સબંધો હોવાના તથા અન્ય આધાર પુરાવા રજુ કરી નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ સાથેની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટના મેજીશ્રી. એમ.એમ.શુકલે સમાજમાં દાખલો બેસાડવા આરોપી પતિ ભરતસિંહ મફાજી રાજપુતને આઈ.પી.સી. કલમ ૪૯૮-(ક) ના ગુનામાં કસુરવાર કરાવી બે વર્ષની સખત કેદની સજા અને રૂા.પ૦૦૦ના દંડનો હુકમ કર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૬૦ દિવસની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે. જયારે આ કોર્ટે કાર્યવાહી દરમિયાન આરોપી લીલાબેન મફાજી રાજપુત અને ચમનજી સોમાજી રાજપુતનુ મૃત્યુ થયુ હતુ. જયારે આરોપી સવાજી રામાજી રાજપુતને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી પક્ષે વિદ્વાન વકીલ એમ.જી.જયસ્વાલ પણ હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us