Select Page

કેનાલોમાં ગટરના પાણી ઠલવતા કનેક્શનો બંધ કરવા તાકીદ

કેનાલોમાં ગટરના પાણી ઠલવતા કનેક્શનો બંધ કરવા તાકીદ

ગેરકાયદેસર ગટરલાઈનનુ કામ અટકાવવા પાલિકા સભ્ય તેમજ ગુરૂદેવ ટાઉનશીપના પ્રમુખ પરેશભાઈ પટેલને નોટીસ

કેનાલોમાં ગટરના પાણી ઠલવતા કનેક્શનો બંધ કરવા તાકીદ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં અત્યારે પાલિકાની કોઈપણ મંજુરી વગર ગેરકાયદેસર ગટરલાઈન નાખવાનો વિવાદ વકર્યો છે. પાલિકા દ્વારા પાલિકાના સભ્ય અને ગુરૂદેવ ટાઉનશીપના પ્રમુખ પરેશભાઈ પટેલને ગટરલાઈન કામ અટકાવવા નોટીસ આપવામાં આવી છે. ત્યારે પરેશભાઈ પટેલે પણ વળતો ઘા કરી શહેરમાં જેટલા પણ કેનાલોમાં સોસાયટીના ગટરના પાણી ઠલવતા કનેક્શનો હોય તે બંધ કરવા તાકીદ કરી છે. આ કનેક્શન બંધ નહી થાય તો ચીફ ઓફીસર અને પ્રમુખને કોર્ટમાં ઢસડી જવાની ચીમકી આપવામાં આવી છે.
કમાણા ચાર રસ્તા પાસે આવેલ ગુરૂદેવ ટાઉનશીપના ગટરના પાણીનો નિકાલ ટાઉનશીપના મેઈન ગેટથી મહેસાણા ચાર રસ્તા તરફથી ગટરલાઈનમાં થાય છે. પરંતુ ગમે તે કારણોસર ગટરલાઈનમાં ખરાબી થતા ટાઉનશીપના ગટરના પાણીના નિકાલ માટે કમાણા રોડ ઉપર આવેલ ટાઉનશીપના ગેટથી કૈલાસધામ થઈ અક્ષરધામ સુધી ગટરલાઈન નાખવા ખોદકામ કરી પાઈપલાઈનો ઉતારવામાં આવી હતી. ગટરલાઈન સ્વખર્ચે નાખવા માટે પણ પાલિકાની મંજુરીની જરૂર પડે છે. ત્યારે આ ગટરલાઈન નાખવા માટે પાલિકાની કોઈ મંજુરી લેવામાં આવી નહોતી. ગુરૂદેવ ટાઉનશીપની ગેરકાયદેસર ગટરલાઈન નાખવાની કામગીરીથી ભારે વિવાદ સર્જાયો હતો. ગટરના પાણી ખુલ્લી કેનાલમાં નાખવામાં આવે તો કડા રોડ અને મહેસાણા રોડ જેવી દુર્ગંધ મારતી તેમજ મચ્છરોનો ઉપદ્રવ ફેલાવતી કમાણા રોડની પણ હાલત થાય તેમ હોવાથી ગટરલાઈનની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી હતી. શરૂઆતમાં તો પાલિકા ચીફ ઓફીસર અને પાલિકા પ્રમુખ દ્વારા ગેરકાયદેસર ગટર લાઈન સામે આંખ આડા કાન કરવાનો પ્રયત્ન થયો હતો. પરંતુ વિવાદ વધતા ચીફ ઓફીસર દ્વારા ગુરૂદેવ ટાઉનશીપના પ્રમુખ તથા મંત્રીને તાત્કાલીક નોટીસ આપી ગટરલાઈનનું કામ બંધ કરવા જણાવાયુ હતુ. ગટરલાઈનની કામગીરી બંધ કરવામાં નહી આવે તો આગળની કાર્યવાહી કરવા પણ જણાવાયુ હતુ.
પરેશભાઈ પટેલ પાલિકાના જવાબદાર અને સિનિયર સભ્યો પૈકીના એક સભ્ય હોવા છતાં, તેમજ પાલિકાના બન્ને જુથ એક બીજાને ટાર્ગેટ કરીને બેઠા હોવાનુ જાણવા છતાં ગેરકાયદેસર ગટરલાઈન નાખવાની કામગીરી કરતા બરોબરના ફસાયા હતા. ગુરૂદેવ ટાઉનશીપના પ્રમુખ હોવાના નાતે ગટરલાઈન નાખવાની કામગીરી અટકાવી પરેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ફક્ત ગુરૂદેવ ટાઉનશીપજ નહી પરંતુ શહેરની અનેક સોસાયટીઓ છેકે, જે સોસાયટીના ગટરના પાણીનો નિકાલ વરસાદી પાણીની કેનાલમાં અથવા તળાવમાં થાય છે. વોર્ડ નં. ૬ અને ૭ ની રસપાર્ક, મનસુરી, સાહીનપાર્ક વિગેરે સોસાયટીના ગટરનું પાણી મધેક તળાવમાં ઠલવાય છે. પૂર્વ પ્રમુખ શકુન્તલાબેન પટેલની સોસાયટી આગળથી પસાર થતી વરસાદી પાણીની કેનાલમાં ગટર લાઈનના ગેરકાયદેસર જોડાણ આપવામાં આવ્યા છે. આ કેનાલનું પાણી આસુતોષ સોસાયટી આગળ થઈ સામે એસ.કે.કોલેજના કમ્પાઉન્ડની બાજુમાં પસાર થતી ગટરલાઈનમાંથી કમાણા રોડ ઉપરના હેર તળાવમાં ઠલવાય છે. પટણી દરવાજા ઉમિયા માતાના મંદિરની બાજુમાંથી પસાર થતી અને મહેસાણા ચાર રસ્તા તરફ જતી વરસાદી પાણીની કેનાલમાં અનેક સોસાયટીઓની ગટરના પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે. વરસાદી પાણીની આ કેનાલમાં બારેમાસ ગટરનું પાણી વહે છે. આ સીવાય શહેરમાં એવી ઘણી વરસાદી પાણીની કેનાલો છે જેમાં ગટરલાઈના જોડાણ આપવામાં આવ્યા છે. ૨૦-૨૫ વર્ષથી વરસાદી પાણીની કેનાલો અને તળાવોમાં ગટરલાઈનના કનેક્શન આપી ગંદુ પાણી ઠલવાય છે એ કોઈને દેખાતુ નથી. જ્યારે ગુરૂદેવ ટાઉનશીપની ગટરનું પાણી ખુલ્લા વહેળામાં ઠલવાય તેનો વિરોધ કરવામાં આવે છે. પરેશભાઈ પટેલ દ્વારા ખુલ્લામાં ગટરના પાણી ઠલવતા કનેક્શનો બંધ કરવા પ્રમુખ તથા ચીફ ઓફીસરને તાકીદ કરવામાં આવી છે. જેમણે ચીમકી આપી છેકે, આવા કનેક્શન બંધ કરવામાં નહી આવે તો ચીફ ઓફીસર અને પ્રમુખ બન્નેને કોર્ટમાં જવાબ આપવો પડશે. પરેશભાઈ પટેલે પાલિકામાં આ બાબતે અરજી કરતા પાલિકા દ્વારા આવા કનેક્શનોનો સર્વે કરી જે તે સોસાયટીઓને કનેક્શનો બંધ કરવા નોટીસ આપવાની તજવીજ હાથ ધરી હોવાનું ચીફ ઓફીસરે જણાવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us