Select Page

વિસનગરમાં રૂા.૩૦૦ કરોડના ઉઠમણાની તપાસ LCBને સોપાઈ

વિસનગરમાં રૂા.૩૦૦ કરોડના ઉઠમણાની તપાસ LCBને સોપાઈ

ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટના ત્રીભોવન પટેલનો વાયદો ફોક-રોકાણકારોમાં રોષ

વિસનગરમાં રૂા.૩૦૦ કરોડના ઉઠમણાની તપાસ LCBને સોપાઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રોકાણકારોને ૧૦ થી ૧૫ ટકાનુ માસીક ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી કાંસા ચાર રસ્તા પાસે આવેલી ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટ નામની ફાયનાન્સ પેઢી દ્વારા રૂા.૩૦૦ કરોડ ઉપરાંત્ત ઉઘરાવી હાથ અધ્ધર કરી દેતા રોકાણકારો રાતાપાણીએ રોયા છે. દિવાળી પહેલા પૈસા પાછા આપવાનો ફાયનાન્સ પેઢીના સંચાલકનો વાયદો ફોક થતાં રોકાણકારો હવે અધીરા બન્યા છે. લગભગ ૨૫ જેટલા રોકાણકારોએ આ બાબતે મહેસાણા એલ.સી.બી.સમક્ષ રજુઆત કરતા એલ.સી.બી. પી.આઈ. એસ.એસ. નિનામાએ રોકાણકારોને ન્યાય અપાવવા તપાસ હાથ ધરી છે.
વિસનગરમાં કાંસા ચાર રસ્તા પાસેના તિરૂપતી રો-હાઉસના ત્રીજા માળે ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટના નામની આકર્ષિત કરે તેવી કુલ ફર્નિશ્ડ અદ્યતન ઓફીસ બનાવી પેઢીના ભાગીદાર ત્રીભોવનભાઈ રામાભાઈ પટેલ અને તેમનો પુત્ર આકાશ ત્રીભોવનભાઈ પટેલે રોકાણકારોને ડીપોઝીટ ઉપર માસીક ૧૦ થી ૧૫ ટકા ઉંચુ વ્યાજ આપતા હોવાથી રોકાણકારોની લાઈનો લાગી હતી. રોકાણકારોને ફસાવવામાં કેટલાક વચોટીયા પણ જવાબદાર છે. વચોટીયાઓ ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટમાં ઉંચુ વ્યાજ મળે છે તેમ કહી રોકાણકારોને રોકાણ કરવા લલચાવતા હતા. આ ફાયનાન્સ પેઢી દ્વારા આર.ટી.જી.એસ.થી ડીપોઝીટ લેવામાં આવતી હતી અને વ્યાજ પણ આર.ટી.જી.એસ.થી આપવામાં આવતુ હતુ. ત્યારે બેંકીંગ વ્યવહાર થતો હોવાથી રોકાણકારો વિશ્વાસ મુકી ઉંચા વ્યાજના વળતરની લાલચમાં ફસાયા હતા. આ પેઢી દ્વારા માર્ચ મહિનાથી વ્યાજ આપવાનુ બંધ કરવામાં આવતા રોકાણકારોના જીવ તાળવે ચોટી ગયા હતા. જે લોકો જુના રોકાણકાર હતા તેમને મુડી કરતા અનેકઘણુ મળ્યુ હોવાથી ચુપ હતા. જ્યારે નવા હતા તે આબરૂ જવાના ડરથી ચુપ હતા.
અગાઉ બારડોલીના એક રોકાણકારે રૂા.૧.૫૩ કરોડની છેતરપીંડીની વિસનગર પોલીસ સ્ટેશને અરજી આપી હતી
રોકાણકારો પૈકી બારડોલીના રાજેન્દ્રકુમાર રતીલાલ પટેલે આ ફાયનાન્સ પેઢીમાં આર.ટી.જી.એસ.થી તથા રોકડના રૂા.૧,૭૭,૫૦,૦૦૦/- નુ રોકાણ કર્યુ હોવાનુ, તેની સામે રૂા.૨૩,૫૪,૭૬૨/- પરત કર્યા હોવાનુ જણાવી બાકીના રૂપિયા પરત કરવા ઠાયાઠૈયા કરતા રૂા.૧,૫૩,૯૫,૮૩૮/- ની છેતરપીંડીની ફરિયાદ કરવા વિસનગર પોલીસ સ્ટેશને અરજી આપી હતી. ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટના ભાગીદાર ત્રીભોવનભાઈ પટેલ, આકાશ પટેલ અને વચોટીયા વિરુધ્ધની આ અરજીથી છેતરપીંડીનો ફુગ્ગો ફૂટી ગયો હતો. બારડોલીના રોકાણકારની આ અરજી બાદ ટી.આર.પટેલે ૩૦૦ કરોડનુ ઉઠમણુ કર્યુ હોવાની ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ ટી.આર.પટેલે રોકાણકારોને સાંત્વના આપતા એક ઓડીયો ક્લીપ પણ ફરતી કરી હતી. દિવાળી સુધીમાં રોકાણકારોને પૈસા પાછા આપવાનો વાયદો હતો. ફાયનાન્સ ઓફીસ રાતોરાત વેચી મારી રૂા.૩૦૦ કરોડના ઉઠમણાના છ માસ બાદ પણ રોકાણકારોને એક કોડી પણ નહી મળતા હવે રોકાણકારો અધીરા બન્યા છે. ઉંચા વ્યાજના વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવનાર ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટના ટી.આર.પટેલ સામે હવે ૨૦ થી ૨૫ રોકાણકારોએ બાયો ચડાવી છે. આ રોકાણકારો મહેસાણા એલ.સી.બી. પી.આઈ. એસ.એસ.નિનામા સમક્ષ રજુઆત કરી હતી કે, ટી.આર.પટેલે ટુકડે ટુકડે પૈસા આપવાનુ વચન આપ્યુ હતુ. બે મહિનાથી રૂપિયા ન આપતા પોલીસ સમક્ષ રજુઆત કરવાની ફરજ પડી છે. ઉત્તર ગુજરાતના લગભગ ૪૦૦૦ જેટલા રોકાણકારોના રૂપિયા ઉઘરાવી ઉઠમણુ કરનાર ગુરૂદેવ ઈન્વેસ્ટમેન્ટના ભાગીદાર પિતા પુત્ર અને વચોટીયાઓને શકંજામાં લેવા પોલીસે તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us