Select Page

૧૯૦ માંથી ૫૩ દર્દિઓમાં ડાયાબિટીક રેટીનોપેથી જણાયુ

૧૯૦ માંથી ૫૩ દર્દિઓમાં ડાયાબિટીક રેટીનોપેથી જણાયુ

જ્યોતિ હોસ્પિટલ દ્વારા આંખની નિઃશુલ્ક તપાસમાં

૧૯૦ માંથી ૫૩ દર્દિઓમાં ડાયાબિટીક રેટીનોપેથી જણાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ડાયાબીટીસના કારણે આંખમાં ધુંધળુ દેખાવુ તો ક્યારેક દ્રષ્ટીહીન બની જવાતુ હોય છે. ત્યારબાદ થયેલ નુકશાનની કોઈ સારવાર નથી. જ્યોતિ હોસ્પિટલ સુવર્ણ જયંતિ ઉજવણીના ભાગરૂપે આંખની નિઃશુલ્ક તપાસ કેમ્પ યોજવામાં આવેલ. જેમાં ૧૯૦ માંથી ૫૩ દર્દિઓને ડાયાબિટીક રેટીનોપેથીની અસર જણાઈ હતી.
જ્યોતિ ટ્રસ્ટ સંચાલીત જ્યોતિ આંખની હોસ્પિટલ ખાતે સુવર્ણ જયંતી ઉજવણીના ભાગરૂપે ડાયાબિટીક પેશન્ટો માટે તા.૧૦-૧ થી ૨૫-૧-૨૦૨૦ સુધી આંખની નિઃશુલ્ક તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૧૯૦ દર્દિઓએ લાભ લીધો હતો. જેમાંથી ૫૩ દર્દિઓને ડાયાબિટીક રેટીનોપેથી જણાવેલ. ૨૭ દર્દિઓને આંખના પડદાનુ સીટી સ્કેન વિનામુલ્યે કરવામાં આવેલ. બે દર્દિઓને આંખમાં લોહી વધારે હોવાથી આંખની સોનોગ્રાફી કરવામાં આવી હતી. ૧૯ દર્દિઓને ડાયાબીટીસના કારણે આંખમાં પડદા પર આવેલો સોજો ઉતારવા આંખમાં ઈન્જેક્શન તથા લેસર સારવાર રાહતદરે કરવામાં આવી હતી. બે દર્દિઓને ડાયાબીટીસના કારણે આંખમાં લોહી આવી ગયેલ હોવાથી રાહતદરે ઓપરેશન માટે સૂચવ્યા હતા.
ડાયાબિટીક રેટીનોપેથી શુ છે તે બાબતે જ્યોતિ હોસ્પિટલના ર્ડા.વિતાંક જોષીએ સમજ આપી હતી કે, ડાયાબીટીસથી આંખમાં ઝાંખપથી માંડી અંધત્વ સુધીની તકલીફ નોતરી શકે છે. આ અસરથી એકવાર દ્રષ્ટી ગુમાવ્યા પછી પાછી મેળવી શકાતી નથી. ડાયાબિટીક રેટીનોપેથી શરૂઆતનો તબક્કો છે. ડાયાબીટીસના દર્દિઓને આંખમાં જોવાની શક્તી સામાન્ય હોય અને તેમાં કંઈ ખામી થાય તો સમયસર ચકાસણી જરૂરી છે. ર્ડાક્ટરની સારવારથી ડાયાબિટીક રેટીનોપેથીનો વધારો અટકાવી શકાય છે. ડાયાબિટીક રેટીનોપેથીની અસરથી નાજુક રક્તવાહીનીઓ બ્લોક થઈ જતી હોય છે. જોકે આમ બને તો કુદરતી રીતે નવી રક્તવાહિનીઓ ફુટવાની પ્રક્રિયા થાય છે. કમનસીબે નવી રક્તવાહિનીઓ નબળી રેટીના(પડદા)ની સપાટી પર અને વીટ્રીયસની અંદર વિકાસ પામે છે. પરિણામે આંખમાં રક્તસ્ત્રાવ થાય છે. કાળા ડાઘા પડે છે અને તેથી પડદો ખેચાય છે. પડદો તૂટી જાય છે. નવી રક્તવાહિનીઓ જોવાની શક્તી ઉપર ભાગ્યેજ અસર કરતી હોય છે. ધીમે ધીમે આવા રક્તસ્ત્રાવ કે પડદો તુટી જવાથી જોવાની શક્તી ઓછી થતી જાય છે. જો સમયસર તેની જાણ થાય તો મોટાભાગની સાઈડ ઈફેક્ટ રોકી શકાય છે. ડાયાબિટીક રેટીનોપેથીની સમયસરની સારવારથી અંધાપો થતો અટકાવી શકાય છે અને બચાવી શકાય છે. ડાયાબીટીસના દર્દિઓને જોવાની શક્તીમાં ગરબડ લાગે તો આંખને વધુ નુકશાન થતુ અટકાવવા તાત્કાલીક તપાસ કરાવવી જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us