Select Page

વહેળામાં થયેલ પુરાણ ખાલી કરવા તાલુકા પંચાયતને નોટીસ

વહેળામાં થયેલ પુરાણ ખાલી કરવા તાલુકા પંચાયતને નોટીસ

પાલિકાના ટાઉન પ્લાનીંગ ચેરમેને સ્થળની મુલાકાત લીધી

વહેળામાં થયેલ પુરાણ ખાલી કરવા તાલુકા પંચાયતને નોટીસ

શહેરનુ વરસાદી પાણી રોકતી પ્રવૃત્તીમાં ગમે તેવા ચમરબંધીને છોડવામાં આવશે નહી-પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરના વરસાદી પાણીના નિકાલના વહેળામાં થયેલ પુરાણમાં પાલિકા તંત્ર ઉંઘતુ ઝડપાયુ છે. છ માસ ઉપરાંત્તના સમય બાદ પુરાણ થઈ જતા હવે પાલિકા તંત્ર દોડતુ થયુ છે. ટાઉન પ્લાનીંગ ચેરમેને સ્થળની મુલાકાત લીધી હતી. પ્રમુખે ચીમકી આપી છેકે, શહેરનુ વરસાદી પાણી રોકતી પ્રવૃત્તીમાં ગમે તેવા ચમરબંધીને છોડવામાં આવશે નહી. વહેળામાં થયેલ પુરાણ ખાલી કરવા તાલુકા પંચાયતને નોટીસ આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનુ રહ્યુ કે, વરસાદી પાણીના વહેળાનુ પુરાણ ખાલી કરાવવા કોઈ નક્કર પગલા ભરાય છેકે પછી શેહશરમમાં હોતી હૈ ચલતી હૈ થાય છે?
વિસનગર શહેરના વરસાદી પાણીનો નિકાલ જે વહેળામાં થાય છે તે મહેસાણા રોડ ઉપરના વહેળાના ભાગે લગભગ પાંચ ફૂટ જેટલુ પુરાણ કરવામાં આવ્યુ છે. વરસાદી પાણીના વેળામાં દબાણ કરવુ એ ગુનો છે ત્યારે પુરાણ કરી ૩૦૦ થી ૪૦૦ મીટરનો રસ્તો બનાવવામાં આવ્યો છે. પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવામાં આવી છે. ચોમાસામાં ભારે વરસાદના સમયે આ નેળીયામાં આવેલા ખેતરમાં અવરજવર થઈ શકતી નહોતી. ત્યારબાદ વહેળાની બાજુમાંથી ખેતરમાં અવરજવર કરી શકાતી હતી. જે વહેળામાંથી ખેતરમાં જવા રસ્તાનો ઉપયોગી વર્ષોથી થતો હતો. ત્યારે ખેડૂતો દ્વારા પુરાણ કરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. ખેડૂત પોતાના ખેતરમાં પાણી લઈ જવા પાઈપલાઈન કે નાની કેનાલ બનાવવાનો ખર્ચ કરી શકે. પરંતુ હજ્જારો ટ્રેક્ટર પુરાણ કરવાનો ખર્ચ કરે નહી. સંસ્કૃતિ બંગ્લોઝના વરંડા પાસેથી પસાર થતા વહેળામાં પુરાણ કરવામાં આવતા વરસાદી પાણી અવરોધાશે અને તેની અસરરૂપે મહેસાણા રોડ ઉપરની અન્ય સોસાયટીઓમાં પાણી ફરી વળશે, સોસાયટીઓ ડુબમાં જશે.
લગભગ છ માસ ઉપરાંત્તના સમયથી પુરાણની કામગીરી ચાલતી હશે. ત્યારે વહેળામાં પુરાણ થયુ હોવાના અહેવાલથી પાલિકા તંત્ર ઉંઘતુ ઝડપાયુ હતુ. પ્રચાર સાપ્તાહિકના આ અહેવાલ બાદ ટાઉન પ્લાનીંગના ચેરમેન કુસુમબેન પટેલના પતિ બકુલભાઈ ત્રીવેદી અને પાલિકાના પ્લાનીંગ આસીસ્ટન્ટ જયદેવસિંહ પરમાર સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સંસ્કૃતિ બંગ્લોઝના બીલ્ડર પાસે પુરાણ કોને કર્યુ તેની માહિતી મેળવી હતી. જેમાં ખેડૂતોએ રસ્તા માટે પુરાણ કર્યુ હોવાનું જાણવા મળ્યુ હતુ. બકુલભાઈ ત્રીવેદીએ જણાવ્યુ હતું કે, પહેલા શહેરનુ અને શહેરના લોકોનુ હિત ધ્યાને લેવાશે. વહેળામાં પુરાણ થવાથી વરસાદી પાણી અવરોધાશે તે ચોક્કસ વાત છે. કોઈપણ શેહશરમ વગર વહેળામાં થયેલુ પુરાણ ખોદી કાઢવામાં આવશે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે, આ વિસ્તાર તાલુકા પંચાયતમાં આવે છે. દેખરેખ રાખવાની જવાબદારી તાલુકા પંચાયતની છે. પરંતુ વહેળામાં પુરાણ થવાથી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસે તેમ હોવાથી પાલિકા તંત્ર ચુપ બેસી રહેશે નહી. વહેળામાંથી પુરાણ કાઢવામાં ગમે તેવા ચમરબંધી હશે તો પણ ચલાવી લેવામાં આવશે નહી. તાલુકા પંચાયતને પુરાણ ખુલ્લુ કરવા જાણ કરવામાં આવશે અને પંચાયત ગણકારશે નહી તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે.
આ બાબતે પાલિકા ચીફ ઓફીસરની સહીથી તાલુકા વિકાસ અધિકારીને નોટીસ આપવામાં આવી છેકે, વિસનગર-મહેસાણા હાઈવેને સમાંતર વહેળામાં વિસનગર નગરપાલિકા હદ વિસ્તારનું ગટરનું પાણી તથા વરસાદી પાણીનો ખુલ્લો નિકાલ થાય છે. મહેસાણા ચોકડીથી મહેસાણા રોડ તરફ જતાં સંસ્કૃતી બંગલોઝ નામની રહેણાંક મકાનોની સ્કીમ વિકસિત થઈ રહેલ છે. જેની દિવાલને અડીને વહેળામાં કેટલાક ઈસમો દ્વારા પાઈપલાઈન નાખી પુરાણ કરી તથા ખાડા કરી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરેલ છે. જેના લીધે વધારે વરસાદમાં પાણીની આવકમાં વધારો થાય તો નગરપાલિકા હદ વિસ્તારમાં પાણીનો બેક મારવાની(પાછા જવાની) તથા આરોગ્યલક્ષી નુકસાન થવાની સંભાવના રહેલી છે. સદર વિસ્તારમાં નગરપાલિકા વિસ્તારનું પાણીના નિકાલનો માર્ગ હોઈ વહેળો ખુલ્લો કરાવવા / અવરોધ દૂર કરવા યોગ્ય તે કાર્યવાહી કરવી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us