Select Page

પાણી, લાઈટ, સ્વચ્છતા, રસ્તા, આરોગ્ય, ગટરો જેવી અનેક બાબતે રોષ ખુરશી બચાવવામાં સફળ પ્રમુખ વહીવટ કરવામાં નિષ્ફળ

પાણી, લાઈટ, સ્વચ્છતા, રસ્તા, આરોગ્ય, ગટરો જેવી અનેક બાબતે રોષ ખુરશી બચાવવામાં સફળ પ્રમુખ વહીવટ કરવામાં નિષ્ફળ

પાણી, લાઈટ, સ્વચ્છતા, રસ્તા, આરોગ્ય, ગટરો જેવી અનેક બાબતે રોષ
ખુરશી બચાવવામાં સફળ પ્રમુખ વહીવટ કરવામાં નિષ્ફળ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મોર પીંછાથી શોભે તેમ પાલિકા પ્રમુખ કમિટિઓના ચેરમેનના સહકારથી શોભે તેવુ વિસનગર પાલિકાની હાલની પરિસ્થિતિ ઉપરથી કહી શકાય. કોઈ મોટા રાજકીય પક્ષમાં જોડાઈ જવાથી વહીવટ સુધરી જતો નથી. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી ભાજપમાં જોડાઈ પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે પરંતુ વહીવટમાં નિષ્ફળ છે. અત્યારે પાણી, લાઈટ, સ્વચ્છતા, રસ્તા, આરોગ્ય, ગટરો, ગંદકી જેવી પાલિકાને લગતી અનેક બાબતોએ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિસનગર પાલિકા તંત્ર ખાડે ગયુ છે તેવુ નહી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા આખેઆખો પાલિકાનો વહીવટ ખાડામાં ગરકાવ થઈ ગયો છે તેવુ કહીએ તો ખોટુ નથી. પાટીદાર અનામત આંદોલનમાં લોકોએ ખોબલે ખોબલે મત આપી વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધન ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે જુથવાદ, ભ્રષ્ટાચાર, વિવાદોમાંં ઘેરાયેલા સભ્યો બહુમતી હોવા છતાં સંતોષકારક વહીવટ આપી શક્યા નહી. ભાજપનું બોર્ડ હોય તો સારો વહીવટ થાય તેવી લોકોને ધારણા હતી. વિકાસમંચના ૧૭ અને કોંગ્રેસના ૪ સભ્યો સહીત ૨૧ સભ્યો ભાજપમાંં જોડાતા ૨૮ સભ્યોની બહુમતી હોવા છતાં ભાજપનું બોર્ડ લોકોની આશા પ્રમાણે વહીવટ કરી શક્યુ નહી. જેની પાછળ પણ સભ્યોનો જુથવાદ જવાબદાર છે.
વિસનગર પાલિકામાં કમિટિઓની રચના બાદ ગઠબંધનમાં ભંગાણ સર્જાયુ. મહત્વની કમિટિઓના ચેરમેન બે જુથમાં વહેચાઈ જતાં અત્યારે એવી પરિસ્થિતિ છેકે, ચેરમેન કામ કરી શકતા નથી. કેટલાક નિષ્ક્રીય થઈ ગયા છે, કેટલાકને કામ કરવા દેવામાં આવતુ નથી. સભ્યોના આ જુથવાદમાં અત્યારે શહેરની જનતા પીસાઈ રહી છે. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી સભ્યોના સહકારથી શરૂઆતના સવા વર્ષ જે વહીવટ કર્યો તેવો ભાજપમાં જોડાઈને વહીવટ કરી શકતા નથી. એનો મતલબ એ છેકે કમિટિઓના ચેરમેનના સારા વહીવટથીજ પ્રમુખ શોભે છે. ખુરશી બચાવવામાં સફળ પ્રમુખ વહીવટ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. ધરોઈ ડેમ ભરાઈ ગયો છે, છતાં ધારાસભ્યના સહકારથી શહેરની જરૂરીયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં પાણી લાવી શક્યા નથી. આતરે દિવસે પાણી આપવા છતાં લોકોને પુરતો સમય અને પુરતા પ્રમાણમાં પાણી મળતુ નથી. વિનામૂલ્યે ડસ્ટબીન આપી ડોર ટુ ડોરની સેવા નિયમિત મળતી નથી. ડોર ટુ ડોર માટે ટ્રેક્ટર નિયમિત આવતા નથી. ઘણા વિસ્તાર અને સોસાયટીઓમાં અઠવાડીયા સુધી સ્વચ્છતા થતી નહી હોવાની ફરિયાદો છે. અત્યારે ચોમાસામાં સ્ટ્રીટલાઈટોની કમ્પલેન વધારે હોય છે. ત્યારે એક-એક મહિનાથી કમ્પલેનનો નિકાલ આવતો નથી. કોન્ટ્રાક્ટર એલ.ઈ.ડી.લાઈટો નહી આપતા પાલિકામાં સ્ટોક નથી.
ચોમાસાના કારણે શહેરના જાહેર માર્ગો ઉપર મોટા ખાડામાં ખોબલે ખોબલે મત આપનાર નગરજનો પટકાઈ રહ્યા છે. વરસાદ બંધ થયે અઠવાડીયુ થવુ છતાં ખાડા પુરવામાં આવતા નથી. ગટરો ઉભરાવવાની સમસ્યા વકરી છે. ગટરો સાફ નહી થતાં ગંદકી ફેલાઈ છે. શહેરીજનોનુ આરોગ્ય જોખમાઈ રહ્યુ છે. ત્યારે આખુ ચોમાસુ ગયુ છતાં ક્યાંય દવાનો છંટકાવ થયો હોવાનુ જણાતુ નથી. જંતુનાશક દવાઓની ખરીદી થાય છે, બીલો ચુકવાય છે પરંતુ દવાનો વપરાશ થતો નથી. આખા ચોમાસામાં ક્યાંય ગેમેક્સીનનો છંટકાવ થયો હોય તેવુ દેખાયુ નથી. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ થતાં મચ્છર અને જીવાત નાસક દવાનો છંટકાવ કરવા ફોગીંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. ફોગીંગ મશીનનો ઉપયોગ થતો નથી. આવી તો અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે. હજુ એક વર્ષ બાકી છે ત્યારે શહેરની જનતાને એક વર્ષ સુધી આ સમસ્યાઓનો સામનો કરવો પડશે?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us