Select Page

તંત્રી સ્થાનેથી…કોરોના સંક્રમીતના નામ-સરનામા જાહેર નહી કરવાનો નિર્ણય તંત્રની મોટી ભુલ

તંત્રી સ્થાનેથી…કોરોના સંક્રમીતના નામ-સરનામા જાહેર નહી કરવાનો નિર્ણય તંત્રની મોટી ભુલ

તંત્રી સ્થાનેથી…

લોકો સાવચેતી રાખે તે માટે પુરતી વિગતો જાહેર કરવી જોઈએ

કોરોના સંક્રમીતના નામ-સરનામા જાહેર નહી કરવાનો નિર્ણય તંત્રની મોટી ભુલ

કોરોના વાયરસ ચાઈનાથી ફેલાયો છે. ચાઈનામાં ઓક્ટોબર, નવેમ્બર-૧૯ માં કોરોનાના કેસ જોવા મળ્યા હતા. જો તેજ વખતે આ વાયરસની ભયાનકતા જાહેર કરવામાં આવી હોત તો આખા વિશ્વમાં આ વાયરસ ફલાતો અટકાવી શકાયો હોત. ચાઈનાનુ પીઠ્ઠુ બનેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) પણ કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે એટલુજ જવાબદાર છે. કોરોના પોઝીટીવ કેસ છુપાવવો જોઈએ નહી, તે ચાઈના અને (WHO) ની ભુલને આખા વિશ્વએ ટીકા કરી છે. અત્યારે ભારત દેશમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. મોટા શહેરોમાંથી હવે નાના શહેરો અને ગામડાઓ સુધી કોરોના સંક્રમણ વધ્યુ છે. રોજના કોરોના પોઝીટીવના ૩૦,૦૦૦ ઉપરાંત્ત કેસો નોધાઈ રહ્યા છે. જે કેસો વધતાજ જાય છે. સરકાર અને તંત્ર સંક્રમણની સાંકળ તોડવામાં લાચાર બન્યુ છે. કોરોના રોકવા માટેની કોઈ વેક્સીન કે દવા નહી હોવાથી વધુને વધુ લોકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે. આવા સંજોગોમાં કોરોના અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે, લોકો સંક્રમીતથી તથા સંક્રમીતના પરિવારથી અંતર રાખે તેજ કોરોના ફેલાતો રોકવાની એકમાત્ર દવા છે. ત્યારે આપણુ તંત્ર કોરોના સંક્રમીતને જાહેર થતા રોકી ચાઈના અને (WHO) જેવી ભુલ કરી રહ્યુ છે. અત્યાર સુધી કોરોના પોઝીટીવના નામ, સરનામા અને તેની હીસ્ટ્રી સુધીની વિગતો જાહેર કરવામાં આવતી હતી. પરંતુ તંત્ર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે, કોરોનાના સાચા આંકડા જાહેર થતા રોકવા માટે કે લોકોમાં ભય ન ફેલાય તે માટે ગમે તે કારણોસર છેલ્લા એક અઠવાડીયાથી કોરોના પોઝીટીવના નામ, સરનામા જાહેર નહી કરવા માટેનો નિર્ણય કર્યો છે. કોરોના એ એઈડ્‌સ જેવો કોઈ ગુપ્ત રોગ નથી કે તેને છુપાવવો જોઈએ. કોરોના પોઝીટીવનુ નામ, સરનામુ જાહેર કરવામાં આવે તો સંક્રમીતના સંપર્કમાં કોઈ આવ્યુ હોય તો સંપર્કમાં આવનાર વ્યક્તિ પોતે સાવચેત રહે. સંક્રમીતનુ નામ જાહેર થાય તો સંપર્કમાં આવેલ વ્યક્તિ અઠવાડીયામાં તેને તાવ, શરદી, ઉધરસ કે ગળાની તકલીફ થાય તો ગંભીરતાથી લઈ શકે. સંક્રમીતના સંપર્કમાં આવ્યા બાદ કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલીક સારવાર લઈ શકે. કોરોના સંક્રમીતનુ સ્થળ અને વિસ્તાર જાહેર કરવામાં આવે તો ત્યાં જનાર વ્યક્તિ પણ સાવધાની રાખી શકે. વિસનગરનોજ દાખલો લઈએ તો પ્રકાશ સેવ-ખમણના પરિવારમાં કોરોના પોઝીટીવ આવતા આ વેપારીએ તેમની બન્ને દુકાનો બંધ કરી છે. પ્રકાશ સેવ-ખમણની સ્ટેશન રોડ ઉપરની દુકાન તો બંધ કરી સાથે સાથે મહેસાણા ચાર રસ્તા પાસે આવેલ દુકાન પણ વેપારીએ સમાજના હિતમાં સામે ચાલીને બંધ કરી છે. સંક્રમીત પરિવારનો વ્યક્તિ ધંધા રોજગારની લાલચમાં ધંધાનુ એકમ બંધ ન કરે અને સંક્રમીતનુ નામ જાહેર નહી થવાથી લોકો એ ધંધાના સ્થળની મુલાકાત લે તો કેટલુ સંક્રમણ ફેલાય? પહેલા તો સંક્રમીતની હીસ્ટ્રી પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી હતી. પ્રસંગમાં સંક્રમીત થયો, અપડાઉનમાં સંક્રમીત થયો, સંક્રમીતના સંપર્કમાં આવવાથી સંક્રમીત થયો, કામ વગર બહારગામ અવરજવર કરવાથી સંક્રમીત થયો તેવી તમામ બાબતો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી હતી. જાહેર થયેલ વિગતોથી વાકેફ થઈ લોકો સંક્રમણનો ભોગ ન બને તે માટે તેનુ અનુકરણ કરતા અટકતા હતા અને સાવચેતી રાખતા હતા. સંક્રમીતના પરિવારને કોરન્ટાઈન કરવામાં આવે છે. સંક્રમીત પરિવારનો કોઈ સભ્ય જાહેરમાં ફરે તો જીવતા બોમ્બ જેવો છે. સંક્રમીતનુ નામ જાહેર થાય તો તેના પરિવારનો કોઈ સભ્ય કોરન્ટાઈનનો ભંગ કરી જાહેરમાં ફરતો જણાય તો લોકો તંત્રને પણ જાણ કરી શકે. કોરોના સંક્રમણની સાંકળ તોડવા તેમજ કોરોના સંક્રમણ વધતુ અટકાવવા કોરોના સંક્રમીતનુ નામ, સરનામુ તેની હીસ્ટ્રી, સંક્રમીતના વિસ્તારનો કન્ટેન્મેન્ટ ઝોન વિગેરે જાહેર કરવુ ખુબજ જરૂરી છે. લોક જાગૃતિ અને લોક હિતમાં સંક્રમીતની વિગતો તંત્રએ સામે ચાલીને મીડીયાને આપવી જોઈએ. જે વિગતો મીડીયા પ્રસિધ્ધ કરશે ત્યારે લોકોમાં જાગૃતિ ફેલ
ાશે અને સાવચેતી રાખશે. કોરોના સંક્રમીતના નામ, સરનામા જાહેર નહી કરવાનો નિર્ણય કરી તંત્ર મોટી ભુલ કરી રહ્યુ છે. સંક્રમીતની વિગતો જાહેર કરાશે તો લોકો તેમાંથી માહિતી મેળવશે, સાવચેતી રાખશે અને સંક્રમણ ફેલાતુ થોડુ ઘણું પણ અટકશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us