Select Page

લોન બીલ્ડરના ખાતામાં જમા, પણ ફ્લેટના પઝેશન મળ્યા નહી

લોન બીલ્ડરના ખાતામાં જમા, પણ ફ્લેટના પઝેશન મળ્યા નહી

ગરીબોના ઘરનુ ઘરના સપના રોળાયા – બીલ્ડર, પાલિકા તંત્ર અને બેંકોનુ સંયુક્ત કૌભાંડ

  • બાંધકામ મંજુરી આપ્યા બાદ ૮ વર્ષે કામ અધૂરૂ જ્યારે પાલિકાએ બીજાજ વર્ષે બી.યુ પરમિશન આપી દીધુ
  • વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે બીલ્ડરને નોટીસ આપી અને કલેક્ટર સહિત તંત્રને જાણ કરી

વિસનગરમાં સુંશી રોડ ઉપર આવેલ શુભ શુક્ર રેસીડન્સી ફ્લેટની સ્કીમમા ઘરનુ ઘર મેળવવાની આશાએ અનેક ગરીબ પરિવારના લોકો ફસાયા છે. જોકે આ કૌભાંડમાં વિસનગર પાલિકા પણ સામેલ છે. કોંગ્રેસ અને વિકાસમંચના ગઠબંધનના શાસનમાં બાંધકામ મંજુરી આપ્યા બાદ બીજાજ વર્ષે બી.યુ પરમિશન આપતા આખા કૌભાંડનો માર્ગ મોકળો બન્યો હતો. બી.યુ આધારે બેંકોએ ધડાધડ લોનો આપી તે બીલ્ડરના ખાતામા જમા થઈ. પરંતુ હજુ સુધી ફ્લેટના કબજા નહી મળતા સમસ્ત મામલો વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા સમક્ષ આવતા બીલ્ડરને નોટીસ આપી કલેક્ટર સહિતના સમગ્ર તંત્રને જાણ કરવામાં આવી છે.
વિસનગરમાં અમદાવાદના શુક્રા જ્વેલર્સ લીમીટેડ દ્વારા સુંશી રોડ ઉપર A થી K સીરીજ સુધીના અગીયાર ટાવરની વર્ષ ૨૦૧૬ મા સ્કીમ મુકવામા આવી હતી. રૂા.૮ થી ૯ લાખની કિંમતમા વન અને ટુ બી.એચ.કે. સ્કીમમા આકર્ષક ગાર્ડન, લાયબ્રેરી, કોમ્યુનિટી હૉલ, સિનિયર સિટીઝન માટે બેઠક, સ્ટ્રીટ લાઈટ, લીફ્ટ વિગેરે સુવિધાઓ ધરાવતુ કંપનીનુ બ્રોસર બતાવતા જરૂરીયાતમંદ ગરીબ પરિવારના લોકો બુકીંગ માટે આકર્ષાયા હતા. કંપની દ્વારા લોનની સુવિધા આપવામાં આવી હોવાથી ૧૦ ટકાના ડાઉન પેમેન્ટમાં ઘરનુ ઘર મળે તેમ હોવાથી શ્રમજીવી ગરીબ વર્ગના લોકોએ બુકીંગ કરાવ્યા હતા. જેમાં વિસનગર પાલિકા દ્વારા તા.૨-૫-૨૦૧૬ ના રોજ બાંધકામ મંજુરી આપવામાં આવી હતી અને તા.૨૦-૧૧-૨૦૧૭ ના રોજ બી.યુ પરમિશન આપવામાં આવી હતી. બી.યુ મળતાજ લોન મંજુરીના દ્વાર ખુલી ગયા હતા. અત્યારે આ સ્કીમમા ૭૦ થી ૮૦ જેટલા ફ્લેટ ચાલુ છે. જ્યારે બાકીના ટાવરમાં હજુ કામ પુરૂ થયુ નથી. કેટલાક ટાવરમાં આર.સી.સી. સ્ટ્રક્ચર ઉભા છે.
