Select Page

ધારાસભ્ય વિરુધ્ધના તમામ આક્ષેપો પાયાવિહોણા-મનુભાઈ લાછડી

ધારાસભ્ય વિરુધ્ધના તમામ આક્ષેપો પાયાવિહોણા-મનુભાઈ લાછડી

સાડા બાર વર્ષના શાસનમાં કોઈ કલંકીત કાર્ય કર્યુ નથી

ધારાસભ્ય વિરુધ્ધના તમામ આક્ષેપો પાયાવિહોણા-મનુભાઈ લાછડી

બી.એડ.કોલેજમાં નૂતન કેળવણી મંડળના એક ટ્રસ્ટીના પુત્ર પણ ભાગીદાર છે તે બાબતે કેમ કોઈ બોલતુ નથી?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ અને બી.એડ.કોલેજના વિવાદમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સામે સતત આક્ષેપો થઈ રહ્યા છે. જે બાબતે ભાજપ અગ્રણી મનુભાઈ પટેલે જણાવ્યુ છેકે, ધારાસભ્ય વિરુધ્ધના તમામ આક્ષેપો પાયાવિહોણા છે. સાડા બાર વર્ષના શાસનમાં એક ડાઘ લાગવા દીધો નથી. તેવા ધારાસભ્ય સામે આક્ષેપો કરનાર આગેવાને પહેલા પોતાનો ભૂતકાળ ચકાસવો જોઈએ પછી રાજા હરિશ્ચંદ્રની વાતો કરવી જોઈએ તેમ કહી મનુભાઈ પટેલે આક્ષેપો કરનાર આગેવાનોને આડે હાથે લીધા હતા.
વિસનગર ભાજપ અગ્રણી મનુભાઈ લાછડીએ બી.એડ.કોલેજ તથા તાલુકા સંઘના વિવાદમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સામે આક્ષેપો કરનાર ભાજપનાજ આગેવાનોનો ઉધડો લીધો હતો. મનુભાઈ પટેલે જણાવ્યુ છેકે, બી.એડ.કોલેજ બાબતે ખોટો વિવાદ કરનારને એ ખબર નથી કે સાચી હકીકત શું છે. અને ધારાસભ્યની ઈમેજ ખરાબ કરવા નીકળી પડ્યા છે. બી.એડ.કોલેજ જે ચલાવે છે તે લક્ષ્મી એજ્યુકેશન ટ્રસ્ટ તો ભાડુઆત છે. જગ્યાના માલિક વીસા શ્રીમાળી વણીક સમાજ ટ્રસ્ટ છે. આ જગ્યાનુ વેચાણ કરવા ટ્રસ્ટે ચેરીટી કમિશ્નરમાં મંજુરી માગી હતી. ત્યારબાદ માતબર દૈનિકમાં હરાજી માટે જાહેરાત આપી હતી. જાહેરાત આપી તે વખતે વાધો લેવાનો તમામને અધિકાર હતો. એ વખતે કાંઈ કોઈએ વાંધો લીધો નહી. હરાજીમાં ૨૭ વ્યક્તિઓએ બીડ ભર્યા હતા અને હરાજીમાં ભાગ લીધો હતો. બી.એડ.કોલેજની જગ્યામાં નૂતન કેળવણી મંડળના એક ટ્રસ્ટીનો પુત્ર પણ ભાગીદાર છે. એટલે હરાજી બાબતે કોઈ જાણતુજ નથી તે બાબત તદ્દન ખોટી છે. ટ્રસ્ટે જગ્યા વેચવાનો નિર્ણય કર્યો તેમાં કોઈ બીજા કે બહારના વ્યક્તિઓએ વેચાણ રાખી હોત તો ! આ જગ્યામાં બાકીના ૮૦ પૈસાના ભાગીદારો બાબતે કેમ કોઈ બોલતુ નથી. બીજા ભાગીદારો પણ શૈક્ષણિક સંસ્થા સાથે અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે. બી.એડ.કોલેજના નામે કાદવ ઉછાળવા અને આગેવાની કરવા નીકળેલા આગેવાનો કોલેજની જગ્યાના બીજા ભાગીદારોના નામનો કેમ ઉલ્લેખ કરતા નથી? અને ફક્ત ને ફક્ત ધારાસભ્યને ટારગેટ બનાવવાનુ કારણ શુ?
બી.એડ.કોલેજમાં ધારાસભ્ય ઉપર આક્ષેપ કરનાર જશુભાઈ પટેલે જણાવ્યુ છેકે, અત્યારે કોલેજની જગ્યા માટે આગેવાની કરવા નીકળ્યા છો, તો મીલ વેચાઈ તે વખતે આગેવાની ક્યાં ગઈ હતી. જશુભાઈ પટેલ તે વખતે મજદુર યુનિયનના આગેવાન હતા. તેમણે ધાર્યુ હોત તો મીલ બચાવી શક્યા હોત. તે વખતે પણ ભાજપના આગેવાન હતા. મીલ નહી બચાવતા ૩૦૦૦ પરિવારોની રોજી રોટી છીનવાઈ હતી.
