Select Page

વિસનગરમાં ગત લોકસભા કરતા ૬ ટકા ઓછુ મતદાન

વિસનગરમાં ગત લોકસભા કરતા ૬ ટકા ઓછુ મતદાન

ચામડી દઝાડતો તાપ રામ મંદિરના ઉત્સાહ ઉપર હાવી થયો

  • વિસનગર સીટમાં ૫૦,૦૦૦ આસપાસની લીડનુ ભાજપનુ અનુમાન
  • સૌથી વધુ કિયાદરમાં ૯૦.૩૦ ટકા અને સૌથી ઓછુ ગણપતપુરામાં ૪૪.૯૬ ટકા મતદાન
  • શહેર કરતા ગામડાનુ ૪.૩૭ ટકા વધુ મતદાન

લોકસભાની ચુંટણીમાં વિસનગર સીટમા દર બે કલાકે થયેલ મતદાન
સમય સ્ત્રી પુરુષ કુલ
૭ થી ૯ ૧૩.૦૪ ૭.૩૮ ૧૦.૨૯
૯ થી ૧૧ ૧૬.૭૨ ૧૪.૬૨ ૧૫.૭૧
૧૧ થી ૧ ૧૩.૧૭ ૧૨.૨૮ ૧૨.૭૩
૧ થી ૩ ૯.૦૨ ૧૧.૨૮ ૧૦.૨૧
૩ થી ૫ ૬.૨૬ ૬.૩૭ ૬.૩૧
૫ થી ૬ ૪.૬૮ ૪.૨૬ ૪.૪૮
કુલ ૬૩.૦૭ ૫૬.૧૯ ૫૯.૯૭

લોકસભાની ચુંટણીમાં સવારથી બુથ ઉપર મતદારોની લાઈનો જોઈને વિક્રમી મતદાન થશે તેવુ જણાતુ હતુ. પરંતુ ઉનાળાની ગરમીએ અગાઉના તમામ રેકર્ડ તોડતા બપોર પછી બાકી મતદારોએ બહાર નિકળવાનુ ટાળતા વિસનગર લોકસભાની છેલ્લી બે ચુંટણી કરતા ઓછુ મતદાન નોધાયુ હતુ. વિસનગર સીટમા કુલ ૫૯.૯૭ ટકા મતદાન નોધાયુ હતુ. જેમા કિયાદરમા સૌથી વધુ ૯૦.૩૦ અને ગણપતપુરામા સૌથી ઓછુ ૪૪.૯૬ ટકા મતદાન થયુ હતુ. ગરમીનો એટલો પ્રકોપ હતો કે વધુ મતદાન અને વધુ લીડની ભાજપની તમામ ગણતરીઓ ઉંધી પડી હતી.
અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ બાદ યોજાનાર ૧૮ મી લોકસભાની ચુંટણીમાં હિન્દુ મતદારોમાં એટલો ઉત્સાહ જોવા મળતો હતો કે આ વખતની ચુંટણીમા અગાઉની તમામ લોકસભાની ચુંટણી કરતા વિક્રમી મતદાન થશે તેવુ અનુમાન હતુ. પરંતુ તા.૭-૫-૨૦૨૪ ના મતદાનના દિવસે ગરમીનો પારો ૪૨ ડિગ્રી પાર કરતા નિરસ મતદાન જોવા મળ્યુ હતુ. મહેસાણા લોકસભાની બેઠકમાં વિસનગર વિધાનસભા ક્ષેત્રમાં કુલ ૨,૩૪,૨૧૦ મતદારોમાંથી ૧,૩૯,૮૯૭ નુ મતદાન કરતા ૫૯.૭૩ ટકા મતદાન નોધાયુ હતુ. જેમાં ગામડાના ૧,૭૫,૧૨૪ મતદારમાંથી ૧,૦૬,૫૩૩ નુ મતદાન થતા ૬૦.૮૩ અને શહેરમાં કુલ ૫૯,૦૮૬ માંથી ૩૩,૩૬૪ નુ મતદાન થતા ૫૬.૪૬ ટકા મતદાન નોધાયુ હતુ. કુલ ૨૩૬ બુથમા બુથ નં.૮૭ કિયાદરમા સૌથી વધુ ૯૦.૩૦ અને બુથ નં.૨૧૨ ગણપતપુરામા સૌથી ઓછુ ૪૪.૯૬ ટકા મતદાન થયુ હતુ. શહેરના ૫૧ બુથમાંથી બુથ નં.૯૪ મા સૌથી વધુ ૭૧.૫૪ ટકા અને બુથ નં.૧૦૯ મા સૌથી ઓછુ ૪૬.૫૬ ટકા મતદાન નોધાયુ હતુ. વર્ષ ૨૦૧૯ ની લોકસભામા વિસનગર સીટમા ૬૫.૭૫ ટકા કરતા ૬.૦૨ ટકા અને ૨૦૨૨ ની વિધાનસભામા ૬૯.૧૧ ટકા કરતા ૯.૩૮ ટકા ઓછુ મતદાન થયુ છે. પુરુષ અને સ્ત્રી મતદાનની ટકાવારીમાં કુલ ૧,૨૦,૬૧૯ પુરુષ મતદારોમાં ૭૬,૦૭૬ નુ મતદાન થતા ૬૩.૭૧ અને ૧,૧૩,૫૮૮ સ્ત્રી મતદારોમાં ૬૩,૮૨૦ નુ મતદાન થતા ૫૬.૧૮ ટકા મતદાન જોવા મળ્યુ હતુ.
લોકસભાની દર વખતની ચુંટણી કરતા આ વખતે વધુમાં વધુ મતદાન થાય તેવી ધારણા હતી. મતદાન સવારે ૭-૦૦ કલાકે શરૂ થયુ હતુ. ત્યારે સવારથીજ બુથ ઉપર મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો. જેમાં સવારે ૭ થી ૯ મા ૧૦.૨૯ ટકા, ૯ થી ૧૧ મા ૧૫.૭૧ ટકા અને ૧૧ થી ૧ મા ૧૨.૭૩ ટકા મતદાન થયુ હતુ. બપોરે ૧-૦૦ કલાક પછી મતદાનમા ધબડકો જોવા મળ્યો હતો. ઉનાળાના કારણે કુલ ૧૧-૦૦ કલાકના મતદાનના સમયમાં સવારે ૭ થી ૧ કલાકના પ્રથમ છ કલાકમા ૩૮.૭૩ ટકા અને બાકીના પાંચ કલાકમાં ૨૧ ટકા મતદાન થયુ હતુ. બપોર બાદ આગ ઝરતી ગરમીના કારણે મતદારોએ ઘરની બહાર નિકળવાનુ ટાળ્યુ હતુ. રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સાહ ઉપર હિટવેવે પાણી ફેરવી દીધુ હતુ.
મહેસાણામાં ભાજપે હરિભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરતાજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર શહેરમાંથી ચુંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જે સમયે ચુંટણી પ્રચારની સભાઓમાં એક લાખની લીડનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યુ હતુ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજમાં વિવાદ વકરતા તેમજ કોંગ્રેસે રામજીભાઈ ઠાકોરને ઉમેદવાર જાહેર કરતા ઠાકોર સમાજના મતોનુ ધૃવિકરણ જોતા એક લાખની લીડના ભાષણો બંધ કરવામાં આવ્યા હતા. તેમ છતા ભાજપના ગઢમા હરિભાઈ પટેલને સૌથી વધારે મત મળવાની શક્યતા દેખાતા વિસનગર સીટમાં ૫૦ થી ૫૫ હજાર મતની લીડ મળે તેવુ ભાજપનુ અનુમાન છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us