Select Page

તંત્રી સ્થાનેથી…ચાઈનીઝ દોરી માટે સરકારે કાયદો બનાવવોજ પડશે

તંત્રી સ્થાનેથી…ચાઈનીઝ દોરી માટે સરકારે કાયદો બનાવવોજ પડશે

તંત્રી સ્થાનેથી…

ગત વર્ષ કરતા જેનો બમણો વપરાશ થયો તેવી

ચાઈનીઝ દોરી માટે સરકારે કાયદો બનાવવોજ પડશે

ગુજરાત રાજ્યના પોલીસવડા એમ સમજે છેકે કેરાલાની જેમ ગુજરાતમાં તમામ લોકો શિક્ષીત અને સભ્ય છે. જેથી તે દર વર્ષે ચાઈનીઝ દોરી પ્રતિબંધનુ જાહેરનામું બહાર પાડે પોલીસતંત્ર એક બે દુકાનદારો પાસેથી ચાઈનીઝ દોરી જપ્ત કરે પછી શું? જાહેરનામુ એટલે ૧૪૪ ની કલમ ચાર માણસોની વધારે લોકો ભેગા થાય એટલે તેમની અટકાયત કરવાની પોલીસ સ્ટેશને લઈ જવાના ત્યારબાદ ફરીથી ભેગા નહિ થાય તેવી બાહેધરી લઈ છોડી મૂકવાના અને ફરીથી ભેગા થાય તો પોલીસની કાર્યવાહી એની એજ કરવાની. આવું જ કઈ ચાઈનીઝ દોરીમાં છે. ચાઈનીઝ દોરી રાખવી, વેચવી તે રાજ્ય પોલીસવડાના જાહેરનામાનો ભંગ છે. ચાઈનીઝ દોરી જપ્ત કરી તેનો નાશ કરવાનો, ચાઈનીઝ દોરી વેચનાર કે રાખનાર સામે કોઈ ગુનો બનતો નથી ફક્ત જાહેરનામા ભંગનો ગુનો બને છે. ચાઈનીઝ દોરી ઘાતક છે. જે મનુષ્યને ઈજાઓ પહોંચાડી મૃત્યુ પણ પમાડે છે. મનુષ્ય માટે ઘાતક રીવોલ્વર વગર લાયસન્સે રાખવી, વેચવી તે ગુનો છે. અને લાયસન્સ વાળી રીવોલ્વરથી તમારી ઉપર હુમલો કરનારને ઈજા પહોચાડાય તો રીવોલ્વર રાખનારને તેના અનેક જવાબો આપવા પડે. જ્યારે ચાઈનીઝ દોરીથી અનેક લોકો ઘાયલ થાય કેટલાક મૃત્યુ પામે તેના આંકડા ચોકાવનારા છે. અમદાવાદ ૨૯૯ લોકો ચાઈનીઝ દોરીથી ઘાયલ થયા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ૩૨૪ લોકો ચાઈનીઝ દોરીથી ઘાયલ થયા અને આખા ગુજરાતમાં ચાઈનીઝ દોરીથી ઘાયલ થનારની સંખ્યા હજ્જારોમાં થાય છે. ઘાયલ થયેલા કેટલાક લોકો મૃત્યુ પામશે. આવી મનુષ્ય વધ કરનારી દોરીના પ્રતિબંધ માટે ફક્ત રાજ્ય પોલીસવડાનું જાહેરનામુ પૂરતુ છે? ચાઈનીઝ દોરીનો વપરાશ ગત વર્ષ કરતાં આ વખતે ડબલ થયો હોય તેવું દેખાતુ હતું. અત્યાર સુધી ચાઈનીઝ દોરી શ્રમજીવી વિસ્તારમાં અને ઓછા ભણેલા લોકોના વિસ્તારમાં જોવા મળતી હતી. પણ આ વખતે શિક્ષીત પોશ વિસ્તારમાં પણ ચાઈનીઝ દોરી જોવા મળી છે. તેનુ કારણ છે સાદી દોરી વાપરવા વાળાના પતંગ ચાઈનીઝ દોરી વાપરવા વાળા સામે ટકે નહિ કપાઈ જાય. પતંગ રસીયાઓને ફરજીયાત ચાઈનીઝ દોરી વાપરવા માટે પ્રેરાવુ પડ્યુ છે. ચાઈનીઝ દોરી વાપરવાનુ બીજુ કારણ મોઘવારી છે. ચાઈનીઝ દોરી ૧૫૦ રૂપિયામાં ૫૦૦૦ વાર મળતી હતી જ્યારે ભારતીય દોરી ૭૫૦ રૂપિયામાં ૫૦૦૦ વાર તૈયાર દોરી વેચાતી હતી. તો મધ્યમ વર્ગ કઈ બાજુ ખેંચાય? ચાઈનીઝ દોરી ઉપર આ વર્ષે પોલીસ ખાતાની ભીંસ વધતા જાહેર રોડ ઉપરની દુકાનો ઉપર દોરી વેચાવાની બંધ થઈ ગઈ હતી. જેથી ડીમાન્ડ કોલ ઉપર દારૂની હોમ ડીલેવરી બુટલેગરો કરે છે તે રીતે ચાઈનીઝ દોરીનો વેપાર થયો. ચાઈનીઝ દોરીનો વેપાર કરનાર કમાઈ ગયા એટલે આવતા વર્ષે આના કરતાં ચાઈનીઝ દોરીનો વ્યાપ વધશે. અને ઘાયલ થનારની સંખ્યા પણ વધશે. ભારત જીવદયાપ્રેમી હિંદુ રાષ્ટ્ર છે. જેમાં હિન્દુઓની મોટી આબાદી છે તેવા ગુજરાતમાં ચાઈનીઝ દોરીથી અનેક મુંગા પ્રાણીઓની હત્યા થાય તે કેટલા અંશે વ્યાજબી છે? એટલે સરકારે આગામી વર્ષથી ચાઈનીઝ દોરીના વપરાશને નેસ્તનાબુદ કરવા માટે જાહેરનામાની જગ્યાએ કાયદો બનાવવો પડશે. જેમ દારૂ વેચનાર રાખનાર અને વાપરનાર ગુનેગાર બને છે તે રીતે ચાઈનીઝ દોરી વેચનાર, ચાઈનીઝ દોરી રાખનાર, ચાઈનીઝ દોરીને કાચ પાનાર અને ચાઈનીઝ દોરીને વાપરનારને ગુનેગાર બનાવવા પડશે. જો કોઈ ચાઈનીઝ દોરી વાપરતો પાડોશીના ધ્યાનમાં આવે તો તે પોલીસને જાણ કરી શકશે અને ચાઈનીઝ દોરી વાપરનાર સામે ગુનો બનશે. તેણે ક્યાંથી દોરી ખરીદી, ક્યાં દોરી પવરાવી. આ બધા સામે તપાસ થઈ ગુનો બનશે તોજ ચાઈનીઝ દોરીનો વ્યાપ અટકશે. ચાઈનીઝ દોરી માટે સરકાર અત્યારથીજ કાયદો બનાવશે તો મે-જૂન મહિનામાં દોરીના વેપારી સોદા થતા હોય છે. તે મોટા હોલસેલ વેપારીઓ સોદા કરતા અટકી જશે તો આવતા વર્ષે ચાઈનીઝ દોરી બંધ થઈ જશે. અત્યારે તો ચાઈનીઝ દોરી સામે પોલીસ તંત્ર લાચાર છે. દેશના મહામૂલુ હુંડીયામણ બચાવવા ભારતના દોરી ઉદ્યોગને રક્ષણ આપવા, દેશવાસીઓની રક્ષા કરવા માટે સરકારે ચાઈન
ીઝ દોરી અટકાવવી પડશે.

નોંધ :- આ તંત્રી લેખ ઉત્તરાયણ પછી એટલા માટે લખવો પડ્યો છેકે સરકાર અત્યારથી જાગશે તો જ આવતા વર્ષે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ આવી શકે…તંત્રી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us