Select Page

વિસનગરમાં મનરેગાના કર્મચારીઓનો પગાર નહી થતા કફોડી સ્થિતિ

વિસનગરમાં મનરેગાના કર્મચારીઓનો પગાર નહી થતા કફોડી સ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગરીબોને રોજગારી આપવાનો દાવો પોકળ

  • વિસનગર તાલુકા પંચાયતમાં ભાજપના આગેવાનોની ખોટી દખલગીરીના કારણે મનરેગા યોજનામાં કોઈ કામ થતા નથી

વિસનગર તાલુકા પંચાયતમાં રાજકીય ડખલગીરીથી ગરીબોને રોજગારી આપતી કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં છેલ્લા ઘણા સમયથી વિકાસકામો થતા નથી. જેના કારણે ચાર ટકા કન્ટીજન્સી નહી જળવાતા મનરેગા શાખાના કરાર આધારિત કર્મચારીઓનો છેલ્લા છ માસથી તેમજ આઉટસોર્સ કર્મચારીઓને આઠ માસથી પગાર ચુકવવામાં આવ્યો નથી. પગાર નહી મળતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. ત્યારે ગુજરાતના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ પોતાના તાલુકાના મનરેગાના કર્મચારીઓને પગાર ચુકવવા વહીવટીતંત્રને સુચના આપશે ખરા?
કેન્દ્ર સરકારે ગ્રામ્યના શ્રમિકો અને બેરોજગારોને રોજગારી આપવા માટે મનરેગા યોજના અમલમાં મુકી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારની મનરેગા યોજનામાં લાખ્ખો ગરીબોને રોજગારી મળતી હોવાનો જાહેરમાં દાવો કરી રહ્યાછે. પરંતુ વિસનગરમાં ગરીબોને રોજગારી આપવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દાવો પોકળ સાબિત થયો છે. વિસનગર તાલુકા પંચાયતમાં ભાજપના આગેવાનોની ખોટી ડખલગીરીના કારણે છેલ્લા દોઢ વર્ષથી મનરેગા યોજનામાં કોઈ વિકાસકામો થયા નથી. અહીં ભાજપના બે-ત્રણ સદસ્યોના આંતરિક વિખવાદમાં વિકાસશાખામાં ત્રણ થી પાંચ વર્ષ સુધી ચિપકેલા કેટલાક કર્મચારીઓ પોતાની બદલી ન થાય તે માટે ઘી હોમવાનુ કામ કરી રહ્યા હોવાનું ચર્ચાય છે.
ભાજપના સદસ્યોના આંતરિક વિખવાદમાં બીજા આગેવાનો ભાગ ભજવતા હોવાથી તાલુકામાં વિકાસ કરતા વિવાદ વકર્યો છે. અત્યારે સરકારની મનરેગા યોજનામાં ગામડામાં કોઈ વિકાસકામો નહી થતા ચાર ટકા ખર્ચની કન્ટીજન્સી જળવાતી નથી. જેના કારણે મનરેગા શાખાના કરાર આધારિત કર્મચારીઓનો છેલ્લા છ માસથી તેમજ આઉટસોર્સ કર્મચારીઓનો આઠ માસથી પગાર ચુકવવામાં આવ્યો નથી. મહિનાઓ સુધી પગાર નહી મળતા સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. કર્મચારીઓ જે તાલુકામાં મનરેગા યોજનામાં કામ થતા હોય ત્યાં બદલી કરવા તૈયાર છે. પરંતુ ગમે તે કારણે તેમની બદલી પણ કરવામાં આવતી નથી. અત્યારે ‘પાડાના વાંકે પખાલીને ડામ’ ની જેમ ભાજપના આંતરિક વિખવાદમાં મનરેગા શાખાના કર્મચારીઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ ગરીબોને રોજગારી આપવાનું સપનું વિસનગરમાં ક્યારે પુરૂ થશે?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts