Select Page

ડમ્પીંગ સ્ટેશનની આગથી ૩ કી.મી.વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ

ડમ્પીંગ સ્ટેશનની આગથી ૩ કી.મી.વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ

આગ લાગ્યાની અફવાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા

ડમ્પીંગ સ્ટેશનની આગથી ૩ કી.મી.વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ

ફતેહ દરવાજા વિસ્તારમાં પાંચ ફૂટ દૂર જોઈ ન શકાય તેવુ ગાઢ ધુમ્મસ છવાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સુંશી રોડ ઉપરના ડમ્પીંગ સ્ટેશનમાં લાગેલી આગથી આસપાસના ત્રણ કી.મી. વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ ફેલાયુ હતુ. જાહેર રોડ ઉપર શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. પાલિકા ડમ્પીંગ સ્ટેશનની જગ્યા બદલી નહી શકતા લોકોનો રોષ હતો કે, ફરીથી જાહેર રોડ ઉપર કચરો ઠાલવી ચક્કાજામ કરાશે ત્યારે પાલિકાની આંખો ઉઘડશે. ડમ્પીંગ સ્ટેશનની ગંદકી અને ધુમાડાના પ્રદુષણથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસર હાથ ઉપર હાથ ધરી કેમ બેસી રહ્યા છે તેવા પ્રશ્ન સાથે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
વિસનગર શહેર વિસ્તારનો કચરો જ્યાં જ્યાં ઠલવાય છે તે સુંશી રોડ ઉપરનુ ડમ્પીંગ સ્ટેશનની જગ્યા બદલવામાં નહી આવતા, ડમ્પીંગ સ્ટેશનની ગંદકી અને વારંવાર લાગતી આગના ધુમાડાના પ્રદુષણથી લોકોનુ આરોગ્ય જોખમાઈ રહ્યુ છે. તા.૨૬-૨ ને બુધવારની રાત્રે ડમ્પીંગ સ્ટેશનના કચરામાં આગ લાગતા લગભગ ૩ કીમી સુધી ધુમાડાનુ પ્રદુષણ ફેલાયુ હતુ. ફતેહ દરવાજા પાણીની ટાંકી વિસ્તારમાતો પાંચ ફૂટ દૂર જોઈ ન શકાય તેવુ ગાઢ ધુમ્મસ ફેલાયુ હતુ. આ વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. પવન નહી હોવાથી સાંકડીશેરી અને મેઈનબજાર વિસ્તારના આકાશમાં ધુમાડો ફેલાતા નજીકમાં આગ લાગી હોવાની અફવાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ધુમાડો ફેલાતા સાંકડીશેરીના લોકો જાનીવાડામાં અને જાનીવાડાના લોકો સાંકડીશેરીમાં તપાસ કરવા ગયા હતા. ડમ્પીંગ સ્ટેશનમાં આગ લાગ્યાની જાણ થતાજ પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તથા બકુલભાઈ ત્રીવેદી ફાયર સ્ટેશન દોડી આવ્યા હતા. ફાયર ફાયટરની ટીમ મોકલી આગ હોલવી હતી.
ડમ્પીંગ સ્ટેશન પાસેજ રહેણાક વિસ્તાર હોવાથી ગંદકી અને ધુમાડાના પ્રદુષણથી લોકો ત્રાસી ગયા છે. પાલિકા દ્વારા ડમ્પીંગ સ્ટેશન ખસેડવા માટે કલેક્ટર પાસે જગ્યાની માગણી કરવામાં આવી છે. પરંતુ યોગ્ય રજુઆત અને કાર્યવાહીના અભાવે જગ્યા ફળવાતી નથી. બે વર્ષ પહેલા દિવાળીની રજાઓમાં ડમ્પીંગ સ્ટેશન બાબતે પાલિકાની નિષ્ક્રીયતાથી નારાજ થઈને લોકોએ જાહેર રોડ ઉપર કચરાના ટ્રેક્ટર ઠાલવી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. થોડા સમય પહેલાજ રબારી સમાજના યુવાનો અને મહિલાઓએ ડમ્પીંગ સ્થળે હોબાળો મચાવ્યો હતો. ડમ્પીંગ સ્ટેશનની ગંદકી સામે વારંવાર વિરોધ થવા છતાં પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી કે ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકની આંખ ઉઘડતી નથી. ડમ્પીંગ સ્ટેશનની આગથી ધુમાડો ફેલાતા લોકોનો રોષ હતો કે, રોગચાળો ફાટી નીકળે ત્યારે તંત્ર જાગે છે અને કાબુમાં લેવા કરોડોના ખર્ચા કરે છે. ડમ્પીંગ સ્ટેશનમાં આગના ધુમાડાથી ફતેહ દરવાજા વિસ્તારના લોકો કોઈ ગંભીર રોગનો ભોગ બનશે પછી પાલિકા તંત્ર જાગશે?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us