પ્રિ-મોન્સુન કામગીરીમાં કેનાલ-ગટર સફાઈમાં ગંભીર બેદરકારી
ભાજપ શાસીત પાલિકાની નિષ્ક્રીયતાથી ચોમાસુ પાણી ભરાશે-શામળભાઈ દેસાઈ
- રૂા.૪ કરોડની ગ્રાન્ટ નહી વાપરતા ગંજબજારથી કાંસા રોડ કેનાલનુ કામ નહી થતા ચોમાસામા લોકો મુશ્કેલીમા મુકાશે
ભાજપ શાસીત પાલિકાની અણઆવડત અને દિર્ઘદ્રષ્ટીના અભાવે આગામી ચોમાસુ વિસનગર માટે ભયાનક સાબીત થાય તેમ છે. કેનાલ માટે સરકારે ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. છતા કામ શરૂ નહી કરતા બુઠા વહિવટી તંત્રના કારણે વધુ એક વર્ષ શહેરના લોકોને હેરાન થવાનુ છે તેમ પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ રબારીએ જણાવ્યુ છે. વિરોધ પક્ષના નેતાએ એ પણ જણાવ્યુ છે કે ખોબલે ખોબલે મત મેળવનાર ભાજપને શહેરીજનોની કોઈ પડી નથી કે કોઈ ચિંતા નથી.
વિસનગરમાં ચાર ટર્મથી ચુંટાતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના ખુલ્લી ગટરો અને કેનાલોના શહેરમા દર વર્ષે એપ્રીલ મે માસમા પ્રિમોન્સુન કામગીરી થાય છે. કેનાલો અને ગટરો ખુલ્લી હોવાથી તેમા કચરાના થર જામેલા હોય છે. ગટરની ગંદકીના કારણે આરોગ્ય મંત્રીના શહેરમાં મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ રહે છે. ભાજપ કે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ શહેર પ્રત્યે ધ્યાન નહી રાખતા સમસ્ત નગરજનો અત્યારે ગંદકીના શ્રાપમા જીવી રહ્યા છે. ગટરો અને કેનાલોમાં પુષ્કળ કચરો ભરાતા દર વર્ષે ચોમાસા પહેલા પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ચોમાસાનુ આગમન વહેલુ હોવાની આગાહી થઈ રહી હોવા છતા કેનાલ કે ગટર સફાઈ માટે પાલિકા તંત્ર આળસ ખંખેરતુ નથી.
પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ દિર્ઘદ્રષ્ટિનો અભાવ ધરાવતા ભાજપના બુઠા વહિવટી તંત્ર સામે રોષ પૂર્વક જણાવ્યુ છેકે, શહેરમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાય છે. ગટરો ચોકઅપ થઈ છે એટલે ગટરો ઉભરાય છે. ગટરોની લાઈનોમાં કચરાના થર જામી ગયા છે ત્યારે ચોમાસા પહેલા સાફ કરવાની કોઈને ચિંતા નથી. આવીજ પરિસ્થિતિ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના આશીર્વાદથી જોવા મળતી ખુલ્લી કેનાલોની પણ છે. અડધા શહેરના પાણીનો નિકાલ કરતી પટણી દરવાજા ઉમિયા માતાના મંદિરથી મહેસાણા ચાર રસ્તા સુધીની કેનાલમાં અત્યારે ઠેર ઠેર કચરો જામેલો જોવા મળે છે. કેનાલમાં ઝાડી જાખરા ઉગી નિકળ્યા છે. આ એક નહી પરંતુ શહેરની દરેક કેનાલોની આવી હાલત છે. કચરાના થર તેમજ ઝાડી જાખરા હોવાથી ભારે વરસાદમાં ચોમાસુ પાણીનો વ્હેણ રોકાય તેમ હોવાથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેમ છે. આવી પુર હોનારતમા મોટા ભાગે ગરીબોનેજ હેરાન થવાનુ હોય છે. ત્યારે ભાજપ ગરીબોની ચિંતા કરતો પક્ષ છે તે વિસનગર પાલિકામાં જોવા મળતુ નથી.
વિરોધ પક્ષના નેતાએ એ પણ જણાવ્યુ છેકે, સરકાર એડવાન્સ ગ્રાન્ટ આપે છે તે પણ શહેરજનોની સુખાકારી માટે ભાજપની પાલિકા વાપરી શકતી નથી. ગત વર્ષે વિસનગર પાલિકાને ફળવાયેલ રૂા.૪ કરોડની માતબર ગ્રાન્ટમાંથી ગંજબજારથી કાંસા ચાર રસ્તા અને કાંસા રોડ સુધી કેનાલ બનાવવા આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. ગત વર્ષે ગંજબજારથી કાંસા ચાર રસ્તા સુધી ચોમાસુ પાણી ભરાવાના બનાવો બન્યા હતા. ગંજ બજારમાં પાણી ઘુસી જતા વેપારીઓએ પાલિકા વિરુધ્ધ હોબાળો કર્યો હતો. ત્યારે પાણી ભરાવાની પરિસ્થિતિને સમજીને પણ ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી કેનાલ ઝડપી બનાવવા પાલિકાએ તસ્દી લીધી નથી. ગ્રાન્ટ ફળવાયા બાદ એક વર્ષ થવા છતા ભાજપનુ બુઠુ વહિવટી તંત્ર કેનાલ બનાવી શક્યુ નથી. ગંજબજારના ભોજનાલય ગેટની બાજુમા દગાલા રોડની કેનાલનુ કામ પણ અધૂરુ છે. જ્યા કોઈનો ભોગ લેવાય તેમ છે. છતા પાલિકા તંત્ર માટે સબ સલામત છે. શામળભાઈ દેસાઈએ વિસનગરની જનતાને અપીલ કરી છેકે ગટરો અને કેનાલોની સફાઈ નહી થતા આ વર્ષે ચોમાસુ શહેર માટે ભયાનક સાબીત થાય તેમ છે. પાલિકા તંત્રને કોઈ ચિંતા નથી ત્યારે ભારે વરસાદમાં જીવ બચાવવા લોકોએજ સાવચેતી રાખવાની છે.