Select Page

વિસનગરમાં રેશનીંગ જથ્થો વગે કરનાર સંચાલક સામે તપાસ

વિસનગરમાં રેશનીંગ જથ્થો વગે કરનાર સંચાલક સામે તપાસ

મામલતદારે પુરવઠા ટીમ સાથે રેડ કરતાજ કાર્ડધારકોએ રોષ ઠાલવ્યો

વિસનગરમાં રેશનીંગ જથ્થો વગે કરનાર સંચાલક સામે તપાસ

• મામલતદારે રૂબરૂ તપાસ કરી તે વખતેજ સંચાલક દારૂના નશામાં ધૂત હતો
• રેશનીંગ કાર્ડમાં સહી થાય છે, અંગુઠો લેવાય છે અને જથ્થો અપાતો નહી હોવાની મોટાભાગના કાર્ડધારકોની ફરિયાદ
• દારૂ પી મહિલાઓને બીભીત્સગાળો બોલી રેશનીંગ જથ્થો નહી આપનાર સંચાલક વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા નમો નમો મોરચા દ્વારા આવેદન અપાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં દારૂના નશામાં આવી રેશનીંગ કાર્ડધારકોને ગાળો બોલનાર, રેશનીંગ જથ્થો નહી આપનાર, વજનમાં ઓછો જથ્થો આપનાર રેશનીંગ સંચાલક સામે કાર્ડધારકોનો રોષ જોઈ મામલતદારે પુરવઠા ટીમ સાથે રૂબરૂ તપાસ કરી હતી. જે સમયે રેશનીંગ કાર્ડધારકો આવી પહોચતા મામલતદારને રોષનો ભોગ બનવુ પડ્યુ હતુ. શરમની બાબત છેકે મામલતદાર તપાસ કરવા આવ્યા તે વખતેજ રેશનીંગ સંચાલક નશામાં ધૂત હતો. રેશનીંગ સંચાલક સામે કડક કાર્યવાહી કરવા નમો નમો મોરચા દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યુ હતુ.
વિસનગરમાં દિપરા દરવાજા ગંજીના ઢાળમાં આવેલ બાબા આંબેડકર ગ્રાહક સહકારી ભંડાર નામની રેશનીંગની દુકાનમાં કાર્ડધારકો સવારે ૫-૦૦ કલાકે લાઈનમાં ઉભા રહેવા છતાં જથ્થો નહી મળતા તા.૧૧-૧૨-૧૯ ના રોજ કાર્ડધારકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જે હોબાળાના ૬ દિવસ બાદ વિસનગર મામલતદાર બી.જી.પરમાર, નાયબ પુરવઠા મામલતદાર પ્રીયલબેન દેસાઈએ પુરવઠા ટીમ સાથે તા.૧૭-૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાકે રેશનીંગ દુકાનની રૂબરૂ મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. તપાસમાં મામલતદાર આવ્યા હોવાનુ માલુમ પડતાજ રેશનીંગ કાર્ડધારકો મોટી સંખ્યામાં રેશનીંગ દુકાને પહોચી ગયા હતા. રેશનીંગ કાર્ડધારકોએ મામલતદાર આગળ રોષ ઠાલવ્યો હતો કે, સંચાલક કાયમ દારૂના નશામાં ધૂત થઈને આવે છે. મસાલા ખાઈને અનાજનો જથ્થો પડ્યો હોય ત્યાં થૂંકીને ગંદકી કરે છે. ફીંગર માટે દરેક કાર્ડધારક પાસે રૂા.૫ લેવામાં આવે છે. કાર્ડમાં સહી કરાય છે, ફીંગર લેવાય છે. પછી બીજા દિવસે આવવાનુ જણાવી જથ્થો આપવામાં આવતો નથી. બીજા દિવસે રેશનીંગ જથ્થો લેવા જઈ પુછપરછ કરવામાં આવે તો નાગી ભૂંડી ગાળો બોલવામાં આવે છે. સંચાલક મહિલાઓનુ પણ માન જાળવતો નથી અને ગાળો બોલે છે. આ સંચાલક સામે અગાઉના મામલતદારો, ધારાસભ્ય, સાંસદ સભ્ય સમક્ષ રજુઆત કરવા છતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. સંચાલક જથ્થો આપતો નથી, જથ્થો આપે છેતો વજનમાં ઓછુ આપે છે. જથ્થો બારોબાર વેચી મારે છે જેવી અનેક ફરિયાદો કાર્ડધારકોએ મામલતદારને કરી હતી. જોકે તપાસ માટે આવેલા મામલતદારે રેશનીંગ દુકાનદારનો બચાવ કરતા હોય તેમ લાગતા કાર્ડધારકોમાં વધારે રોષ ફેલાયો હતો. આ સમયે નમો નમો મોરચાના હોદ્દેદારો આવી આક્ષેપ કર્યો હતો કે, ઉપરથી કોઈ ઉચ્ચ અધિકારીના દબાણમાં આવી મામલતદાર સંચાલકની તરફેણ કરતા હોય તેમ લાગે છે. તપાસ કરવાનુ નાટક ચાલી રહ્યુ છે. જોકે મામલતદાર તપાસ કરવા ગયા તે સમયેજ સંચાલક નશામાં ધૂત હતો. મોઢામાંથી દારૂની પુષ્કળ વાસ આવતી હતી. લથડીયા ખાતો હતો. મામલતદારની પુછપરછમાં જવાબ આપવા સક્ષમ નહોતો. જે જોઈને કહી શકાય કે નશાખોર રેશનીંગ સંચાલકની કાર્ડધારકોને કેટલી હેરાનગતી હશે?
બીજા દિવસે નમો નમો મોરચા(ભારત) સંગઠનના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ કડીયા તથા અન્ય હોદ્દેદારોએ મામલતદાર બી.જી.પરમારને આવેદન આપી રેશનીંગ સંચાલક સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવા માગણી કરી હતી. તે સમયે મામલતદારે જણાવ્યુ હતું કે, નાયબ મામલતદારોની હડતાલના કારણે તપાસમાં વિલંબ થયો હતો. હડતાલ સમેટાઈ એના બીજાજ દિવસે તપાસ કરી છે. જેમાં કોઈપણ શેહશરમ વગર કડક કાર્યવાહી થશે. સંચાકલ નશો કરીને આવ્યો તે વખતે પોલીસને એટલા માટે જાણ કરવામાં ન આવી કે પોલીસ કાર્યવાહી કરે તો પુરવઠા ટીમની તપાસ અટકી પડે તેમ હતી. મામલતદારે રેશનીંગ સંચાલક વિરુધ્ધ જીલ્લા પુરવઠામાં રીપોર્ટ મોકલી આપ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
રેશનીંગ દુકાનદાર સામે કડક કાર્યવાહી થાય તે માટે આ વોર્ડના પાલિકા સભ્ય રંજનબેન પરમારના પતિ પૂર્વ કોર્પોરેટર દર્શનભાઈ ભીખાભાઈ પરમાર(જોલી)એ રેશનીંગ કાર્ડધારકોનો પ્રથમ હોબાળો થયો તે દિવસે મામલતદારની રૂબરૂ મુલાકાત કરી હતી. જે સમયે મામલતદારે ૧૫ દિવસમાં તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. મામલતદારે આપેલી બાહેધરી પ્રમાણે તા.૧૭-૧૨-૧૯ ના રોજ જાત તપાસ કરી હતી અને ભવિષ્યમાં કાર્ડધારકોને કોઈ કનડગત થાય નહી તેની ખાત્રી આપી હોવાનુ દર્શનભાઈ પરમારે જણાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us