ગાયનેક વિભાગના નિષ્ણાંત તબીબો દ્વારા નૂતન હોસ્પિટલમાં મહિલાના ગુપ્તાંગ માર્ગનુ સફળ ઓપરેશન
નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા ઉત્તરોત્તર વિકસાવાયેલ અદ્યતન આરોગ્ય લક્ષી સેવાઓ થકી ગંભીર રોગોના ગણા દર્દીઓના જીવન બચી રહ્યા છે. પરંતુ ખાસ કિસ્સામાં દંપતિનું લગ્નજીવન અને કુટુંબની પ્રતિષ્ઠા નૂતન હોસ્પિટલના નામાંકિત નિષ્ણાત તબીબો દ્વારા બચાવાઇ છે. અશક્ય લાગતા જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરી ફરી એક વાર સાબિત કર્યું છે કે નૂતન હોસ્પિટલમાં આશા લઈ આવેલ દર્દી ચોક્કસ નિદાનથી સારવાર મળતા હસતા મુખે હર્ષની લાગણી વ્યક્ત કરતા વિદાય લે છે.
તાજેતરમાં જ તારીખ ૧૫- -૦૩ -૨૪ ના રોજ ૨૨ વર્ષીય મહિલા તેના લગ્નના એક વર્ષ પછી નૂતન હોસ્પિટલના ગાયનેક વિભાગમાં તપાસ માટે આવેલ. તપાસ કરવા આવવાનું કારણ એવી ગંભીર શારીરિક તકલીફ હતી કે ક્યારેય માસિક આવતુ નહોતુ અને શારીરિક સંબંધ રાખી શકતી ન હતી. તપાસ કરતા ૧૦,૦૦૦ મહિલાએ એકમાં જવ્વલેજ જોવા મળતો કેસ હતો. દર્દીને ગર્ભાશય, ગર્ભાશયની નળી અને યોની માર્ગ ન હતા. આ મહિલા દર્દીના જરૂરી રિપોર્ટ કરી યોનિમાર્ગ બનાવવાનું ઓપરેશન કરવા માટે દાખલ કરવામાં આવી હતી.
ગાયનેક વિભાગના વડા ડૉ.માધુરી અલવાની, ડૉ.હાર્દિક તથા ડૉ.કિરીટ પટેલ (પ્લાસ્ટિક સર્જન ) ડૉ.ઉષા પટેલ અને તેમની એનેસ્થેટિક ટીમના સહયોગથી તા.૧૮-૦૩-૨૪ ના રોજ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ જટિલ ઓપરેશનમાં ગાયનેક વિભાગની ટીમ સાથે અન્ય સિનિયર અનુભવી નિષ્ણાત ડોક્ટર્સ ડૉ. જે.સી.પટેલ, ડૉ. પંકજ, ડૉ. ભૌમિક, ડૉ. ભામિની કડીકર, ડૉ. વિભૂતિ, ડૉ.નેહા, ડૉ. રુચિકા, ડૉ.રાજવી, ડૉ.ઈશાનનો સહયોગ મળ્યો અને એક કલાક જેટલું લાંબુ ચાલેલ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
આ સફળ ઓપરેશન બાદ દર્દીની આરોગ્યલક્ષી હાલત ખૂબ જ સારી છે,સ્વસ્થ છે. આ ઓપરેશન બાદ હવેથી મહિલા શારીરિક સંબંધ સાથે સુખી લગ્ન જીવન જીવી શકશે.
ભાગ્યે જ જોવા મળતા આવા કિસ્સામાં આ પ્રકારનું ઓપરેશન જૂજ અનુભવી તબીબો જ કરી શકતા હોય છે જે નૂતન હોસ્પિટલમાં કરવામાં આવ્યુ છે. લાખોના ખર્ચે થતું આવું પ્લાસ્ટીક સર્જરી સાથેનુ જટિલ ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવેલ છે. જે બદલ દર્દી અને તેમના સગા સ્નેહીજનો દ્વારા ડોક્ટર્સની ટીમ, હોસ્પિટલ સ્ટાફ સહિત ખાસ સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.