Select Page

એસ.કે.યુનિવર્સિટીમાં ૭૧૨ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

એસ.કે.યુનિવર્સિટીમાં ૭૧૨ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

કર્મવીર સ્વ.શેઠ શ્રી સાંકળચંદભાઈ પટેલના ૩૩ માં નિર્વાણ દિન નિમિત્તે શ્રધ્ધાંજલિ અપાઈ

એસ.કે.યુનિવર્સિટીમાં ૭૧૨ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિસનગરના પ્રેરણામૂર્તિ કર્મવીર સ્વ.શેઠ શ્રી સાંકળચંદભાઈ પટેલના ૩૩ મા નિર્વાણ દિન નિમિત્તે ગત ગુરુવારે વિસનગર શહેરમાં ગંજબજાર, નૂતન સ્કુલ કેમ્પસ, ત્રણ દરવાજા ટાવર, આદર્શ વિદ્યાલય, ના.વિ.કન્યા વિદ્યાલય, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ સ્વ.શેઠ શ્રી સાંકળચંદ દાદાની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નૂતન સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દાદાના સ્મરણોને યાદ કરવાના ભાગરૂપે ભવ્ય રેલી યોજાઈ હતી. આ પ્રસંગે સ્વ. શેઠ શ્રી સાંકળચંદ દાદાના પૌત્ર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ પ્રકાશભાઈ પટેલે પ્રતિમાને ફુલહાર કરી દાદાના સંસ્મરણોને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ પટેલ સહીત મંડળના મંત્રી, ટ્રસ્ટીશ્રીઓ, વિસનગર તાલુકા મજુર સહકારી મંડળીના ચેરમેન પી.સી.પટેલ, વિસનગરના અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રીવાસ્તવ સાહેબ, ફેકલ્ટીના ડીન તેમજ નૂતન પરિવારે હાજર રહી સ્વ. દાદાને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ આપી હતી.
• નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૭૧૨ યુવા વિદ્યાર્થીઓને પદવી તથા ૨૮ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયા
• શિક્ષણ થકી રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ-જીવન મૂલ્યો સર્જવાનું કામ શિક્ષણ કરે છે-નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ
આ પ્રસંગે સાંજે ૪-૩૦ કલાકે એસ.કે.યુનિવર્સિટીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિવિધ ફેકલ્ટીના ૭૧૨ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતુ. આ ઉપરાંત્ત કોલેજના ૨૮ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણનો હેતુ આજીવિકા સાથે સમાજ દાયિત્વનો હોવો જરૂરી છે. શિક્ષણનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે કરવા યુવા વર્ગને અપીલ કરી હતી. વધુમાં તેમને ઉમેર્યુ હતું કે ભારત યુવાઓનો દેશ છે. સરકાર પણ યુવાનોના હિત માટે વિવિધ યોજનાઓ થકી યુવાનોના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે. સરકાર વિદ્યાર્થીઓનું હિત જાળવવા નવીન યોજનાઓ અમલમાં મુકી રહી છે. રાજ્યમાં વાયબ્રન્ટ સમીટ થકી નવીન રોજગારીની તકો સાંપડી છે જેનો સીધો ફાયદો યુવાનોને મળ્યો છે. તેમજ આગામી સમયમાં યુવાનોની સ્કીલ ડેવલપમેન્ટ થાય તે માટે ટાટા ગ્રપ દ્વારા રાજ્યમાં કલોલ નજીક સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ થવા જઈ રહ્યુ છે. આ સેન્ટરના અધિકારીઓના જણાવ્યા મુજબ સમયની માંગ પ્રમાણે ટુંકા ગાળાના અને લાંબા ગાળાના કોર્સ શરૂ થનાર છે. આ સેન્ટરમાં દેશ-વિદેશના નિષ્ણાંતો દ્વારા શિક્ષકોને તાલીમ અપાશે. જે શિક્ષકો યુવા વર્ગને તાલીમ આપશે ત્યારે રાજ્યના યુવાનોને સીધો ફાયદો થશે તેમ જણાવી પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
જ્યારે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે ઉચ્ચ અભ્યાસક્રમ બાદ પદવી પ્રાપ્ત કરેલ સર્વે વિદ્યાર્થી મિત્રોને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી જણાવ્યુ હતું કે, યુનિવર્સિટી હંમેશા તેમના શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ઠ ભવિષ્ય માટે સદાય અવિરત મદદરૂપ રહેશે તેવી ખાતરી આપી હતી. વિશેષમાં કેમ્પસ ખાતે કાર્યરત મેડિકલ કોલેજ તથા અન્ય નવીન ઘણા પ્રોજેક્ટસ દ્વારા નજીકના ભવિષ્યમાં સમગ્ર ઉત્તમ ગુજરાતને બહોળો લાભ મળી રહેશે. આ સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓ એન્જીનીયરીંગ (એમ.ટેક.), ફાર્મસી (એમ.ફાર્મ), નર્સિંગ, પી.જી. ડી.સી.એ., એમ.બી.એ., એમ.સી.એ., બી.એસ.સી., એમ.એસ.સી., બી.કોમ. તથા એમ.કોમ.ના મળી કુલ ૭૧૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ અભ્યાસક્રમોમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર ૨૮ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા.
આ પ્રસંગે વિસનગરને મેડિકલ કોલેજ મળવા બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વિસનગર તાલુકા મજુર સહકારી મંડળીએ આપેલ માતબર દાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ, સામાજીક કાર્યકર સોમભાઈ મોદી, એસ.કે.યુનિ.ના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, ઉંઝા ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલ, ચોયાર્સી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ ચૌધરી, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કે.કે.ચૌધરી, એસ.કે. યુનિ.ના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us