તાલુકા સંઘના વિવાદમાં જશુભાઈ પટેલ તથા પ્રકાશભાઈ પટેલ સતત સ્ટેટમેન્ટ આપી રહ્યા છેકે, ધારાસભ્ય સત્તાનો દુર ઉપયોગ કરી રહ્યા છે. સરકારી મશીનરીનો ઉપયોગ કરી લોકશાહીનુ ખૂન કરી રહ્યા છે. વિગેરે વિગેરે આક્ષેપો કરવામાં આવે છે. મનુભાઈ લાછડીએ પ્રકાશભાઈ પટેલને જણાવ્યુ છેકે, નૂતન કેળવણી મંડળના પ્રમુખ પદેથી અને એસ.કે.કેમ્પસમાંથી ભોળાભાઈ પટેલને ઉથલાવવા અને પ્રકાશભાઈ પટેલને બેસાડવા ધારાસભ્યએ મદદ કરી તે વખતે ધારાસભ્યની જોહુકમી ન લાગી. તે વખતે ધારાસભ્ય સત્તાનો દુર ઉપયોગ કર્યો તેવુ ન લાગ્યુ? એસ.કે.યુનિવર્સિટીની મંજુરીમાં અને મેડિકલ કોલેજ લાવવામાં ધારાસભ્ય મદદરૂપ બન્યા તે વખતે સરકારી મશીનરીનો દુર ઉપયોગ ન લાગ્યો? સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીએ પણ પોતાની ખુરશી બચાવવા ધારાસભ્ય વિરુધ્ધ અનેક આક્ષેપો કર્યા છે. ત્યારે કે.કે.ચૌધરીએ પણ ભૂતકાળમાં કરેલી કરતૂતો યાદ કરવાની જરૂર છે.
તાલુકા ખરીદ વેચાણ સંઘ સતત ઓડીટ વર્ગ “એ” ધરાવતુ તેમજ શ્રેષ્ઠ સંઘનો એવોર્ડ મેળવ્યો છે. તો સંઘના રીઓડીટ માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી કેમ જવુ પડ્યુ. રીઓડીટ કેમ થવા દેતા નથી. સંઘનો વહીવટ ચોખ્ખો હોય તો રીઓડીટ નહી થવા દેવામાં કોર્ટોના દ્વાર કેમ ખખડાવી લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સતત સાડા બાર વર્ષથી લોક પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના શાસનમાં કોઈ ગેરરીતી કે કૌભાંડ થયા નથી. કોઈ દાગ લાગવા દીધો નથી. ત્યારે ધારાસભ્ય વિરુધ્ધ આક્ષેપ કરતા પહેલા આગેવાનોએ પોતાનો ભૂતકાળ યાદ કરવાની જરૂર છે. શહેરની માતબર સંસ્થા મોડલેમ બંધ કરવાવાળા કોણ છે, મોડલેમના કૌભાંડોની એફ.આઈ.આર. જુઓ, નાગરીક બેંક કોના કારણે બંધ થઈ, બેંકના ખોટા લાભ લીધા અને બેંકની ગેરરીતીમાં જેલવાસ પણ ભોગવ્યો છે. બેંકની એફ.આઈ.આર. ચેક કરી સાંકળચંદ કેસ્ટરમાં કોની સંડોવણી છે તેની એફ.આઈ.આર. ચેક કરો. પંથકના લોકોના પૈસા ડૂબાડ્યા, સંસ્થાઓમાં ગેરરીતીઓ આચરી, શહેરને આર્થિક નુકશાન પહોચાડવુ, ભગવાનના મંદિરો, વિધવાઓ, નિરાધારોના પૈસા ડુબાડ્યા, લોકોને બેરોજગાર કર્યા અને અત્યારે રાજા હરિશ્ચંદ્રની વાતો કરવા નીકળેલા આ આગેવાનોને લોકોએ ઓળખવાની જરૂરીયાત છે. બી.એડ.કોલેજની હકીકત જાણતા હોવા છતા તે છુપાવી ફક્ત ને ફક્ત ધારાસભ્યને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં જે પણ આગેવાનો આવ્યા તેમણે કૌભાંડો કર્યા છે અને ગેરરીતીઓ આચરી છે. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના શાસનમાં એકપણ કૌભાંડ થયુ નથી તે આ આક્ષેપ કરનાર આગેવાનોએ ન ભૂલવુ જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us