આ સ્કીમમાં બીલ્ડર, વિસનગર પાલિકા તંત્ર અને હોમલોન આપતી બેંકો દ્વારા સંયુક્ત કૌભાંડ આચરવામાં આવ્યુ છે. આ કૌભાંડીઓના કારણે ગરીબ પરિવારોનુ ઘરનુ ઘર નુ સપનુ રોળાયુ છે. સ્કીમમાં ખેરાલુ તાલુકાના મંદ્રોપુર(વાલાપુર)ના કમલેશભાઈ શંકરભાઈ દેવીપૂજક, વિસનગર તાલુકાના ભાલક ગામના વિજયકુમાર રમેશભાઈ દેવીપૂજક, ખેરાલુ તાલુકાનાા મંદ્રોપુર(વાલાપુર)ના વિજેશભાઈ શંકરભાઈ દેવીપૂજક તથા વિસનગર તાલુકાના કુવાસણા ગામના રાજુભાઈ ભીખાભાઈ દેવીપૂજકે રૂા.૮,૭૭,૭૭૭/- મા ફ્લેટનુ બુકીંગ કરાવ્યુ હતુ. કંપનીએ લોન માટે બેંકના એજન્ટોનો સંપર્ક કરાવ્યો હતો. દરેકે ૧૦ ટકા પ્રમાણે રૂા.૮૭,૭૭૭/- નુ ડાઉન પેમેન્ટ ભર્યુ હતુ. બુકીંગ કરાવનાર બે ગ્રાહકોનુ જુલાઈ ૨૦૧૬ અને બે ગ્રાહકોની ઓક્ટોબર ૨૦૧૬ મા લોન મંજુર થઈ હતી. લોન મંજુર કરતા પહેલા તૈયાર ફ્લેટ કે મકાનમાં ફોટા પાડવામાં આવે છે. જે ફ્લેટનુ બુકીંગ કરાવ્યુ હતુ તેનુ કામ અધૂરુ હતુ ત્યારે તૈયાર થયેલા અન્ય ફ્લેટના ફોટા પાડી લોન મંજુર કરી હતી. લોનની આ પ્રોસેસથી ગ્રાહકો અજાણ હતા. લોન મંજુર કરીને ટાટા કેપીટલ હાઉસીંગ ફાઈનાન્સ લી તથા આઈ.આઈ.એફ.એસ.એ બાકીનુ ૯૦ ટકા પેમેન્ટ બીલ્ડરને આપી દીધુ હતુ. લોન મંજુર કરી બીલ્ડરના ખાતામાં લોનની રકમ જમા થઈ ગયા બાદ આજ ૮ વર્ષ થયા છતા આ ચાર ગ્રાહકોને ફ્લેટનો કબજો મળ્યો નથી. જ્યારે લોન રિકવરી માટે ગ્રાહકોને લોન આપનાર કંપની દ્વારા નોટીસો આપવામાં આવી છે.
બીલ્ડર, પાલિકા તંત્ર અને લોન આપનાર કંપનીઓના કૌભાંડનો આ ગરીબ પરિવારના લોકો ભોગ બનતા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કૌભાંડનો ભોગ બનનાર ગરીબોને ન્યાય અપાવવા કટીબધ્ધ બન્યા છે. ન્યાય નહી મળે તો આ મુદ્દે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી કરવામા આવી છે. બીલ્ડરે રેરા રજીસ્ટ્રેશન માટે પણ વર્ષ ૨૦૧૭ મા અરજી કરી હતી. હાલ સ્કીમમા પરિસ્થિતિ એવી છેકે ૬ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે. બાકીના તમામ ટાવરનુ કામ અધુરૂ છે તયારે પાલિકા દ્વારા કયા આધારે બી.યુ પરમિશન આપવામાં આવી તે પશ્ન છે. ૬ ટાવરમાં રહેતા ફ્લેટ ધારકો પણ બીલ્ડરની લોાભામણી લાલચમાં ફસાયા છે. બ્રોસરમાં જણાવ્યા પ્રમાણેની કોઈ સુવિધા આપવામાં આવી નથી. જે બાબતે એક વર્ષ અગાઉ પણ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા બીલ્ડરને નોટીસ આપવામાંઆવી હતી. કૌભાંડીઓને શબક શીખવવા તેમજ ગરીબોને ન્યાય અપાવવા ગ્રાહક સુરક્ષા મંડળે જીલ્લા કલેક્ટર સહિત તંત્રને જાણ કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts