Select Page

૨૦ સોસાયટી વચ્ચે જગ્યા મળશે તો પાલિકા બોર બનાવશે

૨૦ સોસાયટી વચ્ચે જગ્યા મળશે તો પાલિકા બોર બનાવશે

શહેરમાં પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવા પ્રમુખની અપીલ

૨૦ સોસાયટી વચ્ચે જગ્યા મળશે તો પાલિકા બોર બનાવશે

પાણીમાં અનિયમિતતા તેમાં પ્રમુખની અણઆવડત જવાબદાર-ર્ડા.કાન્તીભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં પાણીની સમસ્યાનો કાયમી અંત લાવવા માટે પાલિકા પ્રમુખ કટીબધ્ધ થયા છે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંંધીએ અપીલ કરી છેકે, ૨૦ થી ૨૫ સોસાયટી વચ્ચે કોઈ એક સોસાયટી જગ્યા આપશે તો પાલિકા દ્વારા બોર બનાવી આપવામાં આવશે. જોકે શહેરમાં પાણીની સમસ્યા માટે ર્ડા.કાન્તીભાઈ પટેલે પ્રમુખની અણઆવડત ભર્યો વહીવટ જવાબદાર ગણાવ્યો છે.
વિસનગર શહેરના છેવાડાના વિસ્તારની એવી ઘણી સોસાયટીઓ છેકે જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળતુ નથી. પાલિકા વિસ્તારની સરકારી જગ્યાઓમાં મોટા સમાજોએ વરંડાવાળીને જગ્યાઓ બથાવી દીધી હોવાથી પાલિકા પાસે હવે સંપ કે ઓવરહેડ ટાંકી બનાવવા કોઈ જગ્યા રહી નથી. મતના રાજકારણમાં જેતે પ્રમુખોએ દબાણકર્તાઓને છાવર્યા હોવાથી અત્યારે એવી પરિસ્થિતિ છેકે પાલિકા પાસે બોર બનાવવાની પણ જગ્યા રહી નથી. હમણાં દેવર્ષી ટાઉનશીપના મહિલાઓ પાણી મુદ્દે પાલિકામાં રજુઆત કરવા આવી ત્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને કહેવુ પડ્યુ હતું કે, પાલિકા પાસે હવે સોય જેટલી પણ જગ્યા નથી.
આવી પરિસ્થિતિમાં પાલિકા પ્રમુખ શહેરમાં કાયમી રીતે અને ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યાનો અંત આવે તે માટે કટીબધ્ધ થયા છે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યું છેકે, ૨૦ થી ૨૫ સોસાયટી વચ્ચે જો કોઈ એક સોસાયટી પોતાના કોમન પ્લોટમાં બોર બનાવવા માટે જગ્યા આપે તો પાલિકા દ્વારા બોર બનાવી આપવામાં આવશે. જગ્યા આપનાર સોસાયટીને પાણી સપ્લાયનો પ્રથમ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત આસપાસની સોસાયટીઓના હિતમાં બોર માટે જગ્યા આપનાર સોસાયટી પ્રત્યે પાલિકા દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવશે. પોતાના કોમન પ્લોટમાં બોર બનાવવા માગતી હોય તે સોસાયટીએ સોસાયટીના લેટરપેડ ઉપર ઠરાવ કરી પાલિકાને જગ્યા સોપવી પડશે. બોર બનાવવા માટે પાલિકા ૧૫ ઠ ૧૫ કે ૨૦ ઠ ૨૦ જેટલીજ જગ્યાનો ઉપયોગ કરશે. કોમન પ્લોટની બીજી જગ્યાનો સોસાયટી ઉપયોગ કરી શકશે. કોઈ સોસાયટી પાસે કોમનપ્લોટની મોટી જગ્યા હોય તો બોર બનાવવા જગ્યા આપવા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જોકે શહેરમાં પાણીની અનિયમિતતા બાબતે ર્ડા.કાન્તીભાઈ પટેલે પ્રમુખના અણઆવડત ભર્યા વહીવટને જવાબદાર ગણ્યો છે. ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ છેકે, શું પ્રમુખ સોસાયટી સોસાયટીએ બોર બનાવશે? કૃષ્ણનગર આગળ બોર છે, દેવર્ષિમાં બોર બનાવાશે. બીજી સોસાયટીઓ માગણી કરશે તો કેટલી સોસાયટીઓમાં બોર બનાવશે. વહીવટી અણઆવડત અને બેદરકારીના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. હાલ જે પાણી આવે છે તેજ પાણી પહેલા મળતુ હતું. છતાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નહોતો. વર્ષ ૨૦૦૦-૨૦૦૧ માં ધરોઈનું પાણી મળતુ નહોતુ તેમ છતાં પાલિકાના બોરવેલમાંથી પાણી પહોચતુ કરવામાં આવતુ હતું. પાણીની અનિયમિતતા મુદ્દે કર્મચારીઓ ઉપર દોષનો ટોપલો ઢોળવાની જરૂર નથી. કર્મચારીઓ કામ કરે છે પરંતુ વહીવટીય કુનેહના અભાવે પાણી પુરવઠો મળતો નથી. પાણી મળતુ નથી તે પ્રમુખની પોતાની અંગત જવાબદારી છે. બીજામાં પારંગત છો તો આમાં કેમ નથી?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us