Select Page

વિસનગર ભાજપ શાસીત પાલિકાનો વિકાસ ગાંડો થયો

વિસનગર ભાજપ શાસીત પાલિકાનો વિકાસ ગાંડો થયો

લોકોના સ્વાસ્થ્યનો વિચાર કર્યા વગર પાલિકાનુ બુધ્ધિનુ પ્રદર્શન

વિસનગર ભાજપ શાસીત પાલિકાનો વિકાસ ગાંડો થયો

ગટરના વહેળામાં પાણીની લાઈનથી રોગચાળાની દહેશત

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાનો વોટર વર્કસ સ્ટાફ કેવુ આડેધડ કામ કરી બુધ્ધિનુ પ્રદર્શન કરી રહ્યો છે તેનુ ઉદાહરણ જોવુ હોય તો કડા રોડ ઉપર જોઈ શકાય છે. ગટરના વહેળામાં પાણીની લાઈન નાખતા સમગ્ર વિસ્તારમાં રોગચાળાની દહેશત અનુભવાઈ રહી છે. પાઈપલાઈન લીકેજ હોવાથી આ વિસ્તારના લોકો પાણીનો વપરાશ કરતા ડર અનુભવી રહ્યા છે. પાલિકા ચીફ ઓફીસર તથા પ્રમુખ આ વિસ્તારની મુલાકાત લઈ પોતાના કર્મચારીઓનુ નમુનેદાર કામ નિહાળે તેવી લોકોની લાગણી છે.
વિસનગરમાં દિપરા દરવાજા કડા રોડ ઉપર ડ્રેનેજ પંપીંગ સ્ટેશન પાસે બનાવેલ પાણીની ઓવરહેડ ટાંકીથી પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે. આ પાઈપલાઈન નિલકંઠ સોસાયટીના પાછળના ભાગેથી ગોકુલધામ, દેવભૂમિ ટાઉનશીપથી કડા ત્રણ રસ્તા તરફ પાણી લઈ જવા માટે પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે. પાણીની પાઈપલાઈન જમીનથી અંદર હોય ત્યારે વિસનગર પાલિકાના વોટર વર્કસ સ્ટાફ દ્વારા જમીન ઉપર પાઈપલાઈન નાખવામાં આવી છે. અને વધારે શરમની બાબત તો એ છેકે, ગટરના પાણીની વહેળામાં ખુલ્લી પાઈપલાઈન નાખવામાં આવી છે. વહેળામાં ગટરનું પાણી વધારે હોય ત્યારે પીવાના પાણીની ખુલ્લી પાઈપલાઈન ઉપરથી પસાર થાય છે. આ પાઈપલાઈન ચાર થી પાંચ જગ્યાએ લીકેજ છે. પાઈપ લીકેજ હોવાના કારણે ગટરનું પાણી અંદર ઉતરે છે. ગટરના વહેળામાંથી પસાર થતી ખુલ્લી પાઈપલાઈન જોઈ આ વિસ્તારના મોટાભાગના લોકો પાણીનો વપરાશ કરતા ખચકાઈ રહ્યા છે.
ભાજપ શાસીત વિસનગર પાલિકા તંત્ર નિષ્ક્રીય બની ગયુ છે. છેલ્લા છ માસથી આવી પરિસ્થિતિ છે. અગાઉ તા.૧૬-૧૨-૧૯ ના રોજ વહેળામાં ખુલ્લી પાઈપલાઈનથી લોકોના સ્વાસ્થ્યને કેટલો ખતરો છે તે બાબતે સમંત કરવા પાલિકામાં રજુઆત કરવામાં આવી છે. નિલકંઠ સોસાયટીના પાછળના ભાગથી વહેળા વચ્ચે ૭ થી ૮ ફૂટની જગ્યાએ ત્યાં ખોદકામ કરી પાઈપલાઈન નાખી શકાય તેમ છે. ત્યારે ગમે તે કારણોસર લોકોના સ્વાસ્થ્યનો વિચાર કર્યા વગર વહેળામાં ખુલ્લી પાઈપલાઈન નાખવામાં આવી છે. એ પણ ચાર થી પાંચ જગ્યાએ લીકેજ છે. આતો ભાજપ શાસીત વિસનગર પાલિકામાં વિકાસ ગાંડો થયો છે તેમ કહી શકાય.
આ પાઈપલાઈનનુ પાણી ૧૫૦૦ થી ૨૦૦૦ મકાનમાં જાય છે. અત્યારે કોરોના વાયરસનો રોગચાળો છે. ત્યારે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકની નિષ્ક્રીયતાથી વહેળામાં ખુલ્લી પાઈપલાઈનથી આ સમગ્ર વિસ્તારમાં કોલેરા, ઝાડા, ઉલ્ટીની બીમારીનો રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us