You are here
Home > Editor Pick's > તંત્રી સ્થાનેથી…અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સરકારી સહાય દરેક ફોર્મ ભરનાર ખેડૂતને કેમ મળતી નથી?

તંત્રી સ્થાનેથી…અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સરકારી સહાય દરેક ફોર્મ ભરનાર ખેડૂતને કેમ મળતી નથી?

તંત્રી સ્થાનેથી…

અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સરકારી સહાય દરેક ફોર્મ ભરનાર ખેડૂતને કેમ મળતી નથી?

ભારત ખેતી પ્રધાન દેશ છે. દેશની આબાદીમાં ખેતી કરનાર લોકોની સંખ્યા મોટી છે. જેથી ખેડૂતોના પ્રશ્નોને સરકાર વધારેમાં વધારે પ્રાધાન્ય આપે છે. સરકારની લાગણીનો કેટલાક વિસ્તારના ખેડૂતો કોઈ કોઈ વખત દુરુપયોગ કરે છે. સાથે સાથે ખેડૂતોના હક્કના નાણામાંથી સરકારી બાબુઓ મનમૂકી કટકી કરે છે. ખેડૂત સ્વભાવે ભોળો છે. જેથી તે તેના પૈસા ખાઈ જનાર સામે ઉગ્ર બનવાની જગ્યાએ ચાલશેની નીતિ રાખી નમ્ર બની જાય છે. આના પાછળનું કારણ પણ ઓછું ભણતર પણ જવાબદાર છે. અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ(દુકાળ) હોય બન્નેમાં સરકાર દ્વારા સહાય જાહેર કરાય છે. સરકારના નક્કિ કરેલા ધારાધોરણ કરતાં ઓછા સેન્ટીમીટર વરસાદ પડે ત્યારે તે વિસ્તારને દુકાળગ્રસ્ત જાહેર કરે છે. વરસાદ નહિ આવવાના કારણે પાણીના અભાવે ખેડૂતના બળી ગયેલા બિયારણ અને ખાતરનું સરકાર તરફથી સહાય આપવાનું જાહેર કરાય છે. ગ્રામ પંચાયતોમાં તલાટીઓ દ્વારા સરવે કરવામાં આવે છે. કેટલા ખેડૂતોને કેટલા એકરમાં નુકશાન થયું છે તે સરવે કરી તેના સરવેના ફોર્મ ભરી મોકલી આપવામાં આવે છે. સરકારમાં મોકલી આપ્યા પછી સરકારમાંથી એક હેક્ટરે કેટલી સહાય તે જાહેર થાય છે. અહીં એક પ્રશ્ન છેકે જેટલા ખેડૂતોના ફોર્મ ભર્યા હોય તેમના હેક્ટર પ્રમાણે આંકડા મોકલવામાં આવે છે છતાં દર વખતે એવા અનેક ખેડૂતો હોય છેકે જે ફરીયાદ કરતાં જોવા મળે છેકે અમને સહાય મળી નથી. સરકાર તલાટીઓ દ્વારા ભરાયેલા ફોર્મ કર્મચારીઓના સરવેના આંકડા મુજબ સહાયના નાણાં મોકલી આપે છે. પછી નાણાં ખેડૂતોને નહિ મળવાની બુમરાણ કેમ? નાણાં નથી મળતાં તે નાણાં ક્યાં જાય છે તે શોધખોળનો વિષય છે. પ્રવર્તમાન સંજોગોમાં અતિવૃષ્ટિ થઈ છે. ખેડૂતોના પાકેલા પાકો અને મહેનત નિષ્ફળ ગઈ છે. ખેડૂત અત્યારે બિચારો થઈ ગયો છે ત્યારે સરકાર દ્વારા સરવે કરાવવામાં આવશે. કેટલીક જગ્યાએ તલાટીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી ફોર્મ ભરાયા બાદ વળતરની જાહેરાત થશે. અને તે વળતર તંત્ર દ્વારા ખેડૂતોને પહોંચાડવામાં આવશે. અને ફરી પાછું સહાય નથી મળ્યાનું વાજીંત્ર વાગવાનું. ખેડૂતોની સહાયમાંથી સરકારી બાબુઓ ચણ ચણી જાય કે પદાધિકારી બાબુઓ ચણ ચણે છે તે શોધવાનો વિષય છે. પણ ખેડૂતોની બૂમરાણ આવે છેકે તે સહાયથી વંચિત છે. એટલે એવું કહી શકાય કે સહાય આવતા આવતા ચોરાય છે. સ્વ.રાજીવગાંધીના શબ્દો મુજબ કેન્દ્રમાંથી નીકળતી સહાયનો રૂપિયો લાભાર્થી જોડે પહોંચે છે તેનું મુલ્ય ૨૦ પૈસા થઈ જાય છે. આજે ભાજપની સરકાર છે. તેમાં પારદર્શક વહીવટ ચાલે છે તેવું કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને નિયમિત બિયારણ અને પાણી માટે સહાય આપે છે તે ખેડૂતોના બેન્ક ખાતાના નંબર સરકાર પાસે છે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સહાય માટે ખેડૂતો જે ફોર્મ ભરે છે તે ફોર્મમાં પણ ખેડૂતોના બેન્ક ખાતાના નંબર લખાય છે તો કાયમી સહાય સીધી ખાતામાં આવે તે રીતે જાહેર કરેલી સહાય આપવામાં ધાંધીયા કેમ થાય છે? તો પછી તેમાં ખેડૂતોના પૈસા કોણ ચોરે છે તે શોધનો વિષય છે. પ્રવર્તમાન સંજોગોમાં ખેડૂતોને તેમની શક્તિનો અહેસાસ થઈ ગયો છે. જેથી તેનો ખોટો દુરુપયોગ પણ કરે છે. વધુ સારો પાક થાય તો ભાવ મળતા નથી, ટેકાના ભાવો ઓછા છે તેના આંદોલન થાય. અને ટેકાના ભાવો ઉંચા હોય તો માલ લેવામાં ગેરરીતિ થાય છે તેવી બુમરાણો તો ચાલવાનીજ છે. તેલીબિયાં, કઠોળને સરકારે કોમોડીટીમાં મુક્યા છે. તેના ભાવો ઉત્પાદન અને વપરાશ આધારીત નથી. કોમોડીટી રમતા લોકોના આધારિત છે. પછી એરંડાના ભાવ ઘટે તો ખેડૂતો આંદોલન કરે તો તે કેટલા અંશે વ્યાજબી છે? સરકારને હવે ખબર પડી ગઈ છેકે ખેડૂતોના ટેકા વગર તેમનું અસ્તિત્વ નથી. અને ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે. સરકાર તેમના આધારિત છે. જોકે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની બોલબાલા હોય તે સ્વાભાવિક છે. ખેડૂતોના ટેકાથી સરકાર મજબૂત બની ગઈ છે અને બની રહી છે. જેથી ખેડૂતો સરકાર ઉપર હક્કદાવો કરે તે સ્વાભાવિક છે. ખેડૂતોના પ્રશ્નો રહેવાના જ છે. પણ ખેડૂતોની સરકારી સહાય ચોરાય છે તે અતિ ગંભીર પ્રશ્ન છે. જેથી સરકાર દ્વારા આગામી અતિવૃષ્ટિની સહાય ફોર્મ ભરનાર ખેડૂતના ખાતામાં જ જમા થાય તેવું કરાય તે જરૂરી છે.

Leave a Reply

Top