Select Page

વિસનગરમાં માસ્ક નહી પહેરતા રૂા.૧૬૭૦૦ દંડ વસુલ્યો

વિસનગરમાં માસ્ક નહી પહેરતા રૂા.૧૬૭૦૦ દંડ વસુલ્યો

દુકાનો અને ઓફીસોની અંદર પણ માસ્ક પહેરવુ ફરજીયાત-પ્રાન્ત ઓફીસર

વિસનગરમાં માસ્ક નહી પહેરતા રૂા.૧૬૭૦૦ દંડ વસુલ્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પાસેથી દંડ વસુલવાની કડક કાર્યવાહી ચાલી રહી છે. પાલિકા ટીમ વિવિધ વિસ્તારોમાં ઉભા રહી માસ્ક નહી પહેરનાર પાસેથી રૂા.૧૬૭૦૦ જેટલો દંડ વસુલતા લોકોને ફરજીયાત માસ્ક પહેરવાનુ ભાન થઈ રહ્યુ છે. પ્રાન્ત ઓફીસરે જણાવ્યુ છેકે, દુકાનો અને ઓફીસોમાં પણ માસ્ક પહેરવુ ફરજીયાત છે. પ્રાન્ત, મામલતદાર તથા પાલિકાની ટીમે બેન્કોમાં અને ઓફીસોમાં અંદર જઈ તપાસ કરી કર્મચારીઓ જોડેથી દંડ વસુલ્યો હતો.
કોરોના વાયરસ સંપર્કથી ફેલાતો રોગ છે. મોં અને નાક દ્વારા શરીરમાં વાયરસ પ્રવેશતો હોવાથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મોં ઉપર ફરજીયાત માસ્ક પહેરવા સુચન કરાયુ છે. કોરોના મહામારીના સમયમાં માસ્ક પહેરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ કડક આદેશ કરવામાં આવ્યો છે. મોટા શહેરોમાંથી હવે કોરોના વાયરસ નાના શહેરો અને ગામડાઓ સુધી પહોચ્યો છે. ત્યારે ચેપ ફેલાતો અટકાવવા માટે ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર તથા ગુજરાત નગરપાલિકા અધિનીયમની કલમ ૮૭ (આઈ) મુજબ મળેલ અધિકાર પરત્વે માસ્ક પહેર્યા ન હોય તેમના સામે દંડનીય કાર્યવાહી કરવા પાલિકાને સત્તા મળી છે. જે સત્તા પ્રમાણે માસ્ક પહેર્યા વગર પ્રથમ વખત રૂા.૧૦૦, બીજી વખત રૂા.૨૦૦ અને ત્રીજી વખત પકડાયતો રૂા.૫૦૦ દંડ વસુલવા માટે વિસનગર પાલિકા ચિફ ઓફીસર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
વિસનગર પાલિકા ચિફ ઓફિસર અશ્વિનભાઈ પાઠકના આ આદેશ બાદ તેમના માર્ગદર્શનમાં પાલિકા ટીમના અશ્વિનભાઈ ચૌહાણ, ડી.સી.પટેલ, રોહિતભાઈ પટેલ વિગેરે દ્વારા માસ્ક પહેર્યા વગર નીકળતા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાની આ ટીમ દ્વારા માસ્ક પહેર્યા ન હોય તેમની પાસેથી રૂા.૧૦૦ દંડ વસુલી અત્યાર સુધી કુલ રૂા. ૧૬૭૦૦ દંડ વસુલવામાં આવ્યો છે. ચિફ ઓફિસર અશ્વિનભાઈ પાઠકે જણાવ્યુ છેકે કોરોના વાયરસનો ચેપ અટકાવવો હોય તો માસ્ક પહેરવું ફરજીયાત છે. જાહેરમાં ફરતા તમામે માસ્ક પહેરી પાલિકા દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તેનુ ફરજીયાત પાલન કરવાનું રહેશે. ફરજીયાત માસ્કના હુકમનો ભંગ કરતા પકડાશે તો રૂા.૧૦૦ દંડ વસુલવામાં આવશે. કોઈપણ શેહ શરમ વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોતાની અને સમાજની સુરક્ષા માટે માસ્ક જરૂરી છે.
શુક્રવારના દિવસે પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર તથા ચીફ ઓફીસર અશ્વિનભાઈ પાઠક અને તેમની ટીમ દ્વારા એસ.ટી.સ્ટેન્ડથી સ્ટેશન રોડ ઉપર દુકાનો, બેંકો અને ઓફીસોમાં કામ કરતા કર્મચારીઓએ માસ્ક પહેર્યા છેકે નહી તેનુ ચેકીંગ કર્યુ હતુ. જેમાં એસ.ટી.સ્ટેન્ડ રોડ ઉપરની ખુલ્લી મેડીકલ, કરિયાણાની દુકાનો, સ્ટેશન રોડ ઉપર આઈ.સી.આઈ. સી.આઈ.બેન્ક, એસ.બી.આઈ.બેન્ક, તિરૂપતિ માર્કેટમાં બરોડા ગ્રામિણ બેન્ક, ધી કો.ઓપ.ક્રે.સોસાયટી વિગેરે સ્થળોએ અંદર જઈ તપાસ કરવામાં આવી હતી. જેમાં જે કર્મચારીઓએ માસ્ક પહેર્યા નહોતા તેમની પાસેથી સ્થળ ઉપરજ રૂા.૧૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો. આમ દુકાનો, ઓફીસો, બેંકો વિગેરે સંસ્થાઓના કર્મચારીઓએ માસ્ક પહેરીને કામ કરવુ ફરજીયાત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us