Select Page

નગરપાલિકા, કાંસા એન.એ. તથા માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરો અને ખુલ્લી કુંડીઓથી લોકો ત્રસ્ત

નગરપાલિકા, કાંસા એન.એ. તથા માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરો અને ખુલ્લી કુંડીઓથી લોકો ત્રસ્ત

નગરપાલિકા, કાંસા એન.એ. તથા માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી
કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરો અને ખુલ્લી કુંડીઓથી લોકો ત્રસ્ત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીના રોડ ઉપર ગટરની કુંડીઓના તુટેલા અને લેવલ વગરના ઢાંકણા તેમજ રોડ ઉપર ઉભરાતા ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ બાબતે એન.એ. વિસ્તારના આગેવાનોએ એન.એ.પંચાયત, નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને વારંવાર રજુઆતો કરી છે. છતાં તેઓ રોડ ઉપરની ખુલ્લી કુંડીઓના ઢાંકણા નાખવામાં અને ઉભરાતી ગટરોને બંધ કરવા બેદરકારી દાખવી રહ્યા છે. જો વહીવટીતંત્રના અધિકારીઓ આ બાબતે ઝડપી કોઈ કાર્યવાહી નહી કરે તો એન.એ.વિસ્તારના રહીશો રેલી કાઢી ઉગ્ર રોષ વ્યક્ત કરે તેવી શક્યતા છે.
ભાજપના શાસનમાં એન.એ.વિસ્તારનો દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થશે તેવા હેતુથી કાંસા એન.એ.વિસ્તારના રહીશોએ ગત વિધાનસભાની રસાકસીભરી ચુંટણીમાં ભાજપને મત આપી ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને સતત ત્રીજી વખત વિજયી બનાવ્યા હતા. ધારાસભ્ય ઋષિકેશભાઈએ તેમના બાર વર્ષના શાસનમાં અનેક વિકાસ કામો કર્યા છે. પરંતુ સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી બનાવેલ કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીના રોડને આજદીન સુધી ટકાઉ બનાવડાવી શક્યા નથી. તેમજ રોડ ઉપર ઉભરાતી ગટરના ગંદા પાણીની સમસ્યાનો પણ કાયમી ઉકેલ લાવી શક્યા નથી. જેના કારણે સરકારના કરોડો રૂપિયા ખર્ચ કરીને પણ આજે કાંસા રોડ ઉબડખાબડ અને બિસ્માર બની ગયો છે. ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રોડ ઉપર ફેલાય છે. રોડ વચ્ચે બનાવેલ કુંડીઓના ઢાંકણા તુટી ગયા છે. કેટલીક કુંડીઓના ઢાંકણા રોડમાં દબાઈ ગયા છે. ચોમાસાના વરસાદનું પાણી રોડ ઉપર ભરાતા રોડ ઉપર પસાર થતા વાહનચાલકોને ગટરની ખુલ્લી કુંડીઓ નહી દેખાતા કુંડીમાં પડવાનો ડર સતાવે છે.
આ બાબતે એન.એ.વિસ્તારના રહીશ અને પુર્વ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, તાલુકા ડેલીગેટ ગોવિંદભાઈ પટેલ, સહિતના આગેવાનોએ રોડ વચ્ચે તુટેલી ગટરની કુંડીના ઢાંકણા નાખવા અને ઉભરાતી ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા વારંવાર એન.એ.ગ્રામ પંચાયત, નગરપાલિકા તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજુઆતો કરી છે. છતાં તેઓ ગટરના ઉભરાતા ગંદા પાણીની સમસ્યા હલ કરવા કે રોડ ઉપર તુટેલા ગટરના ઢાંકણા નાખવા કે ઉબડખાબડ રોડ બનાવવા કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી. જ્યારે જીયુડીસીના અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. જો નગરપાલિકા અને માર્ગ અને મકાનના અધિકારી આ રોડ ઉપર ઉભરાતી ગટરોની સમસ્યા હલ કરવા અને ગટરની તુટેલી કુંડીઓના ઢાંકણા નાખવાની કોઈ કાર્યવાહી નહી કરેતો થોડા દિવસોમાં આ બાબતે જનઆક્રોશ ઉભો થવાની શક્યતા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts