Select Page

શૈક્ષણિક નગરી, ડી.ડી.કન્યા વિદ્યાલય તથા બ્રહ્મભટ્ટ સમાજનુ ગૌરવ બીરવા-બંસરી જોડીયા બહેનો ધો.૧૦ માં રાજ્યમાં બીજા-ત્રીજા ક્રમે

શૈક્ષણિક નગરી, ડી.ડી.કન્યા વિદ્યાલય તથા બ્રહ્મભટ્ટ સમાજનુ ગૌરવ બીરવા-બંસરી જોડીયા બહેનો ધો.૧૦ માં રાજ્યમાં બીજા-ત્રીજા ક્રમે

શૈક્ષણિક નગરી, ડી.ડી.કન્યા વિદ્યાલય તથા બ્રહ્મભટ્ટ સમાજનુ ગૌરવ
બીરવા-બંસરી જોડીયા બહેનો ધો.૧૦ માં રાજ્યમાં બીજા-ત્રીજા ક્રમે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલીત પરીખ ડી.ડી.કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને વિસનગર ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજની બે જુડવા દિકરીઓએ ધો.૧૦ માં રાજ્યમાં ટોપ પાંચમાં સ્થાન પ્રાપ્ત કરતા આ ઉજ્જવળ પરિણામ શૈક્ષણિક નગરીના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લેખાશે. બીરવા અને બંસરીએ આજના મોબાઈલ યુગમાં ગળાડુબ રહેતા વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો છેકે, અભ્યાસમાં ધગશ અને ધ્યેય પ્રાપ્તિ માટે અડગ વિશ્વાસ હોય તો ધાર્યુ પરિણામ મેળવી શકાય છે.
ધો.૧૦ નું પરિણામ જાહેર થયુ તે તા.૯-૬-૨૦૨૦ ને મંગળવારનો દિવસ શૈક્ષણિક નગરી વિસનગર માટે ગૌરવ અને આનંદનો દિવસ બની ગયો હતો. પરીખ ડી.ડી.કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને વિસનગર ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજના, સમર્થ જ્લેવરીમાં સિનિયર સેલ્સ પર્સન તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર વ્રજલાલ બ્રહ્મભટ્ટની જુડવા દિકરીઓ બીરવા દિલીપભાઈ બ્રહ્મભટ્ટે ૬૦૦ માંથી ૫૭૩ માર્કસ ૯૫.૫૦ ટકા અને ૯૯.૯૯ પી.આર. સાથે મહેસાણા જીલ્લામાં પ્રથમ નંબર તથા બંસરી દિલીપભાઈ બ્રહ્મભટ્ટે ૬૦૦ માંથી ૫૭૨ માર્કસ ૯૫.૩૩ ટકા અને ૯૯.૯૯ પી.આર. મેળવી જીલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હોવાની જાણ થતાજ ડી.ડી.કન્યા વિદ્યાલય અને બ્રહ્મભટ્ટ સમાજમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યમાં ટોપ ટેન નંબર આપવાની પ્રથા બંધ કરવામાં આવી છે. ત્યારે પરિણામ જાહેર થયાના બીજા દિવસે બીરવા બ્રહ્મભટ્ટે સમગ્ર રાજ્યમાં બીજો નંબર તથા બંસરી બ્રહ્મભટ્ટે સમગ્ર રાજ્યમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યુ હોવાનુ જાણવા મળતા આ બન્ને દિકરીઓના ઝળહળતા પરિણામનો આનંદ તથા ઉલ્લાસ બેવડાયો હતો.
