Select Page

ગોવિંદચકલા વિસ્તારની મહિલાઓ રણચંડી બનતા પાણીનો ફોર્સ વધ્યો

ગોવિંદચકલા વિસ્તારની મહિલાઓ રણચંડી બનતા પાણીનો ફોર્સ વધ્યો

પાલિકામા હલ્લો થતા પ્રમુખ દોડતા આવ્યા

ગોવિંદચકલા વિસ્તારની મહિલાઓ રણચંડી બનતા પાણીનો ફોર્સ વધ્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગોવિંદ ચકલા વિસ્તારની સોસાયટીઓમા છેલ્લા ઘણા સમયથી અનિયમિત સફાઈ તથા અપુરતા પાણીનો પ્રશ્ન સતાવતા આ વિસ્તારની મહિલાઓએ પાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. પાલિકામા મહિલાઓએ હોબાળો કર્યા હોવાનુ જાણી પ્રમુખ દોડતા પાલિકામા આવી પહોચ્યા હતા. મહિલાઓએ રણચંડીનુ સ્વરૂપ ધારણ કરતા બીજાજ દિવસથી પાણીનો ફોર્સમા વધારો થઈ ગયો હતો. બોર ઓપરેટર પુરતો વાલ ખોલતો નહી હોવાથી પુરતુ પાણી મળતુ નહી હોવાનું તપાસ કરતા જણાવ્યુ હતું.
વિસનગર પાલિકા દ્વારા આખા વર્ષનો પાણી વેરો લેવામા આવે છે અને આંતરે દિવસે પુરતા પ્રમાણમાં પાણી આપવામા નહી આવતા સફાઈ વેરો અને સ્ટ્રીટ લાઈટ વેરો વસુલવા છતા પુરતી સુવિધા આપવામા નહી આવતા સમગ્ર શહેરમાં પાલિકાના નિષ્ક્રીય તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ગોવિંદ ચકલા વિસ્તારની ગોવિંદ ચકલા, સ્વસ્તીક, અમીકુંજ, ઉમિયાનગર તથા પટેલનગર સોસાયટીમા છેલ્લા ઘણા સમયથી આતરે દિવસે પણ પુરતા ફોર્સથી પાણી મળતુ નહી હોવાથી તેમજ અઠવાડિયામાં એકજ દિવસ સફાઈ થતી હોવાથી આ વિસ્તારની લગભગ ૪૦ જેટલી મહિલાઓએ તા. ૨૪-૯-૨૦૧૯ને મંગળવારના રોજ પાલિકામા હલ્લો મચાવ્યો હતો. મહિલાઓ પહોંચી તે વખતે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી કે ચિફ ઓફીસર સંજયભાઈ પટેલ બંન્ને જવાબદારોમાંથી કોઈ હાજર નહી હોવાથી મહિલાઓએ જીદ પકડી હતી કે યોગ્ય જવાબ નહી મળે ત્યા સુધી પાલિકા કાર્યાલયમાથી હટીશુ નહી. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને આ બાબતની જાણ થતાજ તેઓ તાત્કાલીક પાલિકામા દોડી આવ્યા હતા. આ વિસ્તારના સભ્ય સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશુભાઈ પટેલ, બકુલભાઈ ત્રિવેદી પણ પાલિકામા પહોંચી ગયા હતા.
મહિલાઓએ અપુરતા પાણી અને સ્વચ્છતા બાબતે પ્રમુખ સમક્ષ ભારે રોષ ઠાલવ્યો હતો. સ્વચ્છતાના ચેરમેન દમયંતીબેન પટેલના વોર્ડમાંજ જો નિયમીત સ્વચ્છતા થતી ન હોયતો શહેરમા શુ સ્વચ્છતા થતી હશે તેવો રોષ ઠાલવ્યો હતો. પોતાની રજુઆતો પ્રત્યે ધ્યાન આપવામાં નહી આવે અને માંગણીઓ નહી સંતોષાય ત્યા સુધી પાલિકા કાર્યાલયમાંથી બહાર નહી નિકળવાની જીદ ઉપર મહિલાઓ આવી ગઈ હતી. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ રોષે ભરાયેલી મહિલાઓ સાથે ચર્ચા કરી ફરીયાદોનો નિકાલ ટુંક સમયમા કરવા માટે ખાત્રી આપતા મહિલાઓનો રોષ ઓછો થયો હતો. અને પરત ફરી હતી.
નોંધપાત્ર બાબત છે કે ગોવિંદચકલા વિસ્તારના બેજવાબદાર ઓપરેટરોના કારણેજ આ વિસ્તારમા પાણી ઓછુ મળે છે. પુરતો વાલ ખોલવામા નહી આવતા આ મુશ્કેલી સર્જાઈ છે. આ બનાવના બીજા દિવસે આ સમગ્ર વિસ્તારમા પાણી પુરવઠો શરૂ કરી પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, જશુભાઈ પટેલ સહીતના સભ્યોએ ચેકીંગ કર્યુ હતુ જેમા બોર ઓપરેટરે વાલ પુરતો ખોલતા ગોવિંદ ચકલા સોસાયટી આગળની પરબ આગળ પાઈપ લાઈન લીકેજ થઈ હતી. સમગ્ર વિસ્તારમા સંતોષકારક પાણી મળતુ થયુ હતું. પાલિકા ચિફ ઓફીસર અને પ્રમુખ ફરજ પર અનિયમિતતા દાખવનાર બોર ઓપરેટર તથા વાલ ઓપરેટરો વિરૂધ્ધ કાર્યવાહી કરે તો શહેરમા આપોઆપ પાણીની સમસ્યાનો નિકાલ થાય તેમ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us