Select Page

પ્રાન્તે ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તનો અહેવાલ માગ્યો

પ્રાન્તે ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તનો અહેવાલ માગ્યો

૧૭ સભ્યોની સહી સાથે કલેક્ટરમાં દરખાસ્ત કરી હતી

પ્રાન્તે ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તનો અહેવાલ માગ્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા ઉપપ્રમુખ વિરુધ્ધ ૧૭ સભ્યોની સહીઓ સાથે કલેક્ટરમાં અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. જે અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે કલેક્ટરે પ્રાન્ત સમક્ષ અહેવાલ માગતા પ્રાન્ત ઓફીસરે પાલિકા ચીફ ઓફીસર સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે અહેવાલ માગ્યો છે. અવિશ્વાસની દરખાસ્તમાં ૧૭ સભ્યોની સહીયો લેવામાં આવી છે. ત્યારે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં ગૃહમાં ૨/૩ બહુમતી થાય છેકે નહી તે એક પ્રશ્ન છે.
ચેસની રમતની જેમ અત્યારે પ્રમુખ વિરોધી જુથ એક પછી એક ચાલ ચાલી રહ્યુ છે. પ્રમુખ પાસે ૧૩ સભ્યો છે અને કોંગ્રેસના ૮ સભ્યોનો ટેકો છે. કોંગ્રેસના ૮ સભ્યોને ટેકો ન રહે તો પ્રમુખની ખુરશી છીનવાય તેમ હોઈ પ્રમુખ વિરોધી જુથે પહેલા કોંગ્રેસના ઉપપ્રમુખ ભાવનાબેન રબારીને ટારગેટ બનાવ્યા છે. ઉપપ્રમુખ વિરુધ્ધ જો અવિશ્વાસની દરખાસ્તમાં હરિફ જુથ સફળ થશે તો પ્રમુખ વિરુધ્ધની અવિશ્વાસની દરખાસ્તમાં સફળતા મળવાની છે. આવી ગણતરીઓ સાથે પાલિકાના ૧૭ સભ્યો દ્વારા ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત માટે કલેક્ટરમાં રજુઆત કરી હતી. કલેક્ટરે આ સંદર્ભે પ્રાન્ત ઓફીસર કે.પી.પાટીદાર સમક્ષ અહેવાલ માગતા પ્રાન્ત ઓફીસરે ચીફ ઓફીસરને પત્ર પાઠવી અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે અહેવાલ માગ્યો છે. અવિશ્વાસની દરખાસ્તના અહેવાલનો પાલિકામાં પત્ર આવતાજ પાલિકામાં ખળભળાટ ફેલાયો છે.
નોધપાત્ર બાબત તો એ છેકે, ઉપપ્રમુખ વિરુધ્ધની દરખાસ્તમાં ભ્રષ્ટાચાર, ગેરવહીવટ સત્તાનો દુર ઉપયોગ કે અન્ય કોઈ મુદ્દો દર્શાવવામાં આવ્યો હોય તેવુ જાણવા મળ્યુ નથી. ઉપપ્રમુખ ભાવનાબેન રબારી સ્વચ્છ અને પ્રમાણિકતાની છાપ ધરાવે છે. વર્તમાન બોર્ડના શાસનમાં તેઓ ક્યારેય વિવાદમાં આવ્યા નથી. ઉપપ્રમુખ પક્ષાપક્ષીથી દુર રહી દરેક સભ્યોના સાથ સહકારથી વહીવટ કરી રહ્યા છે. મહત્વની બાબત તો એ છેકે મોટાભાગે મહિલા સભ્યોના પતિદેવોજ વહીવટ કરે છે. જ્યારે ઉપપ્રમુખના પતિ હિંમતભાઈ રબારી જેમાં અપવાદરૂપ છે. વળી ઉપપ્રમુખ તમામ સમાજને સાથે રાખવાવાળા રાજકીય પરિવારના સભ્ય છે.
પાલિકાના આ બોર્ડમાં ભાજપના સભ્યોએ એકજ મુદ્દો ઉઠાવ્યો છેકે, પાલિકામાં ભાજપના સભ્યોની બહુમતી છે. વિકાસમંચના ૧૭ અને કોંગ્રેસના ૪ સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના ૨૮ સભ્યોની બહુમતી છે તો કોંગ્રેસના ઉપપ્રમુખ કેવી રીતે ચલાવી લેવાય. ત્યારે કોંગ્રેસના એક કોર્પોરેટરે જણાવ્યુ છેકે, પાટણ નગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર ભાજપના ટેકાથી બીનહરિફ ઉપપ્રમુખ પદે વરણી પામ્યા છે. તો વિસનગરમાં કોંગ્રેસના ઉપપ્રમુખનો વાંધો શું? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષાપક્ષીનું કોઈ મહત્વ હોતુ નથી. લોકોના પ્રશ્નોને વાચા આપી શકાય અને શહેરનો વિકાસ કરી શકાય તે માટે કોંગ્રેસનો ભાજપને ટેકો છે. ભાજપ અને કોંગ્રેસના સભ્યો ખોટી રીત રસમો અપનાવી લોકોનુ નાક દબાવવાની પ્રવૃત્તી કરતા સભ્યોના તાબે નહી થતાં ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. જોકે તેમ ક્યારેય સફળતા મળવાની નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us