You are here
Home > Editor Pick's > તંત્રી સ્થાનેથી… સાંસદ શારદાબેન પટેલ વિસનગર ભાજપની યાદવાસ્થળી અટકાવશે?

તંત્રી સ્થાનેથી… સાંસદ શારદાબેન પટેલ વિસનગર ભાજપની યાદવાસ્થળી અટકાવશે?

તંત્રી સ્થાનેથી…

સાંસદ શારદાબેન પટેલ

વિસનગર ભાજપની યાદવાસ્થળી અટકાવશે?

વિસનગરના બે ભાજપના દિગ્ગજ નેતાઓનો વિખવાદ હવે ચરમ સીમા ઉપર આવી વિખવાદ છાપરે ચડીને પોકારવા લાગ્યો છે. જેમાં ભાજપ પક્ષની આબરૂ જાણેઅજાણે બે નેતાઓ દ્વારા ઓછી થઈ રહી છે. પહેલાં પડદા પાછળનો આંતરિક વિખવાદ હતો. જે જાહેર લોકો સમક્ષ ઓછો દેખાતો હતો હવે ખુલ્લો વિખવાદ ચાલી રહ્યો છે. જેની મઝા અને લાભ ભાજપના કાર્યકરો તથા લોકો લઈ રહ્યા છે. ભાજપના સાંસદ શારદાબેન પટેલ એકબાજુ પદાધિકારી તરફ સાંસદ તરીકે પક્ષની રીતે, બીજીબાજુ સગા તરીકે કહી શકે તેમ છે. ભાજપ પક્ષે તેમણે ઘણું ઉંચુ માન અને સન્માન આપ્યું છે. તેવા પક્ષની આબરૂ બજારમાં ઉછળતી બચાવવાની સાંસદ તરીકે તેમની ફરજ છે. જે તાત્કાલીક નિભાવવી જોઈએ. એકજ પક્ષના બે કાર્યકરો છે. તેમને ભેગા બેસાડવા જોઈએ અને ભેગા બેસાડવાનું શક્ય ન હોય તો જાહેરમાં જે વિખવાદો દેખાય છે તેનાથી બન્નેએ પર રહેવું જોઈએ. વિસનગરમાં ડેમુ ટ્રેનના સ્વાગતના કાર્યક્રમ વખતે એકબાજુ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલનું ટોળુ ઊભુ હતું. બીજી બાજુ નૂતન કેમ્પસના ચેરમેન પ્રકાશભાઈ પટેલનું ટોળુ ઊભુ હતું. બન્ને ટોળા ભાજપના હતા. બન્નેનો આશય ટ્રેનનું સ્વાગત કરવાનો હતો તો શા માટે બન્ને એક સાથે ન ઊભા રહે? તે ભાજપ જેવી શિસ્તવાળી પાર્ટી માટે દુઃખની વાત અને પડતીની નિશાની છે. રેલ્વે સ્ટેશન ઉપર બે નેતાઓના ટોળાઓ હતા. અને ફૂટેલી ભાજપના સભ્ય કે જે રાત્રે હરદ્વાર સોસાયટીમાં જાય છે અને વહેલી સવારે નૂતન કેમ્પસમાં જાય છે. તેમની હાલત કફોડી હતી. તેવા ફૂટેલા ભાજપી કાર્યકરો આવી આવીને બે ટોળા જોઈ જતા રહેતા હતા. ત્યારે કેટલાક કોંગ્રેસીઓ અને જેમને પક્ષ સાથે લેવાદેવા નથી તેઓ આ બન્ને નેતાઓની યાદવાસ્થળી, અલાયદા ફોટોસેશન, અલાયદા સૂત્રોચ્ચાર જોતા હતા. કોઈપણ પક્ષ ત્યારે મોટો થાય જ્યારે તેમાં મહત્વાકાંક્ષી કાર્યકરોની સંખ્યા મોટી હોય. દરેક મહત્વાકાંક્ષી કાર્યકરો પોતાની જાતને પદાધિકારીના લાયક સમજે. પણ રાજયોગ તો નસીબ અને સંજોગો આધારીત હોય છે. જે બધાને પ્રાપ્ત થતો નથી. જેને રાજયોગ પ્રાપ્ત થાય છે તેની સામે તમામ મહત્વાકાંક્ષીઓ એક જૂથ હોય છે. આ રાજકારણની તાસીર છે. તેમની આંતરીક ઈચ્છા હોય છેકે જો આ પદાધિકારી ન હોય તો તેમનો વારો આવે. રાજયોગ નસીબ આધિન છે. તેનો પુરાવો છે ખેરાલુના ભાજપના ધારાસભ્યના ઉમેદવાર અજમલજી ઠાકોર. તેમને મળેલી ટીકીટ નસીબ આધારિત કહી શકાય. ટીકીટ માટે કોઈ લોબીંગ કર્યુ નહી હોવા છતાં તેમના નસીબમાં રાજયોગ લખાયો હશે જેને લઈને તે ચુંટણી લડી રહ્યા છે. અજમલજી ઠાકોર મોટા પક્ષના ઉમેદવાર અને નસીબ પ્રબળ હોવાથી રાજયોગ પ્રાપ્ત થવાની શક્યતા નકારી શકાય નહિ. આગળ કહ્યું જેમ પક્ષ મોટો થતો જાય તેમ તેમાં જુથવાદ વધતો જાય. ધીરે ધીરે જુથો પક્ષમાંજ એકબીજાને વિરોધ કરતા રહે અને છેવટે પોતાના પગ ઉપરજ કુહાડી મારી પક્ષને તોડી પાડે છે. કોંગ્રેસનો સૂર્ય મધ્યાન્હે તપતો હતો ત્યારે વિસનગરમાં રમણીકલાલ મણીયાર અને સાંકળચંદ કાકાની આગેવાની વાળી કોંગ્રેસ હતી. ત્યારબાદ ભોળાભાઈ પટેલનું જુથ કોંગ્રેસમાં ઊભુ થયું. તેમ જુથ વધતાં વધતાં વિસનગરમાં ચાર કોંગ્રેસ બની અને પાંચમી ફૂટેલી કોંગ્રેસ. આ ફૂટેલી કોંગ્રેસનું મુખ્ય કાર્ય સામાપક્ષે મદદ કરવાનું હતું. કોંગ્રેસના ચાર જુથોમાંથી જે ટીકીટ લાવે તેની સામે કોંગ્રેસનાજ ત્રણ જુથો અને ફૂટેલી કોંગ્રેસનો સામા પક્ષને ટેકો કરે એટલે કદીપણ કોંગ્રેસ જીતે નહિ. કિરીટભાઈ પટેલનુ જીતનુ રહસ્ય આજ છે. આ રીતે ધીરેધીરે કોંગ્રેસ નેસ્તનાબૂદ થઈ ગઈ. ફૂટેલી કોંગ્રેસના સભ્યો અત્યારે ભાજપમાં આવી ગયા છે. ભાજપનો સૂર્ય જ્યાં સુધી મધ્યાન્હે તપશે ત્યાં સુધી ફૂટેલી કોંગ્રેસમાંથી ભાજપની બનેલા કાર્યકરો રહેશે અને જેવો ભાજપ પક્ષ નબળો પડશે ત્યારે આ ફૂટેલા ભાજપીઓ પાછા સામા પક્ષે જતા રહેશે. બે દિગ્ગજોના જુથવાદમાં ફૂટેલુ ભાજપ અસ્તિત્વમાં છે. જેને આ બે નેતાઓ ઓળખી શક્યા નથી કે કાર્યકરોને ખેંચવાની હોડમાં ઓળખવા માંગતા નથી. એક વાત ચોક્કસ છેકે જીલ્લા ભાજપ પ્રદેશ ભાજપના અગ્રણીઓએ અત્યારે વિસનગરમાં પક્ષમાં લાગેલી આગમાં ધુમાડો નીકળે છે ભડકો થાય તે પહેલાં શમાવી દેવી જોઈએ. પ્રદેશ ભાજપ એટલુ કરવાનું છેકે બન્ને નેતાઓ એકજ કાર્યક્રમમાં હરિફાઈ કરતાં બંધ થાય. જે નેતા કાર્યક્રમની પહેલાં જાહેરાત કરે તે કાર્યક્રમ તે નેતાજ દ્વારા કરાય.

Leave a Reply

Top