દેખાવમાં પણ હિન્દી ફીલ્મની સીતા અને ગીતાની જેમ એકજ સરખી લાગતા આ જોડીયા બહેનોને શાળાના શિક્ષકો પણ નામથી બોલાવવામાં હજુય ભુલ કરી બેસે છે. એવી આ જોડીયા બહેનોનો રાજ્યમાં બીજો અને ત્રીજો નંબર આવતા આ બાબતે ડી.ડી.કન્યા વિદ્યાલયના આચાર્યા શોભનાબેન શાહે જણાવ્યુ હતું કે, ધો.૫ થી શાળામાં અભ્યાસ કરતી બન્ને બહેનો ક્લાસમાં પ્રથમ અને બીજા નંબરે આવી છે. બન્ને વચ્ચે કાયમ એકજ માર્કસનો ફેર હોય છે. બોર્ડના પરિણામમાં પણ એક માર્કસનો ફેર છે. બન્ને દિકરીઓનુ સ્કુલમાં બ્રાઈટ કેરિયર રહ્યુ છે. ડી.ડી.કન્યા વિદ્યાલયમાં તમામ સમાજની અને મોટેભાગે મધ્યમ વર્ગની દિકરીઓ ભણવા આવે છે. આખા તાલુકામાં એકજ કન્યા શાળા હોવાથી કન્યા કેળવણી પાછળ પૂરતુ ધ્યાન રાખવામાં આવે છે. જૂન માસથીજ ફેબ્રુઆરી માસ સુધી દિકરીઓ પાછળ મહેનત કરવામાં આવે છે. ઉચ્ચ પરિણામ હાંસલ કરનાર બન્ને દિકરીઓ પાછળ અમે જેટલી મહેનત કરી છે તેનાથી વિશેષ ધ્યાન દિકરીઓના માતા હેતલબેન બ્રહ્મભટ્ટ દ્વારા રાખવામાં આવ્યુ છે. આવીજ રીતે દરેક વાલી પોતાના સંતાનો પાછળ ધ્યાન રાખે તો બાળક ઉચ્ચ પરિણામ મેળવી શકે છે.
બન્ને દિકરીઓના ઉજ્જવળ પરિણામ બાબતે દિકરીઓની માતા હેતલબેન બ્રહ્મભટ્ટે અભિપ્રાય આપ્યો હતો કે, પંથકની કોઈપણ દિકરીને અભ્યાસ કરવો હોય તો પરીખ ડી.ડી.કન્યા વિદ્યાલયમાં એડમીશન લેવુ જોઈએ. આ શાળામાં કોઈપણ પ્રશ્ન હોય કે મુંજવણ હોય તો તેનુ સોલ્યુશન લાવવામાં આવે છે. સહઅભ્યાસીક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધવાની તક મળે છે. દિકરીઓ સાથે શાળાનો પણ એટલોજ સારો સહકાર મળતા ઉચ્ચ પરિણામનુ સ્વપ્ન પૂરુ થયુ છે.
જ્યારે રાજ્યમાં બીજો અને ત્રીજો નંબર લાવનાર દિકરીઓ બીરવા તથા બંસરીએ જણાવ્યુ હતું કે, શિક્ષકો અને માતા પિતાએ જે અપેક્ષા રાખી હતી તે પૂરી કર્યાનો સંતોષ છે. આચાર્યા શોભનાબેન શાહ, શિક્ષકોનુ માર્ગદર્શન અને માતા પિતાના સહકારથી આ પરિણામ મેળવી શકાયુ છે. ડી.ડી.કન્યા વિદ્યાલયમાં શિક્ષકોનુ સારૂ માર્ગદર્શન મળે છે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ આગળ વધવાની તક મળે છે. શહેર મધ્યે શાળા હોવાથી વિદ્યાર્થીનીઓ સલામત રીતે અભ્યાસ કરી શકે છે. આગળ એન્જીનીંયરીંગ લાઈન લેવાની હોવાથી ધો.૧૧-૧૨ એ ગૃપમાં અભ્યાસ કરવાનો અને આગળ વધવાનો ગૉલ હોવાનુ જણાવ્યુ હતુ. આ બન્ને દિકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શાળા, સમાજ અને વિસનગરનું ગૌરવ વધારે તેવી પ્રચાર સાપ્તાહિક પરિવાર તથા સમગ્ર ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજની શુભેચ્છા. દંઢાવ બ્રહ્મભટ્ટ મંડળના ટ્રસ્ટી શ્રી અલકાબેન સંજયકુમાર બ્રહ્મભટ્ટે પણ દંઢાવ બ્રહ્મભટ્ટ મંડળ તરફથી બન્ને દિકરીઓને શુભેચ્છા પાઠવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us