Select Page

૧૫ મિલ્કતો સીલ-નળ કનેક્શન કાપ્યા વિસનગર પાલિકાની ૨૦૦૦ નોટીસો સાથે કડક વેરા વસુલાત

૧૫ મિલ્કતો સીલ-નળ કનેક્શન કાપ્યા વિસનગર પાલિકાની ૨૦૦૦ નોટીસો સાથે કડક વેરા વસુલાત

૧૫ મિલ્કતો સીલ-નળ કનેક્શન કાપ્યા
વિસનગર પાલિકાની ૨૦૦૦ નોટીસો સાથે કડક વેરા વસુલાત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકના માર્ગદર્શનમાં કડક વેરા વસુલાત શરૂ કરવામાં આવતા મિલ્કતધારકો દોડતા થયા છે. પાલિકાની ટીમ બાકીદારોના ઘરે ઉઘરાણી જતા આબરૂ જવાના ડરે બાકીદારો વેરો ભરી રહ્યા છે. ૮૦ ટકા ઉપરાંત્ત વેરા વસુલાત થાય તો પરફોર્મન્સ ગ્રાન્ટ મળતી હોવાથી ચીફ ઓફીસરે મિલ્કતધારકોને વેરો ભરી શહેરના વિકાસમાં સદભાગી બનવા અપીલ કરી છે.
૧૦૦ ટકા પરફોર્મન્સ ગ્રાન્ટ મળે તે માટે વેરો ભરી શહેરના વિકાસમાં સહકાર આપવા મિલ્કત ધારકોને ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકની વિનંતી
પાલિકાની સુવિધા અને વિકાસ જોઈતો હોય તો સમયસર ટેક્ષ ભરવાની પણ આપણી જવાબદારી છે. હિસાબી વર્ષનો અંતીમ માસ માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારે વિસનગર પાલિકાની કુલ વેરા વસુલાત રૂા.૯૧૬ લાખની સામે હજુ સુધી રૂા.૫૮૨ લાખની વસુલાત થઈ શકી છે. બાકીદાર વેરો ભરવામાં આળસ ખંખેરે તે માટે ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકના માર્ગદર્શનમાં વેરા વિભાગની ટીમે કડક વેરા વસુલાત શરૂ કરી છે. પાલિકા દ્વારા વેરા વસુલાત માટે ૨૦૦૦ નોટીસ આપવામાં આવી છે. ૧૫ રીઢા બાકીદારોની મિલ્કત સીલ કરવામાં આવી છે. નળ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. વેરા વસુલાત માટે પાલિકા પાસે સત્તાઓ હોવાથી બાકીદારો વેરા ભરવા નહી વિચારે તો મળેલી સત્તાઓનુ શસ્ત્ર ઉગામતા પણ વિચાર કરવામાં આવશે નહી તેમ પાલિકા સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
ઘર આગળ ઉઘરાણીયો આવે તો આબરૂ જવાનો ડર સૌને હોય છે. પાલિકા ટીમ દ્વારા અત્યારે રીઢા બાકીદારોના ઘરે જઈ બાકી વેરાની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. પાલિકાની વેરા વલુલાતની આ રીતથી બાકી વેરો ભરવા લોકો પાલિકા કાર્યાલયમાંં પહોચી જાય છે.
જોકે ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક વહિવટી કુનેહ ધરાવતા અધિકારી હોવાથી જ્યાં સુધી આળપંપાળથી કામ પતતુ હોય ત્યાં સુધી લાલ આંખ કરવામાં ઓછુ માને છે. ચીફ ઓફીસરે બાકી વેરો ધરાવતા કરદાતાઓને વિનંતી કરી છેકે ૮૦ ટકા ઉપરાંત્ત વેરા વસુલાત થાય તો ભારત સરકાર દ્વારા ૧૦૦ ટકા પરફોર્મન્સ ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટ બે થી અઢી કરોડ જેટલી હોય છે. આ લક્ષ્યાંક સુધી પહોચવામાં બાકીદારો વેરો ભરવામાં સહકાર આપે તો વધારાની મળતી પરફોર્મન્સ ગ્રાન્ટમાંથી શહેરના વધારાના વિકાસ કામ હાથ ધરી શકાય. ઓછી વેરા વસુલાત થાય તો ટકાવારીમાં ઓછી ગ્રાન્ટ મળશે તેટલુ શહેરનેજ નુકશાન થવાનુ છે. ચીફ ઓફીસરે વધુમાં જણાવ્યુ છેકે, બાકીદાર સમયસર વેરો ભરવાનુ નહી વિચારે તો કડકાઈથી કાર્યવાહી તો થવાનીજ છે. વેરો ભરવામાંથી કોઈ બાકાત રહેવાનુ નથી. કોઈને બક્ષવાના નથી. પરંતુ કડક કાર્યવાહી બાદ બાકીદાર વેરો ભરવા પ્રેરાય તેના કરતા પોતાની ફરજ સમજી સમયસર વેરો ભરશે તો પાલિકાને ૧૦૦ ટકા પરફોર્મન્સ ગ્રાન્ટ મળવા પાત્ર થશે. શહેરના હિતમાં ભારત સરકારની વધુ ગ્રાન્ટ પ્રાપ્ત કરતા વેરો ભરી સહકાર આપવા બાકીદારોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us