Select Page

હિટસ્ટ્રોકથી ૬૫૬ મતદાર બિમાર-સ્થળ ઉપર સારવાર અપાઈ

  • વિસનગરના તમામ બુથ ઉપર દવાઓ સાથે મેડિકલ ટીમ ખડેપગે રહી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં એમાય હિટવેવના સમયમાં લોકસભાની ચુંટણીના મતદાનમાં મતદારોના સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલના માર્ગદર્શનમાં તમામ બુથ ઉપર દવાઓ સાથે મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હતી. લાઈનમાં ઉભા રહેલા મતદારોમાં ચક્કર આવવા કે માથુ દુઃખાવાની ફરિયાદો ઉઠતા આવા ૬૫૬ દર્દીઓને સ્થળ ઉપરજ સારવાર આપવામાં આવી હતી. લોકશાહીનુ પર્વ ઉજવવામાં મતદાનમાં ઉત્સાહ દાખવનાર મતદારોને કોઈ શારીરીક તકલીફ ઉભી થાય નહી તે માટે તમામ કાળજી તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા રાખવામાં આવી હતી.
ઉનાળાના ધોમધખતા તાપમા, ઉનાળાની મધ્યે જ્યારે લોકસભાની ચુંટણી યોજાઈ રહી છે ત્યારે સાત તબક્કા પૈકી અગાઉના બે તબક્કામાંથી અનુભવ મેળવી ચુંટણી પંચ દ્વારા મતદારોને કોઈ શારીરીક તકલીફ ઉભી થાય નહી તે માટે મેડિકલ સારવારની પુરતી તૈયારીઓ કરવામાં આવી હતી. ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેકથી લઈ વિવિધ તકલીફો થઈ હતી ત્યારે પ્રથમ અને બીજા તબક્કામાં અન્ય રાજ્યોમાં કેટલાક મતદારો પણ હિટવેવનો ભોગ બન્યા હતા. લોકશાહીના પર્વના મહાયજ્ઞમાં મતદારોની મતરૂપી આહુતી ઘણી અગત્યની હોઈ, મતદારોને મતદાન સમયમાં કોઈ શારીરીક તકલીફ થાય તો સ્થળ ઉપરજ સારવાર મળી રહે તે માટે વિસનગર તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા તમામ ૨૩૬ બુથ ઉપર અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિસનગર તાલુકામાં જીલ્લા આરોગ્ય અને વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.આર.ડી.પટેલની સીધી દેખરેખમાં શહેર અને તાલુકાના તમામ ૨૩૬ બુથ ઉપર પ્રાથમિક દવાઓ તથા મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. અસહ્ય ગરમીથી કોઈ મતદાતાને તકલીફ ન પડે તે માટે આરોગ્ય ટીમ દ્વારા સ્થળ ઉપરજ સારવાર મળી રહે તે માટે ઓ.આર.એસ. દ્રાવણની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ૧૫૭૧ જેટલા ઓ.આર.એસ. પેકેટનો વપરાશ થયો હતો. દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પહોચવા માટે દિવ્યાંગ રથ તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામા આવતા તેનો ૪૦૧ દિવ્યાંગ મતદાતાઓએ લાભ લીધો હતો. મતદાન સમયે વિસનગર તાલુકાના વિવિધ બુથ ઉપર ઝાડા ઉલ્ટી, ચક્કર આવવા, માથુ દુઃખવુ, હાયપર ટેન્શન, ડાયાબીટીસની વિગેરે તકલીફ મતદાતાઓમાં જોવા મળી હતી. આવા ૬૫૬ દર્દીઓને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. લોકશાહીના પર્વમાં મતદારોના શારીરીક સ્વાસ્થ્ય માટે વિસનગર તાલુકાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને આશા બહેનોએ આ મહાપર્વમા સરાહનીય કામગીરી કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts