Select Page

વિશ્વ આંજણા ચૌધરી સમાજ સંકુલ માટે દૂધ સાગર ડેરીના ડીરેક્ટર દગાવાડીયાના કનુભાઈ ચૌધરીની રૂા.૧૧ કરોડ દાનની જાહેરાત

  • બહુહેતુક આંજણા ધામ માટે ફક્ત દગાવાડીયાના દાતાઓ તરફથી રૂા.૭૯ કરોડનુ દાન મળ્યુ

અમદાવાદમાં વિશ્વ આંજણા ચૌધરી સમાજ દ્વારા સામાજીક અને શૈક્ષણિક વિકાસ માટે રૂા.૩૦૦ કરોડના ખર્ચે ભવ્ય સંકુલ આકાર લઈ રહ્યુ છે. જેમાં આંજણા ચૌધરી સમાજના વિવિધ દાતાઓ દ્વારા રૂા.૧૫૧/- કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ડીરેક્ટર તથા ગાંધીનગર પ્રમુખ ગૃપના જાણીતા બીલ્ડર દગાવાડીયાના કનુભાઈ ચૌધરી દ્વારા રૂા.૧૧ કરોડ દાનની જાહેરાત કરવામાં આવી છે.
પૈસો તો ઘણા લોકો પાસે હોય છે. પરંતુ સમાજ માટે અને લોક કલ્યાણ માટે ખર્ચવાની હિંમત તથા ગુણ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામના ગાંધીનગર પ્રમુખ ગૃપના જાણીતા બીલ્ડર તથા દૂધસાગર ડેરીના ચેરમેન કનુભાઈ ચૌધરીએ સામાજીક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમા ઘણુ દાન આપ્યુ છે. ત્યારે ચૌધરી આંજણા
સમાજના સંકુલ માટે રૂા.૧૧ કરોડના માતબર દાનની જાહેરાત કરીને કનુભાઈ ચૌધરીએ ફરી એક વખત ઉદાર દાતાના ગુણોનો પરિચય કરાવ્યો છે. અમદાવાદ અડાલજની બાજુમાં જમીયતપુરા, ટોલનાકા નજીક વિશ્વ આંજણા સમાજ દ્વારા રૂા.૩૦૦ કરોડના ખર્ચે નવી સંકુલ આકાર પામી રહ્યુ છે. યુ.પી.એલ.સી., જી.પી. એસ.સી. સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, વ્યવસાયલક્ષી તાલીમ ભવન, કુમાર અને કન્યા છાત્રાલય, એન.આર.આઈ. અને સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડીટોરીયલ, લાયબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હૉલ, હેલ્થ કેર યુનિટ, વ્યસનમુક્તિ કેન્દ્ર, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, યોગ એન્ડ ફીટનેસ સેન્ટર જેવી બહુવિધ સુવિધાઓ સંકુલમાં ઉભી કરવામાં આવનાર છે. સમાજના શેઠ શ્રી હરિભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિશ્વ આંજણા ફાઉન્ડેશનના ઉપક્રમે નિર્માણ પામનાર સંકુલના દાન માટે સમાજના દાતાઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના દાતાઓએ દાનની સરવાણી વહેવડાવતા જોતજોતામાં રૂા.૧૫૧ કરોડ દાનની જાહેરાત થઈ હતી. જેમાં દગાવાડીયાના મણીલાલ કરશનભાઈ ચૌધરીએ રૂા.૫૧ કરોડ, શંકુઝ વોટર પાર્કના શંકરભાઈ કે.ચૌધરીએ રૂા.૩૫ કરોડ, ચરાડાના હરિભાઈ વેલજીભાઈ ચૌધરીએ રૂા.૨૫ કરોડ, દગાવાડીયાના કનુભાઈ ડાહ્યાભાઈ ચૌધરીએ રૂા.૧૧ કરોડ, દગાવાડીયાના બાબુભાઈ મણીભાઈ ચૌધરીએ રૂા.૧૧ કરોડ, સૂઈ ગામના રમેશભાઈ ભીમજીભાઈ ચૌધરીએ રૂા.૧૧ કરોડ, દગાવાડીયાના નાથાભાઈ દલસંગભાઈ ચૌધરીએ રૂા.૨ કરોડ, ડાહ્યાભાઈ મણીલાલ ચૌધરીએ રૂા.૨ કરોડ તેમજ બળદેવભાઈ લવજીભાઈ ચૌધરીએ રૂા.૨ કરોડ સહિત કુલ રૂા.૧૫૧ કરોડ દાનની જાહેરાત થઈ હતી. ખુલ્લા મને અને હાથે દાન આપનાર દાતાઓનુ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતુ. શંકરભાઈ ચૌધરીએ દાતાઓનો આભાર માની આંજણા ચૌધરી સમાજના અન્ય દાતાઓ તથા ભાઈઓ બહેનોને દાન આપવા અપીલ કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts