Select Page

વિસનગરના ગામોમાંથી કોંગ્રેસ-આપ પાર્ટીના ૮૦૦ કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ ભાજપના ભરતી મેળાના કાર્યક્રમમાં

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રહિતના વિકાસ કાર્યોથી પ્રેરાઈને વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાતના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના વિકાસયજ્ઞમાં આહુતી આપવા હું મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયો છું.-પ્રશાંતભાઈ પટેલ
  • મેં કોંગ્રેસ પક્ષમાં ૪૦ વર્ષ સુધી નિષ્ઠાપુર્વક કામ કર્યુ. પરંતુ કોંગ્રેસની નબળી નેતાગીરી અને ચુંટણીમાં ટીકીટોનો વેપલો કરવાની ભ્રષ્ટ નિતિથી કંટાળીને આજે મેં ભાજપનો કેસરીયો ધારણ કર્યો- પશાભાઈ પટેલ (ઘાઘરેટ)

વિસનગર નજીક કાંસા એન.એ.વિસ્તારમાં આવેલ વિશાલ પાર્ટી પ્લોટમાં ગુજરાત સરકારના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપના ભરતી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિસનગર તાલુકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ૮૦૦ જેટલા કાર્યકરો કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે કેસરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સમર્થક અને બાવીસ કડવા પાટીદાર સમાજના યુવા સામાજીક કાર્યકર પ્રશાંતભાઈ પટેલ તથા તેમના ધર્મપત્નિ કાંસા એન.એ.ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પટેલ ૪૦૦ જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીના નાના ગઢમાં મોટુ ગાબડુ પડ્યુ છે. જોકે ગત વિધાનસભાની ચુંટણી ટાણે આમ આદમી પાર્ટીના સમર્થક પ્રશાંતભાઈ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી.
વિસનગર નજીક કાંસા એન.એ. વિસ્તારમાં આવેલ વિશાલ પાર્ટી પ્લોટમાં ગુરૂવારે સાંજે ગુજરાત સરકારના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને મહેસાણા લોકસભા સીટના ઉમેદવાર હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપના ભરતી મેળાનું આયોજન કરાયુ હતુ. જેમાં કાંસા એન.એ.ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પટેલ, આમ આદમી પાર્ટીના સમર્થક અને સામાજીક કાર્યકર પ્રશાંતભાઈ પટેલ, વિસનગર તાલુકા કોંગ્રેસ પુર્વ પ્રમુખ પશાભાઈ પટેલ, જીલ્લા સહકારી અગ્રણી કમલેશભાઈ પટેલ (દેણપ), કાંસા એન.એ.ના પુર્વ સરપંચ ચેતનાબેન પટેલ, કોંગ્રેસના પુર્વ ડેલીગેટ ઈન્દ્રવદન પટેલ (ઉમતા), સહકારી અગ્રણી ઈશ્વરભાઈ પટેલ (રંગપુર), આમ આદમી પાર્ટીના કાર્યકર ચેતનભાઈ પટેલ (કમાણા), ગુંજાના ઉપસરપંચ ભીખાભાઈ ચૌધરી, સુનિલભાઈ ચૌધરી (ખંડોસણ), રાજુભાઈ એમ.પટેલ (વકીલ ઉમતા) સહિત સદુથલા, વડુ, ઘાઘરેટ, દેણપ, રંગપુર, સાતુસણા, ઉમતા, લક્ષ્મીપુરા, જેતલવાસણા, મહંમદપુરા, કાંમલપુર, રાલીસણા, હસનપુર, કુવાસણા, કમાણા તથા કાંસા એન.એ.વિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ૮૦૦ જેટલા કાર્યકરો કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી વિધિવતરીતે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપમાં જોડાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની લાંબી લાઈનો લાગી હતી. જેને જોતા આ લોકસભાની ચુંટણીમાં સમગ્ર મહેસાણા જીલ્લામાં વિસનગર તાલુકામાંથી ભાજપને ઐતિહાસિક મતોની લીડ મળશે તેવું રાજકીય વિશ્લેષકો ગણિત માંડી રહ્યા છે.
આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યુ હતુ કે ભૂતકાળની સરકારોમાં ચુંટણી ટાણે પ્રજાને વિકાસના વચનો આપવામાં આવતા હતા. પરંતુ સત્તા મેળવ્યા પછી પ્રજાના કોઈ કામો થતા ન હોતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્ર્‌હિતના અનેક કાર્યો કર્યા છે. પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વને સમગ્ર દેશવાસીઓએ સ્વિકાર્યુ છે. આજે વડાપ્રધાન મોદીની સરકારમાં ભ્રષ્ટાચારીઓ જેલમાં છે. જેમને બચાવવા ઈન્ડીયા ગઠબંધન ભેગુ થયુ છે. હવે આ ચુંટણીમાં ૪૦૦ પારના લક્ષ્યાંક સાથે સતત ત્રીજી વખત કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર બનશે. જ્યારે આમ આદમી પાર્ટીના સમર્થક અને કાંસા એન.એ.ગ્રામ પંચાયતના સરપંચ પતિ પ્રશાંતભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કામોની રાજનિતિથી પ્રેરાઈને આજે હું મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયો છું. જોકે અમે ભાજપમાં જોડાયા ન હોતા છતાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને ભાજપના દરેક હોદ્દેદારોએ એન.એ.વિસ્તારના વિકાસમાં સહયોગ આપી રહ્યા છે. જેથી અમે બધા કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના વિકાસયજ્ઞમાં આહુતિ આપવા ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કોંગ્રેસના પુર્વ તાલુકા પ્રમુખ પશાભાઈ પટેલે કોંગ્રેસની નેતાગીરી સામે બળાપો કાઢતા જણાવ્યુ હતુ કે, મેં કોંગ્રેસ પક્ષમાં એક કાર્યકર તરીકે ૪૦ વર્ષ સુધી નિષ્ઠાપુર્વક કામ કર્યુ તે બધા જાણે છે. મેં વર્ષ ૨૦૧૫ની તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં તનતોડ મહેનત કરીને વિસનગર તાલુકા પંચાયતની ૧૯ અને જીલ્લા પંચાયતની ૫ બેઠકો જીતાડી સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તા અપાવી હતી. પરંતુ વર્ષ ૨૦૨૦ની તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસના કેટલાક મળતીયાઓએ બારોબાર મેન્ડેટનો વેપલો કરતા કોંગ્રેસને નુકશાન થયુ હતુ. ત્યારથી અમે બધાએ કોંગ્રેસ છોડી ભાજપની વિકાસયાત્રામાં સહભાગી બનવાનો નિર્ણય લીધો હતો. અને આ લોકસભાની ચુંટણીમાં વિસનગર તાલુકામાંથી ભાજપના ઉમેદવારને સૌથી વધુ મતની લીડ આપવા તન, મન, ધનથી મહેનત કરીશું તેવો હુંકાર કર્યો હતો. ભાજપના ભરતી મેળાના કાર્યક્રમમાં તાલુકાના ગામેગામથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની ભાજપમાં જોડાવા લાંબી લાઈનો લાગતા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ સમગ્ર મહેસાણા જીલ્લામાં વિસનગર તાલુકામાંથી પોતાને (ભાજપને) સૌથી વધુ મતોની લીડ મળશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી બાબુભાઈ જેબલીયા, ભાજના નેતા ડા.સંજયભાઈ દેસાઈ, મહેસાણા જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, પુર્વ સાંસદ જયશ્રીબેન પટેલ , વિસનગર એ.પી.એમ.સી. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, શહેર પ્રમુખ મનિષભાઈ પટેલ(ગળીયા), તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, એ.પી.એમ.સી.ડીરેક્ટર રાજુભાઈ એલ.ચૌધરી, વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, શહેર મહામંત્રી ખુશાલભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ (ઉમતા), વિષ્ણુભાઈ પી.પટેલ (દેણપ), તાલુકા સદસ્ય બિપીનભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના કેટલાક હોદ્દેદારો અને આગેવાનોને સ્ટેજ ઉપર સ્થાન નહી મળતા ભારે ગણગણાટ ફેલાયો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts