You are here
Home > Local News > વિસનગર પાલિકા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ કોરોના અવરનેસ કાર્યક્રમ યોજાયો વિસનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા જનજાગૃતિ સેમિનાર યોજાયો

વિસનગર પાલિકા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ કોરોના અવરનેસ કાર્યક્રમ યોજાયો વિસનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા જનજાગૃતિ સેમિનાર યોજાયો

વિસનગર પાલિકા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ કોરોના અવરનેસ કાર્યક્રમ યોજાયો
વિસનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા જનજાગૃતિ સેમિનાર યોજાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસ વધતા સંક્રમણ અટકાવવા શુ કરવુ જોઈએ તેના સુચનો મેળવવા વિસનગર પાલિકા દ્વારા જનજાગૃતિ સેમિનારનુ આયોજન કરાયુ હતુ. જેમાં શહેરની મોટી સોસાયટીઓના પ્રમુખ તથા મંત્રીને આમંત્રીત કરાયા હતા. સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે યોજાયેલ કાર્યક્રમમાં માર્કેટયાર્ડ ભોજનાલય હૉલ ભરાઈ ગયો હતો. ગુજરાતમાં સૌપ્રથમ વિસનગર પાલિકા દ્વારા કોરોના અવરનેસ માટેનો સેમિનાર ખુબજ સફળ રહ્યો હતો. સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા.
વિસનગરમાં એકજ અઠવાડીયાના ગાળામાં કોરોના પોઝીટીવના ચાર કેસ નોધાતા શહેરમાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા માટે શુ કરી શકાય તેના સુચનો મેળવવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના સુચનથી પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકના પ્રયત્નોથી તા.૧૦-૬-૨૦૨૦ ને બુધવારના રોજ સાંજે ૪-૩૦ કલાકે માર્કેટયાર્ડ ભોજનાલય હૉલમાં કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા જનજાગૃતિ સેમિનારનુ આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, કોરોના નોડલ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલ, પી.આઈ.પી.કે.પ્રજાપતિ, પ્રીન્સીપાલ રાજેષભાઈ મોઢ, રૂપલભાઈ પટેલ, પાલિકા સભ્યો તથા સોસાયટીના પ્રમુખ અને મંત્રીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં સમયને અનુરૂપ મહેમાનોનુ સ્વાગત માસ્કથી કરવામાં આવ્યુ હતુ. સેમિનારમાં સૌને આવકારતા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે, હું પણ કોરોના વોરીયર્સ છુ તે સુત્ર સ્વિકારી તમામે કોરોના વોરીયર્સ બનવાનુ છે. સરકારની છુટછાટોનો દુરઉપયોગ ન કરી કોરોના સંક્રમણને રોકીએ. લોકો માસ્ક વગર ફરે છે. નિતિ નિયમોનુ પાલન કરીશુ નહી તો કોરોના સંક્રમણને અટકાવી શકીશુ નહી.
• પુષ્પગુચ્છ, ફુલહાર અને શાલથી સ્વાગત કરવાની જગ્યાએ સમય અનુરૂપ મહેમાનોનુ માસ્કથી સ્વાગત કરાયુ
• સમગ્ર સેમિનારનુ તાત્પર્ય : કોરોનાના જ્યાં વધારેમાં વધારે કેસ છે તેવા હોટસ્પોટ વિસ્તારમાં જે લોકો અવરજવર કરતા હોય તેઓ ઘરમાં પરિવારથી અને સોસાયટી મહોલ્લામાં મિત્રો તથા સમાજથી જાતેજ અંતર રાખે
કોરોના સંક્રમણના સૂચનો માગવામાં આવતા જે.કે.ચૌધરીએ જણાવ્યુ હતું કે, બહારથી અવરજવરના કારણે કેસ વધ્યા છે. સોસાયટીમાં બહારથી આવે તો શરમા શરમીમાં જાણ કરતા નથી. તમામ લોકો શેહ શરમ રાખ્યા વગર જાણ કરે તે જરૂરી છે. ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટે સૂચન કર્યુ હતું કે, બહારગામથી હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા જાતેજ સેલ્ફ કોરન્ટાઈન થાય તે જરૂરી છે. પ્રિમોન્સુન કામગીરી થઈ નથી તો ડેન્ગ્યુના કેસ વધવાની શક્યતા જણાવી હતી. પાલિકા પોતાના ખર્ચે એન.જી.ઓ. સાથે રાખી સાત દિવસ શહેરના વિવિધ વિસ્તારમાંથી ઉકાળા વિતરણ કરે તેવુ જણાવ્યુ હતુ. વ્યાયામ શાળાના અશોકભાઈ રામીએ કોરોના વાયરસથી અજાણ, અભણ પછાત વર્ગના લોકોને જાગૃત કરવા તથા યોગસન કસરત કરી રોગપ્રતિકારક શક્તી વધારવા સુચન કર્યુ હતુ. પાલિકા સભ્યના પતિ કમલેશભાઈ બારોટે અત્યારે પાણીની વધારે જરૂરીયાત હોવાથી પાણી કાપ ઉઠાવી લેવા માટે સુચન કર્યુ હતુ. રોટરી પ્રમુખ અલકેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, શહેરમાં ૨૫ ટકા કરતા વધારે લોકો માસ્ક વગર ફરે છે. દંડ વગર માનતા નથી, ત્યારે રૂા.૧૦૦ નો દંડ કરી સામે માસ્ક આપી માસ્ક પહેરવા સમજાવવા જોઈએ. જાહેરમાં કોઈ શરદી, ઉધરસ કે તાવના લક્ષણ ધરાવનાર ફરતુ હોય તો સમાજના હિતમાં તંત્રને જાણ કરવી જોઈએ. કોંગ્રેસી અગ્રણી શામળભાઈ દેસાઈએ સુચન કર્યુ હતું કે, શહેરમાં નાના મોટા ૭૦ થી ૭૫ ર્ડાક્ટર છે. તેમની સાથે મીટીંગ કરી સુચનો લઈ કોરોના સંક્રમણ અટકાવવા શુ કરી શકાય તેની ચર્ચા કરવી જોઈએ. આદર્શ સોસાયટીના વિષ્ણુભાઈ માધવલાલ પટેલે કોરોના મહામારીમાં લોકો પીસાઈ રહ્યા છે ત્યારે ચાલુ વર્ષમાં પાલિકાએ ૧૦ ટકા વેરો વધારો મોકુફ રાખવા સુચન કર્યુ હતુ. પ્રદિપભાઈ ફૂદાણીએ ગરીબ સ્લમ વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકોને માસ્ક વિતરણ કરવા જણાવ્યુ હતુ. શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે કેટલીક દુકાનોમાં સોશિયલ ડીસ્ટન્સનુ પાલન થતુ નથી ત્યારે વેપારીઓ ગ્રાહકોને સુચન કરે કે, સંક્રમણ રોકવા સોશિયલ ડીસ્ટન્સ ખુબજ જરૂરી છે. કામ વગર જાહેર સ્થળોએ જવાનુ ટાળવુ જોઈએ. જેથી ખોટી ભીડ થાય નહી. હરિહર સોસાયટીના મંત્રી પ્રદિપભાઈ જોષીએ રોટરી ક્લબની જેમ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઘર દીઠ હોમિયોપેથીક દવાઓનુ વિતરણ કરે તેવુ સુચન કર્યુ હતુ. ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ કરશનભાઈ પટેલે ચોમાસાનુ આગમન થઈ રહ્યુ છે ત્યારે કેનાલો સાફ કરાવવા, શહેરમાં આઠથી દસ સ્ટેન્ડ બનાવી પાલિકા દ્વારા ઉકાળાનુ વિતરણ કરવા અને ગામડાઓમાં માસ્કનો ઉપયોગ થાય તેવુ કરવા સુચન કર્યુ હતુ. માસ્ટર ટેલર્સવાળા દિનેશભાઈ હિંગુએ પોતે રૂા.૫ માં માસ્ક આપતા હોવાથી પાલિકા તથા ગંજબજાર માસ્ક ખરીદી, માસ્ક નહી પહેરનારને ટોકન કિંમતે માસ્ક આપે તે સુચન કર્યુ હતુ. શાન્તીનગર સોસાયટીના અરવિંદભાઈ સંઘવીએ સુચન કર્યુ હતું કે, તબક્કાવાર શાળા કોલેજો શરૂ થવાની છે ત્યારે બાળકો કોરોના સંક્રમીત થઈ ઘર સુધી સંક્રમણ ન ફેલાવે તે માટે વિચાર કરવો જોઈએ. સંતોષનગર સોસાયટીના પ્રવિણભાઈ ચૌધરીએ પાલિકાની સેવા સામે રોષ વ્યક્ત કર્યો હતો કે, સંતોષનગરમાં કોરોના આવ્યો એટલે કોઈ ગુનેગાર નથી. સોસાયટીમાં કચરો લેવા કોઈ આવતુ નથી. સફાઈ કામદાર નહી આવે તેવા પાલિકા દ્વારા જવાબ આપવામાં આવે છે. ગાય કૂતરા કચરો ખાય છે, સોસાયટીની લાઈટ રીપેરીંગ થતી નથી. કલ્યાણ બંગ્લોઝના પ્રમુખ હરગોવનભાઈ કે.પટેલે જણાવ્યુ હતું કે, પાલિકા અને પોલીસની સારી કામગીરીના કારણે શહેરમાં સંક્રમણ ઓછુ થયુ છે. બહારગામથી કોઈ અવરજવર કરતુ હોય તો સોસાયટીના લોકોએ જાતેજ ધ્યાન રાખવા સુચન કર્યુ હતુ. સ્વાગત હોટલવાળા કેશવલાલ શેઠે જણાવ્યુ હતું કે, ગામના જાગૃત આગેવાનોના કારણે કોરોનાનો સામનો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા અમે તંત્રની સાથે છીએ. પાલિકા સભ્ય જશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, વોર્ડ નં.૫ માં ચાર કેસ નોધાયા છે. આરોગ્ય વિભાગને જાણ કરીએ એટલે તુર્તજ ટીમ આવી જાય છે. એમ.એન.કોલેજમાં વોકીંગ માટે સગવડ ઉભી કરવા પ્રીન્સીપાલ રાજેશભાઈ મોઢનો આભાર માન્યો હતો. માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ વૈદ્યે રોગ પ્રતિકારક શક્તી વધે તે માટે ખાનાવાળુ અજમો, તજ, લવીંગ અને કપુર મુકી શકાય તેવા માસ્કનો ઉપયોગ કરવા, તથા શહેરમાં આયુર્વેદિક ઉકાળાના વિતરણ માટે થતી તૈયારીઓની જાણ કરી હતી. યુવા ભાજપ સંગઠનના કિન્નલ વ્યાસે બહારથી આવનાર કોરન્ટાઈન રહેતા નહી હોવાનુ તથા સંક્રમણ રોકવા આપણા સૌની જવાબદારી હોવાનુ જણાવી કોરોના સામે જાગૃત થવા સુચન કર્યુ હતુ.
કોરોના નોડલ ઓફીસર આર.ડી.પટેલે શહેરમાં કોમ્યુનીટી સ્પ્રેડીંગ રોકવા શુ કરવુ જોઈએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા કઈ દવા લેવી જોઈએ. કોરોના સંક્રમણનો ભોગ બનતા અટકાવવા શુ સાવચેતી રાખવી જોઈએ તે બાબતે સુચનો કરી ચેતવણી આપી હતી કે, પાબંધીઓ નીકળી ગઈ છે એનો મતલબ એ નથી કે કોરોના નીકળી ગયો છે. “જો ડર ગયા સો બચ ગયા.” હજુ વધુમાં વધુ કેસ વધવાના હોવાનુ જણાવી તમામે તકેદારી રાખવા જણાવ્યુ હતુ. પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલે સુચનોનુ પાલન કરવા માટેના પ્રયત્નો કરવા આશ્વાસન આપ્યુ હતુ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે હવે લોકોએ કોરોના વોરીયર્સ તરીકેની કામગીરી કરવાની છે તેમ સુચન કરી જણાવ્યુ હતું કે, કોરોનાથી જાતને બચાવીશુ તો કુટુંબ પરિવાર, સોસાયટી અને સમાજ બચશે. વિચાર ભેદ, મત ભેદ અને મન ભેદ ભુલીને તમામે આ મહામારીમાં એક પ્લેટફોર્મ ઉપર આવવાનુ છે. ગરમ પાણી પીવાનુ, હળદળવાળુ પાણી પીવાનુ, આયુર્વેદિક ઉકાળા સાથેનુ ગરમ પાણી પીવાની સલાહ આપી હતી. બહારગામથી અવરજવર વધતા કેસ વધ્યા છે ત્યારે તમામે સાવચેત રહેવા જણાવ્યુ હતુ. રૂપલભાઈ પટેલે આ મહામારીમાં ફરજ બજાવતા પાલિકા કર્મચારીઓનુ સન્માન કરવા જણાવ્યુ હતુ.
ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે આભારવિધિ કરતા જણાવ્યુ હતું કે, વહુ, વરસાદ અને પાલિકાને ક્યારેય જશ ન મળે. પાલિકા સેમિનાર રાખશે તો ફરિયાદોનો ધોધ વહેશે તેવો ડર હતો. ત્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ હિંમત દાખવી તેનો વિશેષ આભાર માન્યો હતો. વિસનગરમાં સંક્રમણ થયુ નથી તેની સમગ્ર સફળતાના ભાગીદાર જનતાને ગણાવી હતી. ચીફ ઓફીસરે એક અધિકારી તરીકે નહી પરંતુ એક નાગરિક તરીકે મહામારીમાં ધારાસભ્યની કામગીરી આવકારી હતી. છેલ્લે બહારગામથી હોટસ્પોટ વિસ્તારમાંથી જે આવનજાવન કરતા હોઈ તેઓ તથા તેમનો પરિવાર લોકોથી અંતર રાખે તે માટે વિવેકપૂર્ણ રીતે ધ્યાન દોરવા જણાવ્યુ હતું.

Leave a Reply

Top