You are here
Home > Local News > રીઓડીટમાં ગેરરીતીઓ અને વહિવટીય બેદરકારી જણાતા જીલ્લા રજીસ્ટ્રારનો વિસનગર તાલુકા સંઘમાં વહીવટદારની નિમણુંક કરવા અભિપ્રાય

રીઓડીટમાં ગેરરીતીઓ અને વહિવટીય બેદરકારી જણાતા જીલ્લા રજીસ્ટ્રારનો વિસનગર તાલુકા સંઘમાં વહીવટદારની નિમણુંક કરવા અભિપ્રાય

રીઓડીટમાં ગેરરીતીઓ અને વહિવટીય બેદરકારી જણાતા જીલ્લા રજીસ્ટ્રારનો
વિસનગર તાલુકા સંઘમાં વહીવટદારની નિમણુંક કરવા અભિપ્રાય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ઓડીટ રિપોર્ટમાં સંઘના વહિવટમાં નાંણાકીય ગેરરીતી અને બેદરકારી જણાતા મહેસાણા જીલ્લા રજીસ્ટ્રારે સહકારી કાયદાની કલમ-૮૧ અન્વયે સંઘના પ્રમુખ અને કારોબારી સભ્યોને ખુલાસો કરવા કારણદર્શક નોટીસ આપી તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વહીવટદારની નિમણુંક કરવા અભિપ્રાય આપતા તાલુકાના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘનુ રીઓડીટ થઈ ગયા બાદ તેનો અહેવાલ મેળવવા દેણપ લિ. મંડળીના પ્રમુખ જશુભાઈ જી.પટેલ દ્વારા જીલ્લા રજીસ્ટ્રારમા અરજી આર.ટી.આઈ. કરવામાં આવી હતી. જેમાં ચોકાવનારી વિગતો જાણવા મળી છે.
• બોનસ ચુકવવા કોઈ નિયમ નહી હોવા છતાં રૂા.૩,૭૨,૦૦૦ બોનસની લ્હાણી
• ધીરાણની જોગવાઈ ન હોવા છતાં રૂા.૨,૫૮,૦૦૦ નું વગર વ્યાજનું ધીરાણ
• સંઘની ગાડીનો મોટા પ્રમાણમાં દુરઉપયોગ થયો હોવાની ગેરરીતિ પકડાઈ
તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ૮ મંડળીઓના ૮ સભાસદોએ સંઘમાં વહિવટમાં ગેરરીતી થયાના ૧૩ મુદ્દાઓ સાથે સંયુક્ત રજીસ્ટ્રાર અને ખાસ અન્વેષકશ્રી સહકારી મંડળીઓ (વિભાગીય) અમદાવાદ સમક્ષ તા.૨૩-૧-૨૦૨૦ના રોજ અરજી કરી વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી ચાર વર્ષના રિઓડીટની માંગણી કરી હતી. જે અરજી અન્વયે સંયુક્ત રજીસ્ટ્રારે શરતોને આધિન તા. ૩૧-૩-૨૦૨૦ સુધીમાં સંઘનુ રિઓડીટ કરી તેનો અહેવાલ મોકલી આપવા હુકમ કર્યો હતો. ત્યારે સંઘનુ ઓડિટ ન થાય તે માટે સંઘના હોદ્દેદારો અને અરજદારો વચ્ચે સુપ્રિમકોર્ટ સુધી લડત ચાલી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે તાલુકા સંઘની અપીલ ફગાવતા સંયુક્ત રજીસ્ટ્રાર અને ખાસ અન્વેષકશ્રી સહકારી મંડળીઓ (વિભાગીય) અમદાવાદના આદેશથી જીલ્લાના ઓડિટરશ્રીઓએ તા.૨૭-૫-૨૦૨૦ થી તા.૮-૬-૨૦૨૦ સુધીમાં ઓડિટ પ્રક્રિયા પુર્ણ કરી હતી. ઓડિટ દરમિયાન સંઘેના વહીવટમાં ગેરરીતી અને બેદરકારી બહાર આવી છે. જેમાં ગુજરાત સહકારી મંડળીઓના અધિનીયમ ૧૯૬૧ની કલમ ૮૧ની જોગવાઈ અનુસાર સંઘના નોંધાયેલા પેટા કાયદામાં કર્મચારીઓને બોનસ ચુકવવા કોઈ પેટા નિયમ નથી. છતાં સંઘના હોદ્દેદારોએ ચાર વર્ષમાં બોનસ ખર્ચ હેડે રૂા.૩,૭૨,૨૦૦ ખર્ચ પાડી કર્મચારીઓને ચુકવ્યુ હતું. સહકારી કાયદાની કલમ ૬૭(ક) અન્વયે સંઘે ચોખ્ખા નફામાંથી ૧૫ ટકા લે ખે ચાર વર્ષના રૂા.૨,૦૦,૯૨૮ શકમંદ લેણા ફંડ કાઢેલ ન હતું. જે ફરજીયાત કાઢવાનું હોય છે. જ્યારે સહકારી ખરીદ વેચાણ સંઘના પેટાનિયમ ૩૧ (૧૯) માં સંઘના કર્મચારીઓને બેંક વ્યાજના દરે જામીનની પ્રક્રિયા કર્યા પછી ધિરાણ કરવાની જોગવાઈ હોવા છતાં સંઘે આઠ કર્મચારીઓને રૂા.૨,૫૮,૦૦૦ વગર વ્યાજે કોઈ જામીન વગર ધિરાણ કર્યુ હતું. અને કર્મચારીઓના ધિરાણનો કોઈ રેકર્ડ નિભાવેલ ન હતો. આ ઉપરાંત સંઘના કારોબારી સભ્ય કમલેશભાઈ ભાયચંદભાઈ પટેલ કમિટી સભામાં સતત નવ વખત ગેરહાજર રહેવા છતાં સહકારી કાયદાના પેટા નિયમ ૩૨(બ) મુજબ તેમને વ્ય.કમિટિમાંથી રદ કર્યા ન હતા. સંઘના સભ્ય પટેલ મણિભાઈ અંબારામનુ અવસાન થતા તેમની જગ્યાએ તેમના પુત્ર શૈલેષભાઈને કો.ઓપ્ટ કર્યા હતા. જ્યારે સંઘના સભ્ય નિખિલભાઈ બાબુભાઈ પટેલ તા. ૨૯-૨-૨૦૧૬ સુધી વ્ય.કમિટિની બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ તેઓ વિદેશ જતા તા. ૨૧-૪-૨૦૧૬થી વ્ય.કમિટિની બેઠકમા હાજર નહી રહેતા સંઘે તેમની જગ્યાએ તાલુકાની ૭૭ મંડળીઓમાંથી એકપણ મંડળીના પ્રતિનિધિને સ્થાન (કો.ઓપ્ટ) નહી આપીને નિષ્કાળજી દાખવી હતી. વધુમાં સંઘના હોદ્દેદારોએ વર્ષો જુના લેણીના નાણાં વસુલવા કોઈ પરિણામ લક્ષી કાર્યવાહી કરી નથી. સહકારી કાયદાના પેટા નિયમ-૨૨માં રૂા.૫૦૦૦ શેર ભંડોળ ધરાવતી મંડળીઓ, મંડળીના પ્રતિનિધિ કારોબારીમાં આવી શકે તેવો નિયમ હતો. છતાં સંઘે ઓછામાં ઓછું રૂા.૧૦,૦૦૦નું શેર ભંડોળ ધરાવતી મંડળીના સભ્ય વ્ય.કમિટીના સભ્ય તરીકે ઉમેદવારી કરી શકશે તેવો પેટા કાયદામાં સુધારો કરાવ્યો હતો. પરંતુ પેટા નિયમ-૨૨માં આવો સુધારો કરાવવાની કેમ જરૂરીયાત ઉભી થઈ તેનો તા. ૨૯-૫-૨૦૧૬ની વાર્ષિક સાધારણ સભાના ઠરાવ નં.૮માં કોઈ ઉલ્લેખ નથી. અને પેટાનિયમ-૨૨ માં સુધારા થતા જ વર્ષ ૨૦૧૫-૧૬ના કારોબારી સભ્યોએ રૂા.૧૦,૦૦૦નુ શેરભંડોળ ધારણ કરી દીધેલ હતુ. સંઘની ગાડીના ઉપયોગમાં પણ ગેરરીતી જોવા મળી છે. આ ઉપરાંત સંઘના હોદ્દેદારોએ સહકારી કાયદાના પેટાનિયમ ૧૬(૫) મુજબ વર્ષ દરમિયાન હિસાબોનું આંતરિક ઓડિટ કરવા ઓડિટરની નિમણુક કરી નથી. ડેડસ્ટોક રજીસ્ટ્રર જોતા પેટાનિયમ ૧૬(૯) મુજબ ગોડાઉન મશીનરી અને બીજા માલ સ્ટોકના રજીસ્ટરોમાં કોઈ નોંધ નથી. પેટાનિયમ ૩૧(૬) મુજબ હિસાબો તપાસવા અને સંઘના કામકાજ અને જરૂરી ખર્ચની તેમજ વહીવટી દેખરેખ માટે એક સબકમિટી નિમેલ નથી. વિસનગર જુથ કમાણા સેવા, ઉદલપુર જુથ તેલીબીયા અને બાસણા સેવા મંડળીના વ્યાજ ગણત્રી પત્રકમાં ગણત્રી કરી હોવા છતાં આ મંડળીઓને ક્રેડીટનોટ આપેલ નથી. અને વાર્ષિક હિસાબોમાં લીધેલ નથી. અને વિસનગરતાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કે.કે.ચૌધરી દઢિયાળ ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ હોવાથી તેમને સંઘને રૂા.૫૨,૧૨૮નું નુકશાન કરી પોતાની સેવા મંડળીને ફાયદો કરાવ્યો હોવાનું રેકર્ડ ઉપર જાણવા મળ્યુુ હતું. સંઘના પ્રમુખ, વ્યસ્થાપક કમિટીના સભ્યો અને મેનેજરે છેલ્લા ચાર વર્ષના રીઓડીટમાં ક્યારેય માલ સ્ટોક અને સિલકની ભૌતિક પ્રત્યક્ષ ખરાઈ કરી નથી. જ્યારે ગંભીર બાબત તો એ છે કે ગુજરાત સહકારી મંડળીઓના નિયમો-૧૯૬૫ના નિયમમાં મંડળીને નિભાવવાના અગત્યના રજીસ્ટ્રરમાં સભાસદ રજીસ્ટ્રર નિભાવવુ ફરજીયાત છે. જે રજીસ્ટર સંઘના ઓડીટમાં રજુ થયેલ નથી. સભાસદ રજીસ્ટ્રરમાં કયા સભ્યો દાખલ થયા, કયા સભ્યોના રાજીનામા આવ્યા, કયા સભ્યો કમી થયા તેની માહિતી મળી શકે. પરંતુ સઘના ચેરમેન અને મેનેજર ઈરાદાપુર્વક સભાસદ રજીસ્ટ્રર રજુ કરતા નથી. તેવુ ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયુ છે. ઓડિટ રિપોર્ટમાં તાલુકા સંઘની ગંભીર પ્રકારની વહીવટી અનિયમિતતા અને નાણાંકીય ક્ષતિઓ ધ્યાને આવતા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ ૧૯૬૧ની કમલ ૮૧ અન્વયે વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. માં વહીવટદારની નિમણુક કરવા જીલ્લા રજીસ્ટ્રારે સ્પષ્ટ ભલામણ કરી છે. અને આગામી સમયમાં સહકારી કાયદાની કલમ ૮૬ મુજબ સંઘના તમામ રેકર્ડની ઉંડાણપુર્વક તપાસ કરાવવા અને કલમ-૯૩ મુજબ હોદ્દેદારોની જવાબદારી નક્કી કરવા ટુંક સમયમાં કાર્યવાહી થશે તેવું જાણવા મળ્યુ છે.

Leave a Reply

Top