Select Page

ખેરાલુ વિધાનસભામાં દિવેલા બિયારણના કાળા બજારથી ખેડુતો બેહાલ

ખેરાલુ વિધાનસભામાં દિવેલા બિયારણના કાળા બજારથી ખેડુતો બેહાલ

ખેરાલુ વિધાનસભામાં દિવેલા બિયારણના કાળા બજારથી ખેડુતો બેહાલ-મુકેશભાઈ દેસાઈ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
અપુરતા વરસાદને કારણે હાલ ખેડુતો પાસે માત્ર દિવેલાના વાવેતરનો વિકલ્પ બચ્યો છે. વરસાદ જૂન- જુલાઈમાં થયો હોત તો અન્ય ખેત પેદાશો માટે વાવેતર થવાનું હતુ જે થયુ નથી. ખેડુતો દિવેલાના વાવેતર માટે ૧૫-ઓગષ્ટની રાહ જોઈને બેઠા છે. દિવેલાનું બિયારણ ખરીદવા ખેડુતો ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ ગુજરાત બીજ નિગમ કે દાંતીવાડાનું બિયારણ કોઈ સહકારી સંસ્થાઓ જેવી કે તાલુકા ખરીદ વેચાણ સંઘો તેલીબીયા મંડળીઓ, સેવા સહકારી મંડળીઓમાં ઉપલબ્ધ નથી જેથી ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ખેરાલુ- વડનગર અને સતલાસણા તાલુકાના ખેડુતોએ ખેરાલુ તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ સમક્ષ રજુઆત કરી હતી.
મુકેશભાઈ દેસૌઈએ પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે, દિવેલા બિયારણ ની કિંમત ૪૦૦/- રૂા. હોય છે. જેમાંથી ૧૬૦/- રૂા. સેબસીડી સરકાર ખેડુતોને આપે છે. ખેરાલુ વિધાનસભા સહિત સમગ્ર મહેસાણા જીલ્લાની આવીજ હાલત છે. મહેસાણા ખરીદ વેચાણ સંઘમાં પણ દિવેલાનું સર્ટીફાઈડ બિયારણ નથી. ખેડુતોને સરકારી સંસ્થાઓમાં બિયારણ મળતુ નથી જ્યારે કાળા બજારમા જોઈએ તેટલુ બિયારણ મળે છે. મુકેશભાઈ દેસાઈએ ખેડુત આગેવાન તરીકે સરકાર પાસે માંગણી કરી હતી કે, હજુ ૧૫-ઓગષ્ટ આવવાની વાર છે. તાત્કાલિક ધોરણે બિયારણ ખેડુતોને ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરો. સરકારમાત્ર તાયફા કરે છે. પરંતુ સામાન્ય ખેડુતોની ચિંતા કરતી નથી. સરકારને પુછવુ છે કે બિયારણ ખરીદવા જઈએ ત્યારે કિલોના ભાવ જે હોય છે તે પાક પાકે ત્યારે મણનો ભાવ થઈ જાય છે. દાખલા તરીકે રાયડો બિયારણ ૭૨૫/- રૂા. કિલો, ઉપજનો ભાવ ૮૦૦/- રૂા. પ્રતિમણ વેચાય છે. દિવેલા બિયારણ ૪૦૦/- રૂા. કિલો મળે છે. અને ઉપજ વેચવા જઈએતો ૭૦૦/- રૂા. પ્રતિમણે વેચાય છે. કપાસનુ બિયારણ ૪૫૦ ગ્રામના પેકેટનો ભાવ ૮૫૦/- રૂા. છે જ્યારે ઉપજ વેચવા જઈએ તો મણના ૮૦૦/-રૂા. ઉપજે છે. બાજરીનું બિયારણ ૫૦૦/- રૂા. કિલો મળે છે. અને વેચવા જઈએ તો ૨૫૦/- મણના ભાવે વેચાય છે. ડી.એ.પી. ખાતરમાં થેલીએ ૩૫૦/-રૂા.નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ, લાઈટ બીલ, ખેત મજુરી એ બધુ આસમાને પહોચ્યુ છે. પરંતુ ખેડુતોને જે પોષણક્ષમ ભાવો મળવા જોઈએ તે મળતા નથી.
૨૦૦૪ની સાલમાં યુ.પી.એ. સરકાર હતી ત્યારે કપાસના ભાવ મણના ૧૪૫૦/- રૂા., દિવેલા મણના ૧૨૫૦/- રૂા., કઠોળ મણનો ભાવ ૨૫૦૦/- થી ૩૦૦૦/- રૂા., ગવારનો ભાવ ૬૦૦૦/-રૂા., રાયડાનો ભાવ ૧૦૦૦/- રૂા. મળવાનું કારણ યુ.પી.એ. સરકારમાં કોમોડીટી બજારમાં લાયસન્સ આવ્યા હતા પરંતુ એન.ડી.એ. સરકાર ૨૦૧૪માં સત્તા ઉપર આવી ત્યારે કોમોડીટી લાઈસન્સો રદ કર્યા. જેના કારણે ખેડુતોની ઉપજના કોઈ ભાવો મળતા નથી. યુ.પી.એ.સરકારની સરખામણીમાં તમામ ભાવો અડધા થઈ ગયા છે. જેની સાથે સાથે ખાતર, બિયારણ, ડીઝલ, જંતુનાશક દવાઓ, ઈલેકટ્રીક બીલના ભાવ ડબલ થઈ ગયા છે. જેથી ખેડુતોને પોષણક્ષમ ભાવો ન મળતા આત્મહત્યાઓ કરી રહ્યા છે.
આપણા વડાપ્રધાન ભાષણ કરે છે કે ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક ડબલ કરીશુ. ત્યારે હકીકતમાં આવુ કશુ છે જ નહીં. ઉત્પાદન ખર્ચ અને વેચાણ ભાવોનો મેળ મળતોજ નથી. સરકાર વધુમાં વધુ કૃષિ સેક્ટરમાં ધ્યાન આપે અને ખેડુતોને બચાવવામાં મદદરૂપ થાય. એક બાજુ કોરોના મહામારી, બીજી તરફ ખેડુતો બે હાલ, ત્રીજી તરફ વરસાદ નથી અને ચોથી તરફ દિવેલાનું બિયારણ નથી. ખેડુતો ચારે તરફથી પીસાઈ રહ્યા છે. સરકારે ૨૦ લાખ કરોડનું પેકેજ બહાર પાડ્યુ જેમાં ખેડુતો માટે બે લાખ કરોડનુ પેકેજ છે. જેમાં મિડીયાના માધ્યમથી જાણ્યુ કે, ૭૪૦૦૦/- કરોડ રૂા. ટેકાના ભાવે કપાસ, ચણા, રાયડો સરકારે ખરીદ્યો. ૧૮૦૦૦/- કરોડ રૂપિયા કિસાન નિધીમાં ખેડુત દીઠ ૨૦૦૦/-રૂા. આપવામાં આવ્યા. આ જાહેરાતનો ૨૦૧૯ની ચુંટણી પહેલા સરકારે જાહેરાત કરી હતી. બીજુ ૬૪૦૦/- કરોડ રૂપિયા ફસલ બીમા તરીકે પ્રિમિયમ ભર્યુ. આમ એક લાખ કરોડ આંકડામાં પુરા થયા. બીજા ૧ લાખ કરોડમાં ખેડુતો માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા ધિરાણ આપીશુ. જેવા અનેક પ્રોજેક્ટો બતાવ્યા હકીકતમાં ખેડુતોને પ્રત્યક્ષ કે પરોક્ષરીતે કોઈ ફાયદો થયો નથી. આંકડાની માયાજાળ સિવાય કાંઈ નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us