Select Page

સાર્વજનિક સ્મશાનમાં શ્રધ્ધાંજલિ-રોશની-મહાપ્રસાદનો કાર્યક્રમ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કાળીચૌદસને લઈ સમાજમાં ભારે અંધશ્રધ્ધા ફેલાયેલી છે. જેના નિવારણ માટે અંતિમ વિસામો ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કાળીચૌદસે બીજી વખત એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ દિવસે સ્મશાનમાં અગ્ની સંસ્કાર કરેલ સ્વર્ગસ્થોને શ્રધ્ધાંજલિ, રોશની, આતશબાજી અને મહાપ્રસાદનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ગત વર્ષે યોજવામાં આવેલા કાર્યક્રમમાં જેમને સ્મશાનમાં ક્યારેય પગ મુક્યો નહોતો તેવી મહિલાઓ અને યુવતીઓએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લીધો હતો. વિસનગર શહેર અને તાલુકાની જનતાને સહપરિવાર આ કાર્યક્રમમાં ભાગ લેવા અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.

યુગ ર૧મી સદી તરફ જઈ રહ્યો ત્યારે હજુય લોકો ભુવા ભોપાળામાં તથા તાંત્રીક વિધિઓમાંથી બહાર આવતા નથી. દિવાળીમાં કાળીચૌદશે સ્મશાનમાં તાંત્રિક વિધિઓ કરવા માટેની ભારે અંધશ્રધ્ધા ફેલાયેલી છે. આ સીવાય સ્મશાનમાં ખાવાનુ લઈને જવાય નહી. ચૌદસે સ્મશાન તરફ જવાય નહી તેવી કેટલીક માન્યતાઓ પ્રવર્તતી રહી છે. કાળી ચૌદસના દિવસને લઈને લોકોમાં ફેલાયેલી અંધશ્રધ્ધા દુર કરવા માટે વિસનગરના અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા પટણી દરવાજા સાર્વજનિક સ્મશાનગૃહમાં તા.૨૬-૧૦-ર૦૧૯ને શનિવારે કાળી ચૌદશે એક અનોખો કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. જે દિવસે રાત્રે ૮-૦૦ થી ૧૦-૩૦ કલાક દરમ્યાન સ્મશાનમાં ગત દિવાળીથી આ દિવાળી સુધીમા જેમના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હોય તે સ્વર્ગસ્થોને પ્રથમ શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. સ્મશાનગૃહને રોશનીથી શણગારવામાં આવશે. આતશબાજી કરવામાં આવશે અને છેલ્લે મહાપ્રસાદ આપવામાં આવશે.
અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સ્મશાનગૃહને અત્યાધુનિક બનાવવામા આવ્યુ છે. પરંપરાગત અગ્નિદાહ માટેની સગડી ઉપરાંત બે થી ત્રણ મણ લાકડામાં અગ્નીસંસ્કાર કરી શકાય તેવી ચેમ્બર તથા ગેસ ચેમ્બરની પણ સગવડ કરવામાં આવી છે. નહાવા ધોવાના બાથરૂમની વ્યવસ્થા છે. ત્યારે શહેર અને ગામડાના ઘણા લોકો એવા છે કે સ્મશાનગૃહની મુલાકાત લીધી નથી. લોકોમાંથી કાળી ચૌદશની અંધશ્રધ્ધા દુર થાય તેમજ નવતર કાર્યક્રમ થકી આધુનિક સ્મશાનગૃહ થી મુલાકાત લઈ સુવિધાઓથી વાકેફ થાય તે માટે યોજવામાં આવેલ આ કાર્યક્રમમા શહેર અને તાલુકાની જાહેર જનતા ઉપરાંત તમામ જ્ઞાતિ અને સમાજના પ્રમુખ, મંત્રી તેમજ કારોબારી સભ્યો તથા મહિલાઓને જાહેર આમંત્રણ આપવામા આવ્યુ છે.

મૃતદેહ રાખવા ડીપ ફ્રીઝનું દાન
અંતિમ વિસામો ટ્રસ્ટમાં હજુ પણ માતબર દાનની આવક

અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા જ્યારથી સાર્વજનિક સ્મશાનગૃહ અદ્યતન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારથી દાનનો અવિરત પ્રવાહ શરૂ થયો છે. જે ટ્રસ્ટમાં હજુ પણ માતબર દાનની આવક થઈ રહી છે. સ્મશાનની મુખ્ય ઓફીસ માટે સ્વસ્તિક મિત્ર મંડળના સભ્યો દ્વારા રૂા.૫,૫૧,૦૦૦/- નું માતબર દાન આપવામાં આવ્યુ છે. કુટીરના દાતા તરીકે પાલિકાના પૂર્વ કોર્પોરેટર સમાજ અગ્રણી પટેલ નારાયણભાઈ હરગોવનદાસ(પ્રગતિ) દ્વારા રૂા.૨,૫૧,૦૦૦/- નું દાન આપવામાં આવ્યુ છે. તાલુકાના વિવિધ ગામના લોકો પણ હવે સાર્વજનિક સ્મશાનગૃહમાં અગ્નીસંસ્કાર કરી રહ્યા છે. ત્યારે સમસ્ત ઘાઘરેટ ગ્રામજનો દ્વારા બે ત્રણ દિવસ મૃતદેહ રાખી શકાય તે માટે ડીપ ફ્રીઝનું દાન આપવામાં આવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us