Select Page

વિસનગરના યુવાધનને નશાખોરી તરફ ધકેલતો કાળો કારોબાર તમાકુમાં કેમિકલયુક્ત ઈ સીગારેટનો જથ્થો ઝડપાયો

શૈક્ષણિક નગરીમાં શિક્ષણના વિકાસ સાથે યુવાધનને નશાખોરી તરફ ધકેલતો કાળો કારોબાર પણ એટલોજ ધમધમતો થયો છે. શૈક્ષણિક સંસ્થાઓ આગળ ચરસ અને ગાંજાની પડીકીઓનુ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યુ છે. શહેરમાં પોલીસે તમાકુમાં કેમિકલયુક્ત ઈ સીગારેટનો જથ્થો વેચતા ઝડપાતા એ વાતની સાબીતી મળે છેકે, યુવાધનને નશાખોરી તરફ ધકેલતી વસ્તુઓનો ખુલ્લેઆમ વેપાર થાય છે. રૂા.૨૪,૬૦૦/- ની ઈ સીગારેટ જપ્ત કરી ઉંઝાના શખ્સ વિરુધ્ધ ધ પ્રોહિબીશન ઓફ ઈલેક્ટ્રોનીક સીગારેટ એક્ટ ૨૦૧૯ મુજબ ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી છે.
ચરસ અને ગાંજાની પડીકીઓનો ખુલ્લેઆમ વેપાર થાય છે
વિસનગરની શૈક્ષણિક સંસ્થાઓમાં અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓ હોસ્ટેલમા કે શહેરમાં મકાન ભાડે રાખીને રહે છે. હોસ્ટેલ લાઈફમાં માતા પિતાની દેખરેખ નહી હોવાથી તેનો કેટલાક તત્વો લાભ ઉઠાવી વિદ્યાર્થીઓને નશાખોરી તરફ ધકેલી રહ્યા છે. પોલીસ સતર્ક નહી રહે તો શૈક્ષણકિ નગરી ઉડતા પંજાબ બની શકે છે. સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.બળવંતસિંહ શીવાજી તથા અન્ય સ્ટાફ પી.આઈ.એ.એન. ગઢવીની સુચનાથી પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, કડા ત્રણ રસ્તા પાસે નિલેષ વાઘેલા નામનો શખ્સ ભારત સરકારે પ્રતિબંધિત કરેલ ઈ સીગારેટનો જથ્થો થેલામાં ભરીને ઉભો છે અને વેપાર કરે છે. પોલીસે તાત્કાલીક રેડ કરી ઉંઝા તાલુકાના ઉનાવા ગામનો વાઘેલા નિલેષ કાનજીભાઈ પરષોત્તમભાઈને પકડી તપાસ કરતા થેલામાં અલગ અલગ બ્રાન્ડની ઈ સીગારેટ મળી આવી હતી. સીગારેટ ઉપર વોર્નિંગ લખેલી હતી કે ‘ધીસ પ્રોડક્ટ ઈન્ટેઈનસ નિકોટીન ઈસ એન એડેક્ટીવ કેમિકલ’. પોલીસે રૂા.૨૪૬૦૦ ની કિંમતની ઈ સીગારેટના જથ્થા સાથે જપ્ત કર્યો હતો. ઈ સીગારેટના જથ્થા સાથે ઝડપાયેલા નિલેષ વાઘેલા વિરુધ્ધ ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી છે.
નોધપાત્ર બાબત છેકે થોડા સમય અગાઉજ શહેરની એક શૈક્ષણિક સંસ્થામાં કેટલાક યુવાનોને ગાંજાના જથ્થા સાથે ઝડપ્યા હતા. જેમના વિરુધ્ધ સંસ્થા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નશો કરાવતી વસ્તુઓ ક્યાંથી આવે છે અને કોણ વેપાર કરે છે તેની માહિતી પણ આપવામાં આવી હતી. પરંતુ આગળ કોઈ કાર્યવાહી થઈ નહોતી. પોલીસ જો સતર્કતા રાખી કડક હાથે કામ નહી લે તો શિક્ષિત યુવાધનને નશાખોરી તરફ ધકેલાતુ કોઈ બચાવી શકશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us