Select Page

તંત્રી સ્થાનેથી…મંદિરોની પાછળ કરોડો ખર્ચાતા રૂપિયા ઉદ્યોગ-શિક્ષણમાં વપરાય તો?

તંત્રી સ્થાનેથી…મંદિરોની પાછળ કરોડો ખર્ચાતા રૂપિયા ઉદ્યોગ-શિક્ષણમાં વપરાય તો?

તંત્રી સ્થાનેથી…

મંદિરોની પાછળ કરોડો ખર્ચાતા રૂપિયા ઉદ્યોગ-શિક્ષણમાં વપરાય તો?

પ્રવર્તમાન સંજોગોમાં મંદિરો બનાવવાની મોટા સમાજોમાં હોડ લાગી છે. કાઠીયાવાડમાં લેઉવા પાટીદાર સમાજે કરોડો રૂપિયાના ખર્ચે ખોડલધામ બનાવ્યુ. જે ધાર્મિક સ્થાન સાથે પર્યટક સ્થળ બની ગયું છે. સમગ્ર વિશ્વના કડવા પાટીદારો દ્વારા અમદાવાદ નજીક જાસપુર ગામ પાસે ૧૦૦ વીઘામાં વિશ્વનું ઊંચામાં ઊંચુ ૪૩૧ ફૂટનું ઉમિયા માતાજીનું મંદિર રૂપિયા ૧૦૦૦ કરોડના ખર્ચે બનાવવાનું છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ પર્યટક સ્થળ બનશે. મહેસાણામાં બે કરોડના ખર્ચે રામજીમંદિર બની રહ્યુ છે. જેનો શિલાન્યાસ ડેપ્યુટી સી.એમ.નીતિનભાઈ પટેલે કર્યો હતો. હિંમતનગરમાં પણ ઉમિયા માતાનું મંદિર બનાવાઈ રહ્યુ છે. ગુજરાતમાં એકપણ એવું ગામ નહિ હોય જ્યાં ૫૦ લાખ થી એક કરોડના ખર્ચે મંદિર ન બન્યું હોય. મંદિરો એ હિન્દુ ધર્મના આસ્થાનું પ્રતિક છે. ધર્મ પ્રત્યેની આસ્થાને લઈને હિન્દુ ધર્મ ટકી રહ્યો છે. હિન્દુ ધર્મમાં અનેક વાડા છે. આ બધા વાડાના ધર્મ ગુરૂઓ પોતાના ધર્મને ઊંચો દેખાડવા એક કરતાં એક ભવ્ય મંદિરો બનાવી રહ્યા છે. પણ પ્રશ્ન એ થાય છે કે મંદિરો પાછળ હિન્દુઓ કરોડો રૂપિયા કેમ ખર્ચી રહ્યા છે? જેટલા મંદિરો પાછળ રૂપિયા ખર્ચાય છે તેટલા રૂપિયા ઉદ્યોગ-ધંધા-શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે તો ગુજરાતમાં નોકરી કરનારની અછત ઊભી થાય? ગામડાઓમાં વિસ્તારવાઈઝ મંદિરો બનાવાય છે. તેની જગ્યાએ ગામડાઓમાં નાનુ હોસ્પિટલ ઊભુ કરાય, અદ્યતન શાળા બનાવાય, અદ્યતન બાલમંદિર બનાવાય, હોસ્પિટલ બને તો લોકોના આરોગ્યની જાળવણી થાય. બાલમંદિર અને શાળાઓમાં બાળકો શિક્ષણ લે. શાળાઓમાં કોમ્પ્યુટરોનું જ્ઞાન અપાય તો ભાવિ પેઢી વિશ્વમાં દેશનું નામ રોશન કરે. કેટલાક મંદિરોમાં ખર્ચાતા રૂપિયામાં હજ્જારો બેડની હોસ્પિટલો બને. અને તેમાં અનેક લોકો આરોગ્ય સેવા લઈ શકે. અનેક લોકોને રોજગારી મળે. કોલેજો ઊભી કરી તેમાં ઉચ્ચ શિક્ષણ અપાય તો ભાવિ પેઢીની ઉન્નતિ થાય. જે સમાજો મંદિરો બનાવે છે. તે સમાજો કોલેજો, હોસ્પિટલો, ઔદ્યોગિક એકમો બનાવે તેમાં ફક્ત તેમના સમાજને જ લાભ આપે તો પણ કંઈ ખોટુ ન કહેવાય. એકજ સમાજના માણસો ઉદ્યોગ-ધંધામાં લાગે તો બીજા સમાજોને આપોઆપ લાભ મળવાનો છે. છેવટે દેશની બેકારી જ ઘટવાની છે. પ્રવર્તમાન સંજોગોમાં બેકારીએ માઝા મૂકી છે. હજ્જારો શિક્ષીત યુવાનો બેકાર ફરી રહ્યા છે. તેવા સમયે ધર્મનો વ્યાપ વધારવાની જગ્યાએ ઉદ્યોગોનો વ્યાપ વધારવો જોઈએ, તો જ આ દેશની ઉન્નતિ થશે. ગગનચુંબી મંદિરો બનાવવાની જગ્યાએ જે તે માતાજી, ભગવાનની મૂર્તિઓ વિશ્વમાં કોઈ જગ્યાએ ન હોય તેટલી મોટી બનાવવામાં આવે તો પણ રમણીય પર્યટક સ્થળ બની જાય. આપણે પાશ્ચાત્ય દેશોની નકલો કરીએ છીએ તો પાશ્ચાત્ય દેશોમાં જીસસ ક્રાઈસ્ટના ચર્ચ બહુ ઉંચા હોતા નથી. પણ જીસસ ક્રાઈસ્ટની પ્રતિમા મોટી હોય છે. દરેક ક્ષેત્રે આપણે પાશ્ચાત્ય દેશોની નકલ કરીએ છીએ તો ભગવાનના ધામમાં કેમ નહિ. કેરાલા રાજ્ય દેશનું વધારેમાં વધારે શિક્ષીત રાજ્ય છે. જેમાં શિક્ષણની ટકાવારી ૯૫ ટકા ઉપર છે. આ રાજ્યમાં તમે પ્રવાસે જશો તો બીજા રાજ્યોની જેમ શેરીએ શેરીએ મંદિરો જોવા મળતા નથી. કેરાલામાં શિક્ષણનું પ્રમાણ વધારે છે અને મંદિરોનું પ્રમાણ ઓછું છે. આનું કારણ વિચારવા જેવુ છે. તંત્રીનો કહેવાનો ભાવાર્થ એટલો છેકે મંદિરો બનાવો પણ સાથે સાથે શિક્ષણ અને ઉદ્યોગોનો વિકાસ થાય તે સામે દૃષ્ટિ રાખો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us